અલાહાબાદ હાઈકોર્ટ સાથે જોડાયેલા બે વિવાદની વાત… બધા જાણે જ છે કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના બંગલાના કમ્પાઉન્ડમાં આવેલા સ્ટોરરૂમમાંથી 500-500 રૂપિયાની અર્ધ સળગી ગયેલી નોટો મળી આવી. એવું કહેવાય છે કે આ રકમ અંદાજે 15 કરોડ રૂપિયા જેટલી હતી. આ ઘટનાથી જસ્ટીસ વર્મા સામે આંગળી ઉઠી રહી છે અને ન્યાયતંત્ર પર સવાલો ઊભા થવા લાગ્યા છે. જસ્ટીસ વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી પણ તેનો વકીલોએ વિરોધ કર્યો. બીજો વિવાદ એક ચૂકાદાને લઈને છે. અલાહાબાદ હાઈકોર્ટે હમણાં એવો ચૂકાદો આપ્યો હતો કે, સગીર વયની છોકરી સાથે ગુપ્ત જગ્યાએ અડપલાં કરવા અને પાયજામાની નાડુ છોડવી એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ નથી. અલાહાબાદ હાઈકોર્ટના આ ચૂકાદાથી દેશભરમાં વિરોધ વંટોળ ઊભો થયો. વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલાહાબાદ હાઈકોર્ટે કરેલી ટિપ્ણી અસંવેદનશીલ અને અમાનવીય છે. નમસ્કાર, દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના સરકારી બંગલામાં લાગેલી આગથી વિવાદનો ધૂમાડો ઉઠ્યો છે. આવી તપાસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ કરાવી રહ્યા છે. ત્રણ જજની પેનલે 45 મિનિટ સુધી જસ્ટીસ વર્માના બંગલાની તપાસ કરી લીધી છે. હવે આ પેનલના રિપોર્ટ પર બધાની નજર છે. પહેલા જાણો આખી ઘટના શું છે…
14 માર્ચે હોળીની રાત્રે લગભગ 11:30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટીસ યશવંત વર્માના 30-તુગલખ રોડ પર આવેલા સરકારી બંગલાના કમ્પાઉન્ડના આઉટ હાઉસ (સ્ટોરરૂમ)માં આગ લાગી. જે સમયે આગ લાગી ત્યારે જસ્ટીસ વર્મા ભોપાલ હતા. તેના ઘરે 82 વર્ષનાં માતા અને દીકરી જ હતાં. પરિવારજનોએ ફાયર બ્રિગેડ અને પોલીસને બોલાવ્યા. જ્યારે ફાયર ફાયટરની ટીમ આગ બુઝાવવા પહોંચી તો તેના ધ્યાનમાં આવ્યું કે અહીં તો મોટા પ્રમાણમાં કેશ રકમ પડી છે. આ સમાચાર મળતાં જ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ એક્ટિવ થયું. 20 માર્ચે કોલેજિયમની મિટિંગ મળી જેમાં જસ્ટીસ યશવંત વર્માને તેના મૂળ સ્થાન અલાહાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું. હવે અલાહાબાદ હાઈકોર્ટના વકીલોએ પણ વિરોધ કર્યો કે, અહીંયા જસ્ટીસ યશવંત વર્માને મોકલતા નહીં. તેની સામે કાર્યવાહી કરો.
બીજી તરફ કોલેજિયમનું પણ માનવું છે કે આવી ગંભીર ઘટના મામલે માત્ર બદલી કરીને સંતોષ માની લેવો એ બરાબર નથી. સુપ્રીમ કોર્ટે જસ્ટીસ વર્મા પાસેથી રાજીનામું લઈ લેવું જોઈએ અથવા ઈન-હાઉસ તપાસ શરૂ કરવી જોઈએ. શું છે ઈન-હાઉસ તપાસ?
કોઈ પણ જસ્ટીસ સામે ભ્રષ્ટાચાર કે અનિયમિતતાના આરોપ લાગે છે તો તેની સામે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે 1999માં ઈન-હાઉસ તપાસની પ્રક્રિયા શરૂ કરી. આ હેઠળ સૌથી પહેલાં CJI જજ પાસે જવાબ માગે છે. CJIને એવું લાગે કે જજનો જવાબ સંતોષકારક નથી તો તે ઈન-હાઉસ તપાસ શરૂ કરાવે છે અને જજોની પેનલ બનાવીને તેમને તપાસ સોંપે છે. જો તપાસમાં જજ દોષિત જણાય તો CJI તેમને રાજીનામું આપવા કહી શકે છે. જો જજ રાજીનામું આપવાની ના પાડે તો CJI કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરે છે કે તેમની સામે મહાભિયોગ ચલાવો. આ પેનલમાં એક સુપ્રીમ કોર્ટના જજ અને બે હાઈકોર્ટના જજ સામેલ હોય છે. મહાભિયોગ એટલે સદનમાં સાંસદો જજને કાઢી મૂકવાનો પ્રસ્તાવ પાસ કરે છે અને આ પ્રસ્તાવ અંતિમ મહોર માટે રાષ્ટ્રપતિ પાસે જાય છે. ઘટના પછી કોણે શું કહ્યું?
