સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે. બે વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ સિલસિલો હજુ પણ અટક્યો નથી. તાજેતરમાં વધુ એક સ્વામીનો વિવાદિત વીડિયો વાઇરલ થયો છે. સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદનન આપી રહ્યા છે કે, દ્વારકા ધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી’. હાલ આ 59 સેકન્ડના વાઇરલ વીડિયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે. મહાકુંભમાં ગંગાના પ્રવાહને પવિત્રતા આપનારા સંત પ્રબોધ સ્વામી: હરિભક્ત
આ ઉપરાંત તાજેતરમાં મુંબઈના ઘાટકોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્તના નિવેદનને લઈ પણ વિવાદ થયો છે. વાઇરલ વિડીયોમાં એક હરિભક્ત કહે છે કે, મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનારા સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જેને લઇને દેશભરમાં સગર સમાજમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આજે રાજકોટમાં કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રભવ જોશીની ગેરહાજરીમાં અધિક કલેક્ટર એ. કે. ગૌતમને સગર સમાજ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આવેદન આપી વિરોધ કરવામા આવ્યો હતો. ગંગામૈયાને ધરતી પર લાવનાર સગર સમાજના પૂર્વજ મહાન તપસ્વી મહારાજ ભગીરથ દાદા હોવાનુ જણાવી તે હરિભક્ત સગર સમાજની માફી માંગે તેવી માંગ કરવામા આવી છે. આ આવેદનપત્રમાં કહ્યું છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયના આ હરી ભક્તના એક વાઇરલ વિડીયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઈ સમજાતુ નથી, અમારા સગર સમાજને આ વાઇરલ વિડીયોમાં બફાટ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરી પ્રબોધ ગ્રુપના ભક્તની વાણીથી ખુબ દુઃખ થયું છે અને સગર સમાજને કોઈ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી. પરંતુ આ બફાટ કરનાર એકમાત્ર પ્રબોધ ગ્રુપના હરી ભકત સામે વાંધો છે તે વ્યકિત જે બફાટ કરે છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. સ્વામી વિવાદિત નિવેદનને લઈ ચર્ચામાં
સુરત શહેરના વેડરોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈને હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યા છે. 59 સેકન્ડના આ વીડિયોમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે. સ્વામીએ વાઇરલ વીડિયોમાં શું કહ્યું?
વાઇરલ વીડિયોમાં સ્વામી નિવેદન આપી રહ્યાં છે કે, “મહારાજ કહે છે કે જ્યારે અમે દ્વારકા ગયેલા, ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે.’ આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો, આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ.જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા. વીડિયો અંગે ગુરુકુળ તરફથી કોઈપણ નિવેદન આપવાની ના
અત્રે ઉલ્લેખનીય છે કે, 59 સેકન્ડના આ વીડિયોમાં સ્વામીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીજી બાજુ, જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આ વીડિયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે ગુરુકુળ તરફથી કોઈ પણ નિવેદન આપવાની ના પાડવામાં આવી હતી. ગુરુકુળના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “સ્વામી વેડરોડ ખાતે રહે છે, આ વીડિયોમાં ઘણા એડિટ છે.” ‘દ્વારકાધીશ દ્વારકામાં નહીં, પણ વડતાલમાં રહે છે’
સૌથી મહત્ત્વની વાત એ છે કે, હાલ ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથને લઈને વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે, 4 દિવસ પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું હતું. જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા આજે (25 માર્ચે) વિશાળ રેલીનું આયોજન કરાયું હતું, સાથે જ હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ‘પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવી-દેવતાઓનું અપમાન’
સનાતન ધર્મના દેવી-દેવતાઓના અપમાન કરવા અંગે (23 ફેબ્રુઆરી. 2025) સનાતન ધર્મના ધર્માવલંબીઓની અને સંતો વચ્ચે ગોષ્ઠીનું આયોજન અમદાવાદના મીઠાખળી ખાતે થયું હતું. દેશમાં લોકશાહીનો અધિકાર મળ્યો છે. લોકો પોતાના ધર્મ અને સંપ્રદાયનો પ્રચાર-પ્રસાર કરી શકે છે, એની સામે કોઈ વાંધો નથી. મૂળભૂત જે સનાતન ધર્મ છે, તેના દેવી-દેવતાઓને નીચા બતાવવાનો અને તેમનું અપમાન કરવામાં આવે છે. પુસ્તકોમાં તેમના પાત્રો ગોઠવી દેવાના એવા તમામ વિષય ઉપર પહેલી બેઠક સાધુ-સંતોની લીંબડીમાં થઈ હતી. બીજી જુનાગઢ, સુરત અને રાજકોટના ત્રંબામાં થઈ હતી. આ તમામ મિટિંગોના અંતે જુદી-જુદી સમિતિઓની રચના થઈ હતી. જોકે નક્કર પરિણામ સુધી ગયા નહોતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) અનુપમ સ્વામીએ કહ્યું હતું આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે
ગત નવરાત્રિના ત્રીજા નોરતે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ બફાટ કર્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળના અનુપમ સ્વરૂપ સ્વામીનો એક વીડિયો વાઇરલ થયો હતો. તેમાં તે કહે છે કે આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. શરમ સાવ ગઈ, પહેરવેશના નામે અંગ પ્રદર્શન થઇ રહ્યું છે. વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવી ગયા છે. તો સંત સમાજના જ્યોતિર્નાથ મહારાજે આ નિવેદનને વખોડતા કહ્યું છે કે સ્વામિનારાયણના સંતો વારંવાર બળાત્કાર કરવા ટેવાયેલા છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 2023માં હનુમાનજીને સ્વામીને પ્રણામ કરતા દર્શાવ્યા
વર્ષ 2023માં સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા હતા, જેમાં સ્વામિનારાયણ ભગવાનને ઊભા રાખ્યા હતા અને હનુમાનજી તેને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ મૂક્યા હતા. આ શિલ્પમાં સ્વામિનારાયણ ભગવાનને હનુમાનજી પ્રણામ કરતા હોય એવું ચિત્ર બતાવાતાં હિન્દુ સંગઠનો આક્રમક બન્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી હતી. આ વિવાદ થયા બાદ સનાતની સાધુ-સંતો ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ત્યાર બાદ આ શિલ્પો હટાવી લેવામાં આવ્યા હતા.