વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાંથી સસ્પેન્ડ થયેલા ક્લાર્ક ખીમજીભાઈ વાઘેલાએ પારનેરા ડુંગર પર આપઘાત કરી લીધો છે. તેમની લાશ ડિકમ્પોઝ હાલતમાં મળી આવી છે. મૃતકની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ, પોસ્ટ ઓફિસના અધિકારીઓએ ID વાપરવાની માત્ર એક નાની ભૂલ બદલ તેમનું શોષણ કર્યું હતું. અધિકારીઓએ શિક્ષાત્મક પગલાં ન લેવા માટે 13 લાખ રૂપિયા લીધા હતા. તેમજ વધુ 5 લાખની માંગણી કરી હતી. આ રકમની વ્યવસ્થા ન થતાં તેમને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ખીમજીભાઈ મૂળ સેલવાસ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા હતા. નાણાંકીય ઉચાપતના આરોપ બાદ તેમની બદલી વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બર 2024ના રોજ તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા. 7મી માર્ચે નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત ન ફરતા તેમની પત્નીએ ભિલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ લોકેશન ટ્રેસ કરતાં પારનેરા ડુંગર પરથી તેમની લાશ મળી આવી હતી. મૃતકના પિતાએ સુસાઇડ નોટના આધારે પોસ્ટ ઓફિસના અધિકારી તલગાવકર સહિત અન્ય કર્મચારીઓ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. વલસાડ રૂરલ પોલીસે પરિવારના નિવેદનો નોંધ્યા છે. મોબાઈલ ફોન અને અન્ય પુરાવા FSLમાં મોકલી તપાસ શરૂ કરી છે. આખી સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
મારી હત્યા પાછળ તલગાવકર સાહેબનો જ હાથ છે. કેમ કે, તેમણે અવારનવાર મને માનસિક અને આર્થિક રીતે બ્લેકમેઈલ કરી જૂથવાદને કારણે ફસાઈ ગયેલા મને, મારી ઇન્કવાયરીનો ગેરલાભ ઊઠાવ્યો છે. શરૂઆતમાં આવીને તેમણે મારૂ LGS પ્રમોશન અટકાવ્યું ત્યારે પૈસા માંગણી કરી ત્યારે પૂરી સજાવડ ન થતાં મેં ડેપ્યુરિન કે એટેચમેન્ટ કે ME તરીકે ઘરથી નજીકનું સ્થળ માંગ્યું તો તેમણે સત્તાનો દૂર ઉપયોગ કરીને તે પણ ન આપ્યું. આખરે મારાથી તેમની બધી માંગણીઓ ન સંતોષાતા તેમણે મને D.Oમાંથી H.Oમાં પોસ્ટિંગ આપીને સંપૂર્ણ રીતે માનસિક રીતે હેરાનગતિ કરી. તેમ છતાં હું હિંમતથી ચાલ્યો અને મારી જવાબદારી નિભાવી, અત્યાર સુધીમાં તેમણે 13 લાખ જેટલી રકમ પડાવી છતાંય તેમને હજુ બીજી પાંચ લાખ જોઈતા હતા. જે હું હવે વ્યવસ્થા કરી શકું તેમ ન હતો તેથી તેમણે ચિરણ સર પાસે નિયમો બતાવી મારુ સસ્પેન્શન કરાવ્યું. જે બાબતમાં મારા મત મુજબ ચિરાગ સર નિર્દોષ છે. હવે હું આ રકમ આપવા અસમર્થ હોવાથી તેમણે અજાણ્યા માણસો મોકલાવીને મને ધમકી દ્વારા હેરાન કરવા લાગ્યા અને જો ન આપું તો નોકરી ખોવાઈ જવાની અને પરિવારને હેરાન કરવાની ઘમકીઓ મળવા લાગી. આથી બધું વિચારીને અંતે હું આજે અંતિમ પગલું ભરું છું. મારા આ નિર્ણય પાછળ ફક્ત અને ફક્ત DY. SP તલગાવકર સરનો જ હાથ છે. મારા સાથી મિત્રો અને પરિવાર, મારી અનિતા, રાજવી હીર બધા મને માફ કરે અને હિંમતથી આગળની જિંદગી વિતાવે. હું જ્યાં છું ત્યાંથી બધાને મદદ કરતો રહીશ. હું નબળો ન પડું એટલે આ રીતે વિદાય લઉં છું. જે ભૂલ કરી નથી પણ આઇ ડી વાપરવાના બદલે બહુ મોટી સજા મળી છે. આઈ ડી વાપરવાની એકે ભૂલના લીધે અત્યાર સુધી શોષણ થતું રહ્યું છે. અને થતું પણ રહેશે .માટે જયાં સુધી હું જીવિત છું. ત્યાં સુધી મારા પ્રિય સ્વજનોને મને -કે-કમને હેરાન કરતો રહીશ. માટે હું જઈ રહ્યો છું. વધુમાં આ સમગ્ર બાબતે અનિતા સાવ નિર્દોષ છે, સાવ અજાણ છે. કેમ કે તેને કોઈ પણ વાતનું ખૂબ જ વધારે ટેંશન રહેતું હોવાથી હજુ સુધી તેણે જણાવેલું નથી. માટે સૌને વિનંતી કે અનિતાને દીકરીની જેમ સાચવે અને મારી ઢીંગલીઓને પણ સાચવજો છેલ્લા જય માતાજી. હિતેશભાઈ અને અનિલભાઈએ ખૂબ જ મદદ કરી છે. જે ક્યારેય ભુલાય તેવું નથી. તેમનો પણ ખૂબ ખૂબ આભાર. મને સૌ માફ કરશો કેમ કે હવે આ સાહેબ મને બહાર આવવા દેય એવું લાગતું નથી. બધા મળીને બહુ ટોચર કરે છે. માટે હું જઈ રહ્યો છું જે વાત કોઈને ન કહેવાની પણ વારંવાર ધમકી જાળે છે. માટે મારા સમગ્ર પરિવારને મારા પ્રણામ, ખાસ અનિતા એ હિંમતથી કામ લેવું પડશે. બા- જીજી- ભાઈ -ભાભી – બહેન – બનેવી તથા સમસ્ત પરિવારને મારા પ્રણામ અને મને માફ કરશો. દરેકે મને મદદ કરી જ છે એ બદલ દરેકનો આભાર