આ મામલે એડવોકેટ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, મને ઊંડાણપૂર્વક બીજી કોઈ જાણ નથી પણ એટલું ચોક્કસ કે ન્યાયપાલિકાની અંદર ભ્રષ્ટાચારનો મુદ્દો ગંભીર મુદ્દો છે. એટલે મને એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટે હવે આના પર વિચારવું જોઈએ. હવે જજોની નિયુક્તિની પ્રક્રિયા વધારે ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ વિકાસ સિંહે કહ્યું કે, આમ તો આ મુદ્દો એક અઠવાડિયાં જૂનો થઈ ગયો છે છતાં હું એટલું કહીશ કે હવે જજ તરફથી કોઈ સ્પષ્ટતા આવવાની સંભાવના નથી. અને જો સ્પષ્ટતા નથી આવતી તો આ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. મારા ખ્યાલથી બદલી કરી નાખવી એ આવું સમાધાન નથી. પહેલાં તેમની સામે ઈન-હાઉસ ઈન્કવાયરી થવી જોઈએ. તેમને રાજીનામું આપવાનું કહેવું જોઈએ. જો તે રાજીનામું નથી આપતા તો મહાભિયોગની પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધી તેમને કોર્ટમાં આવવાની મનાઈ કરી દેવી જોઈએ. આ બહુ ગંભીર બાબત છે અને ન્યાયિક વિશ્વસનીયતાના પાયાને હલાવી નાખ્યા છે.
આ મુદ્દો રાજ્યસભામાં પણ ગાજ્યો. સાંસદ જયરામ રમેશે કહ્યું કે, આ ગંભીર બાબત છે. આ પહેલાં 50 સાંસદોએ અલાહાબાદ હાઈકોર્ટના જજ સામે મહાભિયોગની નોટિસ આપી હતી પણ એમાં હજી કાંઈ થયું નથી. જ્યુડિશિયલ એકાઉન્ટિબિલીટી પર ચર્ચા થવી જોઈએ. અલાહાબાદ હાઈકોર્ટ બાર એસોસિએશના અધ્યક્ષ અનિલ તિવારીએ કહ્યું કે, એક જજના ઘરેથી 15 કરોડ રૂપિયા મળે છે. તો તેને હોમટાઉનમાં બદલી કરીને ઈનામ આપવામાં આવે છે. શું અલાહાબાદ હાઈકોર્ટ ડસ્ટબીન છે? જસ્ટીસ વર્મા અહીંયા જોઈન કરશે તો અમે બધા પેનડાઉન કરી દેશું. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, જજ સાહેબ સામે ભ્રષ્ટાચારનો સવાલ જ ન પેદા થાય. બની શકે કે તેમણે કોઈ પાસેથી ઉધાર રૂપિયા લીધા હોય. તમે વીડિયો ધ્યાનથી જુઓ… એક ભગવા રંગનું કપડું દેખાઈ રહ્યું છે. ક્યારેક ક્યારેક આવી રીતે આગ લાગી જતી હોય છે. આ તો નાની રકમ પકડાઈ છે. આપણે તો અગાઉ આનાથી પણ મોટી મોટી રકમો પકડાતાં જોઈ છે. આજ સુધી તેનો અતોપતો નથી કે એ પૈસા કોના હતા? કોણ છે જસ્ટીસ યશવંત વર્મા? સુપ્રીમ કોર્ટે જ અર્ધ સળગેલી નોટનો વીડિયો જાહેર કરી દીધો
જસ્ટીસ યશવંત વર્માના બંગલાના સ્ટોર રૂમમાં જ્યારે ફાયર બ્રિગેડના જવાનો આગ ઠારવા ગયા તો 500-500 રૂપિયા ભરેલા કોથળા હતા. તેમાંથી કેટલીક નોટ અર્ધ બળેલી હતી. તેનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો અને આ વીડિયો દિલ્હી પોલીસ કમિશનર પાસે ગયો. તેમણે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને મોકલ્યો. ચીફ જસ્ટીસ ઉપાધ્યાયે આ વીડિયો CJIને પણ મોકલ્યો. સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કર્યો. વીડિયો જાહેર થયા પછી સૌથી વધારે ચર્ચા એ થઈ કે, કોઈ એક જજના બંગલાના સ્ટોર રૂમમાં આગ લાગે છે. ત્યાંથી 15 કરોડ રૂપિયા અર્ધ બળેલી હાલતમાં મળી આવ્યા. આનો વીડિયો સુપ્રીમ કોર્ટ પોતે કેમ જાહેર કર્યો? દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ઉપાધ્યાયના રિપોર્ટમાં શું છે?
