અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ વધુ તપાસ માટે 5 દિવસના રિમાન્ડ માગણી કરી હતી. જેમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ.વી.ચૌહાણે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાદમાં આરોપીએ જામીન અરજી મૂકતા તેને જામીન આપવામાં આવ્યા છે. B.A.P.S. નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક વાતો ફેલાવે છે
અમદાવાદમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત વિપુલભાઈ પટેલે ગત 10 માર્ચના રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે. ગત 7 માર્ચના રોજ ફરિયાદીને કેટલાંક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મહંત સ્વામી, અન્ય સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયની શાખને ઠેંસ પહોંચે એવા લખાણ અને ઉશ્કેરણીજનક ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. વિપુલ પટેલે ફરિયાદમાં એવી પણ રજૂઆત કરી હતી કે, તેમના ગુરૂની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે રીતે કેટલાંક લોકો B.A.P.S. નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને ઉશ્કેરણીજનક વાતો ફેલાવી સ્વામિનારાયણ સંપ્રદાયની લાગણી દુભાવે છે. જુદા-જુદા નામે બનાવેલા એકાઉન્ટ ફોનમાંથી મળી આવ્યા હતા
પોલીસ ફરિયાદ થતાં સાયબર ક્રાઈમની ટીમ તપાસ દરમિયાન અમદાવાદના વટવા રોડ પર રહેતા અવિનાશ વ્યાસ સુધી પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો. અવિનાશ વ્યાસ પાસેથી કુલ ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન તેના મોબાઈલ ફોનમાંથી એક્સ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા એક ડઝનથી પણ વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા. માથાભારે ગુજ્જુ ભાઈ, પ્રેમવતીનો લવર, પબ્લિક વૉઈસ ન્યૂઝ, વ્યાસજી, રૂચી ગુપ્તા તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા-જુદા નામે બનાવેલા એકાઉન્ટ ફોનમાંથી મળી આવ્યા હતા. જેમાં અભદ્ર લખાણ પણ હતું.