પાટણમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષીય આદિત્ય જયપ્રકાશ વ્યાસે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી લીધું હતું. આદિત્ય મહેસાણાની એક ખાનગી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરે છે. 2024માં ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા બાદ આદિત્યએ પાટણના પ્રકાશભાઈ પાસેથી રૂ. 50,000 વ્યાજે લીધા હતા. તેણે બે ચેક જામીન તરીકે આપ્યા હતા. વ્યાજખોર દર અઠવાડિયે રૂ. 5,000 વ્યાજ લેતો હતો. એક દિવસ મોડું થાય તો પેનલ્ટી પેટે રૂ. 2,500 વસૂલતો હતો. આદિત્યએ પોતાના દાગીના ગીરવે મૂકીને અને મોબાઈલ વેચીને મૂળ રકમ સાથે કુલ સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આમ છતાં 24 માર્ચ 2025ના રોજ વ્યાજખોરે રૂ. 1.10 લાખની વધુ માગણી કરી. તેણે આદિત્યને ઉપાડી જવાની ધમકી પણ આપી. ધમકીથી ત્રસ્ત થયેલા આદિત્યએ ઘરે આવીને ફિનાઈલ પી લીધું. તેની પત્નિએ તરત જ બાટલો છીનવી લીધો હતો. હાલમાં આદિત્ય સારવાર હેઠળ છે. તેણે વ્યાજખોર વિરુદ્ધ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.