સ્ટેટ મોનિટરિંગ સેલે કોસંબામાં મોટી કામગીરી કરી છે. સેલની ટીમને બાતમી મળી હતી કે એક અશોક લેલેન્ડ ટ્રક RJ-27-GD-5205માં વિદેશી દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે-48 પરથી પસાર થવાનો છે. બાતમીના આધારે ટીમે કોસંબા નજીક દેવનારાયણ હોટલ પાસે વોચ ગોઠવી હતી. ટ્રક આવતા તેને રોકી તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 23,297 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ. 75.33 લાખ, 30 લાખની ટ્રક, 1.74 લાખની ગોળ દાણાની સળીઓ ભરેલા 435 પ્લાસ્ટિકના મીણીયા, 20,750 રૂપિયા રોકડા અને 6 હજારના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ચાલક ગણેશ ભેરૂલાલ વ્યાસ (રહે. બેડવાસ, ઉદેપુર) અને ક્લીનર લાલસિંહ કિશનસિંહ દેવડા (રહે. સાકરોદા, ઉદેપુર)ની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી રાકેશસિંહ, ડ્રાઈવર પ્રિતમસિંગ, દારૂ મંગાવનાર શાહીરખાન અને ટ્રક માલિક એમ ચાર વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.