40 હજારની લાંચ લેતાં ઝડપાયેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પી.એફ ઈન્સ્પેક્ટરની ઘેર સર્ચ દરમ્યાન બે લાખ રોકડા મળી આવ્યા હતા.બીજી તરફ રિમાન્ડ પુરા થતા આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.જ્યાં જેલના હવાલે કરવાનો હુકમ કરાયો હતો. ગઈકાલે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એસીબી એ આજે આરોપોને સાથે રાખી અકોટા વિસ્તારની આશીર્વાદ સોસાયટીના નિવાસ સ્થાને સર્ચ કર્યું હતું.જેમાં બે લાખ રોકડા મળી આવ્યા હતા. અકોટા ભવિષ્ય નિધિ ભવન, રિજિયોનલ ઓફિસ ખાતે ફરજ બજાવતા ભવિષ્ય નિધિ સંગઠનના એન્ફોર્સમેન્ટ ઓફિસર (પી.એફ. ઇન્સ્પેક્ટર) બિનોદકુમાર હરિકાંત શર્માએ ફરિયાદીને ધમકાવ્યો હતો.અને સ્પોટ મેમોનો ઈ- મેઇલથી મોકલી ડોક્યુમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતું. ત્યારે બિનોદકુમારે ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાની તારીખ જતી રહી છે. જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે અને જો આ કાર્યવાહીથી બચવું હોય તો રૂ.50 હજારની લાંચ આપવી પડશે. રકઝકના અંતે રૂ.40 હજાર આપવાના નક્કી કરાયા હતા. તે પછી ફરિયાદીએ ફરિયાદ કરતાં એસીબીએ સોમવારે ભવિષ્ય નિધિ ભવનમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું.ત્યારે એસીબીએ બિનોદકુમારની રંગે હાથ ધરપકડ કરી હતી.બીજી તરફ તેના અકોટા વિસ્તારમાં જ આવેલી આશીર્વાદ સોસાયટીના નિવાસ્થાન ને પણ સીલ કરી અધિકારીને સાથે રાખી ઘરનું સર્ચ કરાતાં લાખની રોકડ રકમ મળી આવતા એ રકમ જપ્ત કરાઈ છે.આરોપીને સાથે રાખી આજે એસીબીએ નિવાસસ્થાનનું સર્ચ કરતાં ઘરના બેડરૂમમ મૂકેલા કબાટમાંથી બે લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ અંગે પૂછપરછ કરતા બિનોદ કુમાર શર્મા ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને આ રૂપિયા પરિવારના સભ્યોની બચતના હોવાનો બચાવ કર્યો હતો.જોકે લાંચ રુશ્વત વિરોધી શાખાએ આ રકમ જપ્ત કરી સીલ કરી છે.લાંચ લેતા ઝડપાયેલા બિનોદકુમાર શર્માને બેંક એકાઉન્ટ અને લોકર અંગે પૂછપરછ કરી હતી.જેના જવાબમાં લોકર નહીં હોવાનું જણાવ્યું હતું.અને બેંક ખાતું વતનમાં હોવાનું અને ઓનલાઇન સંચાલન કરતો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે લાંચ રુશ્વત વિરોધી શાખાએ આરોપી બિનોદ કુમારના નામે કઈ બેંકમાં કેટલા ખાતા છે.અને એ ખાતામાં કેટલી રકમના આર્થિક વ્યવહારો થયા છે.એની પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે. અન્ય અધિકારીઓની સંડોવણીની તપાસ થશે
આ લાંચ પ્રકરણમાં અન્ય અધિકારી સંડોવાયેલા છે કે નહીં,અન્ય કંપનીને આવા મેમાં આપ્યા છે કે નહીં,ઘરમાં બે લાખ રોક્કડ રકમ ક્યાંથી આવી એવા મુદ્દાઓ ઉપર એ.સી. બી તપાસ હાથ ધરશે.