CJI સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ડી.કે. ઉપાધ્યાયને એક પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું. ડી.કે. ઉપાધ્યાયે રિપોર્ટ તૈયાર કરીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને મોકલી આપ્યો છે. રિપોર્ટમાં લખ્યું છે કે-
આ આગની જાણકારી PCR કોલ જસ્ટીસના અંગત સચિવ તરફથી મળી હતી. અંગત સચિવને બંગલામાં કામ કરનારા માણસોએ જાણ કરી હતી. 17 માર્ચે જસ્ટીસ વર્માનો સંપર્ક કર્યો. તે સવારે 8 વાગ્યે દિલ્હી હાઈકોર્ટના ગેસ્ટ હાઉસમાં મને મળવા આવ્યા હતા. જસ્ટીસ વર્માએ કહ્યું કે, જે સ્ટોર રૂમમાં આગ લાગી હતી ત્યાં કેટલુંક તૂટેલું ફર્નિચર, ગાદલાં અને બીજી નકામી ચીજો હતી. ઘટના વખતે હું ભોપાલ હતો. આ દરમિયાન જસ્ટીસ વર્માએ ચીફ જસ્ટીસ ડી.કે. ઉપાધ્યાયને કહ્યું કે, એ સ્ટોરરૂમમાં ઘરમાં કામ કરનારા લોકો, માળી અને ક્યારેક ક્યારેક CPWDના કર્મચારીઓ આવ-જા કરતા હોય છે. એ પછી દિલ્હી પોલીસ કમિશનરે મને (જસ્ટીસ ઉપાધ્યાયને) કેટલીક તસવીરો વોટ્સએપમાં મોકલી હતી તે મેં જસ્ટીસ વર્માને બતાવી. આ ફોટા જોઈને જસ્ટીસ વર્માએ કહ્યું કે, આ મને ફસાવવાનું ષડયંત્ર છે. ડી.કે. ઉપાધ્યાયે CJIને જે રિપોર્ટ મોકલ્યો છે તેમાં કહેવાયું છે કે, બંગલાના કમ્પાઉન્ડમાં સ્ટોરરૂમમાં તેના જ માણસો સિવાય બહારનું કોઈ આવ-જા કરી શકે તેમ નથી. માટે આ બનાવમાં ઊંડી તપાસ થાય તે જરૂરી છે. CJIના આદેશ પછી જસ્ટીસ વર્મા, તેના પરિવાર અને તેના સ્ટાફને તાકીદ કરવામાં આવી છે કે તે તેમના મોબાઈલમાંથી કોઈપણ કોલ ડિટેઈલ, ફોટા, રેકોર્ડ ડિલિટ ન કરે. જસ્ટીસ યશવંત વર્માએ શું સ્પષ્ટતા કરી?
જ્યારે સુપ્રીમ કોર્ટે ખુલાસો પૂછ્યો ત્યારે જસ્ટીસ યશવંત વર્માએ પાંચ મુદ્દામાં ખુલાસો આપ્યો છે. ત્રણ જજની પેનલ તપાસમાં લાગી ગઈ
CJI સંજીવ ખન્નાએ આ પ્રકરણની તપાસ માટે ત્રણ જજની કમિટિ બનાવી છે. કમિટિમાં હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગુરમિતસિંઘ સંધાવાલિયા, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શિલ નાગૂ અને કર્ણાટક હાઈકોર્ટના મહિલા જજ જસ્ટીસ અનુશિવરામન સામેલ છે. 25 માર્ચે સવારે આ ત્રણેય જજોની ટીમ જસ્ટીસ વર્માના બંગલે પહોંચી હતી અને ત્યાં બંગલાનું નીરિક્ષણ કર્યું હતું. જ્યાં આગ લાગી હતી તે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં કામ કરનારા લોકોની પૂછપરછ કરી હતી. હવે આ ત્રણેય જજની પેનલ રિપોર્ટ તૈયાર કરીને CJIને આપશે. અલાહાબાદ હાઈકોર્ટનો બીજો વિવાદ પણ જાણી લો… દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના ઘરે બહાર કમ્પાઉન્ડમાં આવેલા સ્ટોરરૂમમાં 15 કરોડ રૂપિયા હતા ત્યાં આગ લાગી. કેટલીક અર્ધબળેલી નોટ મળી આવી. આ વિવાદ પછી સુપ્રીમ કોર્ટે જસ્ટીસ યશવંત વર્માની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી નાખી. અલાહાબાદ હાઈકોર્ટના વકીલોએ આ બદલીનો વિરોધ કર્યો છે. એ રીતે તો અલાહાબાદ હાઈકોર્ટ ચર્ચામાં છે જ પણ હમણાં હમણાં બીજી રીતે પણ આ હાઈકોર્ટ ચર્ચામાં છે. આ ચર્ચા શું છે, કેસ શું છે તે જાણીએ…. એ કેસ શું હતો?
