back to top
Homeગુજરાત4 વર્ષમાં 14 કરોડ લોકોને મફત અનાજનો લાભ:મોદી સરકારના PM-GKAYથી એક વર્ષમાં...

4 વર્ષમાં 14 કરોડ લોકોને મફત અનાજનો લાભ:મોદી સરકારના PM-GKAYથી એક વર્ષમાં 3.68 કરોડ લોકોને ફાયદો, રાજ્યને ₹694 કરોડની એડિશનલ સહાય

કેન્દ્ર સરકારની મહત્વની એવી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં લગભગ 14 કરોડ લોકોને લાભ મળ્યો છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત રાજ્યને રૂ. 1329 કરોડની ખાદ્ય સબસિડીની ચૂકવણી કરી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ 25 માર્ચ 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ઉપરોક્ત માહિતી આપી હતી. સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા 694 કરોડની સહાય
મંત્રીએ માહિતી આપી હતી કે, ગુજરાતમાં નાણાકીય વર્ષ 2021-22માં PM-GKAY હેઠળ 3.45 કરોડ લોકોને લાભ મળ્યો હતો, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં લાભાર્થીઓની સંખ્યા 3.44 કરોડ, નાણાકીય વર્ષ 2023-24માં 3.52 કરોડ અને નાણાકીય વર્ષ 2024-25માં આ સંખ્યા 3.68 (28 ફેબ્રુઆરી 2025 સુધીમાં) રહી હતી. ઉપરાંત ભારત સરકારે નાણાકીય વર્ષ 2021-22થી છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન PM-GKAY હેઠળ રાજ્યમાં અનાજ પહોંચાડવાના તથા હેન્ડલિંગ ખર્ચ અને વાજબી ભાવની દુકાનના સંચાલકોના માર્જિનના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય એજન્સીઓને સહાય તરીકે ગુજરાતને રૂ. 694 કરોડ પણ આપ્યા છે. મંત્રીના નિવેદન મુજબ, ભારત સરકારે છેલ્લા ચાર વર્ષમાં PM-GKAY માટે કુલ રૂ. 9,69,614.09 કરોડનું ભંડોળ ફાળવ્યું છે અને ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઇ)ને રૂ. 67,53,77.7 અને ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (ડીસીપી)માં ભાગ લેનારા રાજ્યોને રૂ. 2,94,236.39 ફાળવ્યા છે. 81.35 કરોડ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય
નથવાણી દેશમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના યોજના હેઠળ લાભ મેળવનારા લોકોની સંખ્યા અને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અને અંત્યોદય અન્ન યોજના (AAY) માટે ફાળવવામાં આવેલા ભંડોળની વિગતો જાણવા માંગતા હતા. મંત્રીના નિવેદન મુજબ PM-GKAY હેઠળ ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% સુધી, વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 81.35 કરોડ લોકોને મફત અનાજ મેળવવા માટે આવરી લેવાનું લક્ષ્ય છે. નિવેદન મુજબ હાલમાં લગભગ 80.56 કરોડ લાભાર્થીઓ આ કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ખાદ્ય સબસિડી માટે રાજ્ય મુજબ ભંડોળ ફાળવવામાં આવતું નથી
મંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા NFSA હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મફતમાં ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના માટે FCIને ખાદ્ય સબસિડી આપવામાં આવે છે. ફક્ત ડિસેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ (DCP)માં ભાગ લેતા રાજ્યોના કિસ્સામાં રાજ્ય સરકાર ખાદ્યાન્નની ખરીદી અને પાત્રતા ધરાવતાં પરિવારોને તેનું વિતરણ કરવાની જવાબદારી લે છે, તો તે અંતર્ગત ખાદ્ય સબસિડી સીધી રાજ્ય સરકારોને આપવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે, નાણા મંત્રાલય સમગ્ર યોજના મુજબ ભંડોળ ફાળવે છે. ખાદ્ય સબસિડી માટે રાજ્ય મુજબ ભંડોળ ફાળવવામાં આવતું નથી. કેન્દ્ર સરકાર “NFSA હેઠળ ખાદ્યાન્નને રાજ્યની અંદર વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવાના ખર્ચ અને FPS ડીલરોના માર્જિન માટે રાજ્યની એજન્સીઓને સહાય” યોજના હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય સહાય પણ પૂરી પાડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments