આણંદ એસ.ઓ.જી પોલીસે બેડવા ગામ નજીક આવેલી નવી આરટીઓ કચેરી બહારથી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ પકડ્યું છે. પોલીસે સામરખા ગામના રિઝવાન મુસ્તુફાભાઈ વ્હોરા અને તેના પુત્ર રાહીલની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રાઇવિંગ લાઇસન્સ રીન્યુ કરવા માટે બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવતા હતા. તેઓ મેડિકલ ઓફિસરના બનાવટી સહી-સિક્કા કરીને આ સર્ટિફિકેટ જરૂરિયાતમંદ લોકોને વેચતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ અલગ-અલગ તબીબોના બનાવટી સિક્કા અને 24 બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. આ ઉપરાંત એક્સપ્રેસ મોટર ટ્રેનિંગ સ્કૂલનો રબર સ્ટેમ્પ, લેપટોપ, પ્રિન્ટર, ઇન્વર્ટર, બે મોબાઇલ અને ઓમની કાર મળી કુલ 85 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આણંદ હેડક્વાર્ટરના ડી.વાય.એસ.પી રિદ્ધિ ગુપ્તાના જણાવ્યા મુજબ, આ કૌભાંડમાં RTO એજન્ટ કે કચેરીના અધિકારીઓની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.