પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે શંકાસ્પદ ઘી બનાવતા વેપારીના સીલ કરેલા ગોડાઉનની તપાસ શરૂ કરી છે. 15 દિવસથી ગેરહાજર વેપારી મંગળવારે કચેરીમાં હાજર થતાં તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 11 માર્ચના રોજ તંત્રને શંકાસ્પદ ઘી અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઉઝા હાઈવે પર આવેલા પાર્થ એસ્ટેટમાં ગોડાઉન નંબર B-1 અને 21ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને ગોડાઉન બંધ મળ્યા હતા. એફબીઓ મોદી રાકેશભાઈ મુકેશભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ હાજર ન થતાં બંને ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. બાલીસણા પોલીસ સ્ટેશનને એફબીઓની હાજરી માટે જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી હતી. મંગળવારે વેપારી કચેરીમાં હાજર થતાં તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગોડાઉન પર પહોંચી હતી. સીલ તોડીને અંદર રહેલા વિવિધ બ્રાન્ડના શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 અંતર્ગત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ તપાસ ચાલુ હોવાનું તંત્રએ જણાવ્યું છે.