વાત ત્રણ વર્ષ પહેલાંની છે. યુપીના કાસગંજની એક મહિલાએ 12 જાન્યુઆરી, 2022 ના રોજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે 10 નવેમ્બર, 2021ના રોજ તે તેની 14 વર્ષની પુત્રી સાથે કાસગંજના પટિયાલીમાં તેની ભાભીના ઘરે ગઈ હતી. તે જ દિવસે સાંજે તે પોતાના ઘરે પાછી ફરી રહી હતી. રસ્તામાં અમને ગામના રહેવાસી પવન, આકાશ અને અશોક મળ્યા. પવને તેની પુત્રીને તેની બાઇક પર ઘરે મૂકવા કહ્યું. તેના પર વિશ્વાસ કરીને, માતાએ તેને બાઇક પર બેસાડી પણ રસ્તામાં પવન અને આકાશે છોકરીના ગુપ્ત ભાગે અડપલાં કર્યાં. આકાશને આકાશે પાયજામાની નાડી છોડવાનો પ્રયાસ કર્યો. છોકરીની ચીસો સાંભળીને, ટ્રેક્ટર પર પસાર થઈ રહેલા સતીષ અને ભૂરે ઊભા રહી ગયા. તેમણે પડકાર ફેંક્યો ને આરોપીઓ ભાગી ગયા. માતા FIR નોંધાવવા ગઈ પણ પોલીસે કાર્યવાહી ન કરી
જ્યારે પીડિત છોકરીની માતા ફરિયાદ કરવા માટે આરોપી પવનના ઘરે પહોંચી ત્યારે પવનના પિતા અશોકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજા દિવસે મહિલા FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગઈ. જ્યારે પોલીસે કોઈ કાર્યવાહી ન કરી, ત્યારે તેણે કોર્ટનો સંપર્ક કર્યો. 21 માર્ચ, 2022ના દિવસે કોર્ટે અરજીને ફરિયાદ તરીકે ગણી અને આ મામલાની કાર્યવાહી આગળ ધપાવી. કોર્ટના આદેશ પછી ફરિયાદ દાખલ થઈ. અલાહાબાદ હાઈકોર્ટે શું કહ્યું હતું?
‘છોકરીના ગુપ્તાંગ સાથે અડપલાં કરવા, તેના પાયજામાની દોરી છોડી નાખવી અને તેને બળજબરીથી નાળું નીચે ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરવો એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ નથી.’ આ ચુકાદો આપતી વખતે અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાએ બે આરોપીઓ પર લાદવામાં આવેલી કલમોમાં ફેરફાર કર્યો. 3 આરોપીઓ સામે દાખલ કરાયેલી ફોજદારી સુધારણા અરજી સ્વીકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઈ અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો
સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના આ નિર્ણય પર સ્ટે આપ્યો છે. બુધવારે (26 માર્ચે) જસ્ટિસ બીઆર ગવઈ અને એજી મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે કહ્યું, “હાઇકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય વલણ દર્શાવે છે.” સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષોને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર મામલો છે અને આ ચુકાદો આપનાર ન્યાયાધીશે ખૂબ જ અસંવેદનશીલતા દાખવી છે. અમને ખૂબ જ દુઃખ થાય છે કે નિર્ણય લખનાર વ્યક્તિમાં સંવેદનશીલતાનો સંપૂર્ણ અભાવ છે. છેલ્લે,
સમાચાર એજન્સી ANIએ જસ્ટીસ વર્માના બંગલા આસપાસ સફાઈ કરતા કર્મચારીઓને પૂછ્યું તો જાણવા મળ્યું કે, 14 માર્ચે આગ લાગી તેના 4-5 દિવસ પહેલાં પણ શેરીમાંથી 500-500 રૂપિયાની નોટના ફાટેલા ટુકડા મળ્યા હતા. આ નવી વાતથી રહસ્ય વધારે ઘેરાયું છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ – યશપાલ બક્ષી)