તાપી જિલ્લાના હજીરા-ધુલિયા નેશનલ હાઈવે 53 પર આવેલા માંડલ ટોલનાકા પર આજે સ્થાનિકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક રહીશોએ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે ટોલનાકાનો ઘેરાવો કર્યો. આંદોલનકારીઓએ ટોલનાકાના મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. તેમણે ચેતવણી આપી કે જો માગણી નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે પર ચક્કાજામ કરશે. પોલીસે આગોતરી માહિતીના આધારે સોનગઢ નગરના કેટલાક સ્થાનિકોને નજરકેદમાં રાખ્યા. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ટોલનાકા પર એકત્રિત થયા. આંદોલનને કારણે નેશનલ હાઈવે પર 20 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ. બે કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શનથી અનેક વાહનચાલકો અટવાયા. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ટોલમાંથી મુક્તિની માગણી કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ કેટલીક વાર વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છે. પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા તાપી જિલ્લા પોલીસનો મોટો કાફલો ટોલનાકા પર તહેનાત કરવામાં આવ્યો છે.