સુરત શહેરમાં કથિત RTI ખંડણીખોરો સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. આ વખતે કોઈ સામાન્ય શખસ નહીં પરંતુ ઉધના વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ RTIનો દુરૂપયોગ કરી ખંડણી ઉઘરાવતો ઝડપાયો છે. SOGની ટીમે 3 લાખની રકમ લેતા તેને રંગે હાથ પકડી પાડ્યો હતો. RTI, ધરણાં અને ખંડણીના નામે કોડવર્ડ ગેમ
પ્રકાશ દેસાઈએ આ મામલે ‘થિયેટર’ અને ‘ટિકિટ’ નામના કોડવર્ડ તૈયાર કર્યા હતા. જેમાં ‘થિયેટર’નો ઉપયોગ ધરણાં અને ‘ટિકિટ’નો ઉપયોગ ખંડણીની રકમ માટે થતો હતો. એક લાખ માટે એક ટિકિટ કોડવર્ડ વાપરતો હતો. આ કોડવર્ડના આધારે લિયો ક્લાસિસના સંચાલક પાસેથી 4.50 ટિકિટ (4.50 લાખ)ની માગણી કરવામાં આવી હતી. RTIને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માગ કરતો
પ્રકાશ દેસાઈએ લિયો ક્લાસિસ વિરૂદ્ધ અનેકવાર RTI કરી અને મનપાની મુખ્ય કચેરી બહાર ધરણાં પર બેસવાની ધમકી આપી હતી. મનપાની તપાસ બાદ કોઇ ગેરકાયદેસર બાંધકામ ન હોવાનો જવાબ આપ્યો હતો છતાં પણ દબાણ વધારતા રહ્યા. RTIને ધમકીનું હથિયાર બનાવી ખંડણીની માગ કરતો હતો. જ્યારે આખરે 3 લાખની ટિકિટ લેતો હતો ત્યારે SOGએ ટ્રેપ ગોઠવી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. હીંચકા પર બેસીને RTIના દબાણની વાત કરતો વીડિયો સામે આવ્યો
ખાસ વાત એ છે કે, પ્રકાશ દેસાઈનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ઘરના હીંચકા પર આરામથી બેસીને RTIના દબાણની વાત કરતો જોવા મળે છે. આ વીડિયોમાં ખંડણી અંગે ચર્ચા કરે છે. SOG પોલીસે પૂર્વ કોર્પોરેટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ટેરેસ પરથી ઉતરી પોલીસકર્મી બાલ્કનીથી ઘરમાં ઘૂસ્યો
પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવા SOGની ટીમ પ્રકાશ દેસાઈના ઘરના ટેરેસ પર હતી. જેની જાણકારી પ્રકાશ દેસાઈને નહોતી. જ્યારે ખંડણીની રકમ પ્રકાશ દેસાઈએ લીધી ત્યારે ફરિયાદીના સૂચન પર અચાનક જ SOGના એક પોલીસકર્મી જીવના જોખમે ટેરેસથી ઉતરીને તેના ઘરની બાલ્કનીની અંદર પહોંચ્યો હતો. આ દૃશ્ય કોઈ ફિલ્મનો હોય તેમ જોવા મળ્યું હતું. SOGની ટીમે પ્રકાશ દેસાઈની ધરપકડ કરી
આ દરમિયાન પ્રકાશ દેસાઈની ધરપકડ કરવા તેના ઘર નીચે SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઇ સહિતના પોલીસકર્મીઓ હાજર હતા. ટેરેસ પરથી પોલીસકર્મી પ્રકાશ દેસાઈના ઘરમાં અંદર પ્રવેશ્યો હતો. જ્યારે બીજી બાજુ ઘરની નીચેથી SOGની ટીમ પણ ઉપર પહોંચી હતી અને હીંચકા પર બેસેલા પ્રકાસ દેસાઈની ધરપકડ કરી હતી.