ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અને સમસ્યાઓના નિવારણ માટે ભાજપા શહેર સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી નિ:શુલ્ક હેલ્પલાઇન નંબરની સેવા શરૂ કરી છે. આ વર્ષે પણ સંગઠન દ્વારા એવા રાજશ્રી ભાવસાર, નિશાબેન ઠક્કર, પરેશભાઈ શાહ અને શૈલેષભાઈ માછી સહિત ચાર માર્ગદર્શકોની ટીમની રચના કરવામાં આવી હતી. બોર્ડની પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન આશરે 300 જેટલા વિદ્યાર્થીઓએ માર્ગદર્શકોને ફોન કરી પ્રશ્નોનું નિરાકરણ તથા સમસ્યાઓનું સમાધાન મેળવ્યું હતું. માનસિક હતાશા, કૌટુંબિક સમસ્યાઓ ,ઘોંઘાટનું પ્રદૂષણ , અભ્યાસક્રમની વિષયલક્ષી બાબતો તથા વ્યક્તિગત સમસ્યાઓ જેવા મુદ્દા ઉપર નિખાલસપણે અને નિ:સંકોચકપણે માર્ગદર્શકો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ ટીમનો આભાર માન્યો
કાઉન્સિલિંગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શાંતિથી સાંભળવામાં આવ્યા હતા તથા પ્રોત્સાહનથી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવામાં આવ્યો હતો. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓના માતા-પિતાએ પણ ટીમનો આભાર માન્યો હતો. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા‘નું ધ્યેય સૂત્ર ‘વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્યની સુદ્રઢતા ‘ છે. જે સૂત્રને મહદંશે માર્ગદર્શકો એ સાકાર કર્યું હતું. પાર્ટી રાજકીય કાર્યક્રમો ઉપરાંત જનજાગૃતિ માટે પણ આ પ્રકારના પ્રજાલક્ષી કાર્ય કરી રહી છે. દિવ્યાંગજનો માટે જિલ્લાભરમાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) કાનપુર તથા જિલ્લા વહીવટી તંત્ર વડોદરાના સંયુકત ઉપક્રમે દિવ્યાંગજનો માટે જિલ્લાભરમાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે દિવ્યાંગજન 40 ટકા કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જેવા કે, ટ્રાયસીકલ, મોટરાઇઝડ ટ્રાઇસિકલ, સ્માર્ટ ફોન,વ્હીલચેર, કાખઘોડી, શ્રવણયંત્ર, ટી.એલ.એમ કીટ, કૃત્રિમ અંગ, કેલીપર્સ, વિગેરે માટે એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત એસેસમેન્ટ કરાવવા માટે તા.4-4-2025ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે, તા.5-4-2025ના રોજ દીપક ફાઉન્ડેશન, સમાજ સુરક્ષા સંકુલ પેન્શનપુરા ખાતે, તા. 6-4-2025ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, વાઘોડિયા ખાતે, તા.8-5-2025ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે અને તા.9-4-2025ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે નામ નોંધણી કરાવી શકાશે. આ કેમ્પમાં વધુમાં વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગજનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ-2, 40% કે તેથી વધુની દિવ્યાંગતા ધરાવતા હોવા અંગેનું UDID કાર્ડ અથવા UDID કાર્ડનો નોંધણી નંબર કે દિવ્યાંગતા ડૉકટરી પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવોની નકલ સાથે હાજર રહી પોતાના નામની નોંધણી કરાવી એસેસમેન્ટ કરવી શકશે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, રૂમ નં-103, સી-બ્લોક, પ્રથમ માળે, જેલ રોડ, નર્મદા ભવન, વડોદરા, તથા ફોન નં. 0265-2428048 પર સંપર્ક કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક યાદીમાં જણાવાયું છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં સુંદરકાંડનું આયોજન
શહેરના કારેલીબાગ ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ દ્વારા વારંવાર થતા અકસ્માત તેમજ આ જગ્યાએ થયેલ ગમખ્વાર અકસ્માતમાં સદગતિ થયેલ પુણ્ય આત્માના શાંતિ અર્થે ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે ભક્તિમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સંસ્કારીનગરી તરીકે પોતાની સમગ્ર દેશ અને દુનિયામાં છાપ ધરાવે છે, પરંતુ પાછલા ઘણા સમયથી વડોદરા શહેરમાં સંસ્કારોના લીલેલીરા ઉડતા હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર સર્જાઇ રહ્યા છે. તેમજ કારેલીબાગ ખાતે આવેલ ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે અવારનવાર અકસ્માતોની સંખ્યામાં ઉતરોત્તર ગંભીર વધારો જોવા મળી રહ્યો છે. જે દરેક માટે ખૂબ જ ગંભીર વિષય કહી શકાય. હોળીના દિવસે સમગ્ર દેશ અને દુનિયામાં ચકચાર મચાવનાર રક્ષિતકાંડ અકસ્માતમાં આઠ લોકોને પુરપાટ ઝડપે જતી કારે ફંગોળી દેતા કમનસીબે એક મહિલાનું ઘટના સ્થળે જ કરૂણમોત નિપજ્યું હતું અને અન્ય સાત ઇજાગ્રસ્તો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેઓની હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે. આ તમામનું સ્વાસ્થ્ય ઝડપી સારું થાય અને નીરામય રહે અને લોકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ સાથે અકસ્માત થયેલ ચંદ્રાવલી ચાર રસ્તા ખાતે ચંદ્રાવલી ચાર રસ્તા ગ્રુપ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામનાર પુણ્ય આત્માના શાંતિ અર્થે ભક્તિમય સુંદરકાંડનું સુંદર આયોજન કિરણભાઈ જીંગરના સ્વરકંઠે કરવામાં આવ્યું હતું.