અમદાવાદમાં એક યુવકને ટ્રાફિક નિયમ ભંગ બદલ ₹10 લાખનો દંડ ફટકારાયો હોવાના ખોટા સમાચાર વાયરલ થયા છે. હકીકતમાં, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા તેને માત્ર ₹500ના જ મેમો ફટકારાયો હતો. ખોટા સમાચાર વાયરલ થતા ટ્રાફિક પોલીસએ જાહેર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ ઘટના વર્ચ્યુઅલ કોર્ટ સિસ્ટમના ઓટો જનરેટેડ એરરને કારણે થઈ છે. ફેક્ટ ચેકમાં સામે શું આવ્યું?
ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાફિક નિયમ ભંગ બદલ ₹500નો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ યુવકે 90 દિવસ સુધી દંડ ન ભરતા આ મેમો વન નેશન વન ચલણ પોર્ટલ અંતર્ગત વર્ચ્યુઅલ કોર્ટમાં તબદીલ થયો હતો. કોર્ટ સિસ્ટમમાં તકેદારીના અભાવે તકનીકી ખોટના કારણે ₹10 લાખનો દંડ દર્શાયો હતો, જે ખોટી માહિતી તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસે દંડની PDF ફાઇલ પણ જાહેર કરી છે, જેમાં સ્પષ્ટ છે કે દંડ માત્ર ₹500નો જ છે. ખોટા અને ભ્રામક સમાચાર ફેલાવનાર સામે કાયદેસર કાર્યવાહી થશે
આમ, ટ્રાફિક પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર ફરતી અફવા પર વિશ્વાસ ન કરો. જો કોઈને મેમો અંગે શંકા હોય તો તે મેટ્રોપોલિટન કોર્ટ અથવા ટ્રાફિક કચેરીનો સંપર્ક કરી માહિતી મેળવી શકે છે. પોલીસે તાકીદ કરી છે કે, ખોટા અને ભ્રામક સમાચાર ફેલાવનાર સામે કાયદેસર કાર્યવાહી થશે. નાગરિકોએ સાચા અને પ્રામાણિક સૂત્રોમાંથી માહિતી મેળવવી જોઈએ. પોલીસે જનતાને અપીલ કરી છે કે, ટ્રાફિક નિયમોનું પાલન કરો અને દંડ ભરવામાં ટાળો નહીં. દંડ ભરવામાં વિલંબ કરશો તો મામલો વર્ચ્યુઅલ કોર્ટમાં જશે અને દંડની રકમ વધુ થઈ શકે છે.