back to top
Homeગુજરાતખંભાળિયામાં પકડાયેલા નકલી એડિશનલ કલેક્ટર સામે 8 FIR:જીલ પંચમતીયાએ સરકારી નોકરી આપવાનું...

ખંભાળિયામાં પકડાયેલા નકલી એડિશનલ કલેક્ટર સામે 8 FIR:જીલ પંચમતીયાએ સરકારી નોકરી આપવાનું કહી અડધા કરોડની છેતરપિંડી આચરી, અધિકારીઓ-નેતાઓ સાથે ફોટા પડાવતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પકડાયેલા નકલી એડિશનલ કલેક્ટર જીલ ભરતભાઈ પંચમતીયાની ધરપકડ બાદ 3 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારી સિલસિલાબંધ વિગતો પ્રકાશમાં આવી છે. આરોપી વિવિધ સરકારી હોદાઓ ધરાવતો હોવાના બોગસ નંબર પ્લેટ, ઓળખ કાર્ડ, લેટરપેડ સાથેનું સાહિત્ય પોલીસે કબજે કર્યું છે. આ ઉપરાંત ચીટર શખ્સ દ્વારા રાજકોટ ખાતે રહેતા એક વિપ્ર પરિવારને વિશ્વાસમાં લઈ, આશરે રૂપિયા અડધા કરોડ જેટલી રકમનું બુચ માર્યું હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. રિમાન્ડના આ ત્રણ દિવસમાં પોલીસે કરેલી સઘન પૂછપરછમાં આરોપીની કબૂલાતના આધારે તેના પણ વિવિધ 8 ગુનાઓ સંબંધી FIR થઇ છે. આરોપી શખ્સની આ ક્રાઈમ કુંડળી સંદર્ભે પોલીસે તેની સામે નકલી દસ્તાવેજના બે કેસ, નકલી આઈ-કાર્ડના બે કેસ, બે સરકારી અલગ અલગ હોદ્દા અને અલગ અલગ વાહનના બે કેસ, હથિયાર ધારાનો એક કેસ તેમજ છેતરપિંડીનો એક કેસ દાખલ કર્યો છે. પુત્રને MBBSમાં એડમિશન અપાવવા અને પુત્રીને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવા રાજકોટના આધેડ પાસે 48 લાખ પડાવ્યાં
આરોપી જીલે પોતે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના એડિશનલ ડીન છે તેવી ઓળખ આપી મૂળ જૂનાગઢ તાલુકાના બિલખાના વતની અને હાલ શારદાનગર સોસાયટી, યુનિવર્સિટી રોડ રાજકોટના રહીશ કેતનભાઈ રમેશભાઈ દેસાઈ (55)ને તેમના પુત્રને MBBSમાં એડમિશન અપાવવા તેમની પાસે પહેલા 55,000 અને બાદમાં 9,50,000 અને તેમની પુત્રીને મામલતદાર કચેરીમાં નોકરી અપાવવાના નામે પહેલા 6,00,000 અને બાદમાં મળીને કુલ 48,22,680ની રકમ પડાવી છે. જિમ ટ્રેનરને PIની નોકરી અને તેના ભાઈને એડિશનલ કલેકટરના પીએની નોકરી અપાવવાનું કહી 32,200 પડાવ્યા
આરોપી જીલે પોતે એડિશનલ કલેક્ટર અને એસડીએમની ઓળખ આપીને ખંભાળિયામાં રહેતા એક જીમના ટ્રેનર તેજસ અશ્વિનભાઈ રામાવતને પોલીસમાં ભરતીમાં પી.આઈ.ની નિમણૂક કરાવી આપવાનું કહી તેમજ તેના ભાઈને એડિશનલ કલેકટરના પીએ તરીકેની નિમણૂક અપાવી દેવા અંગે વિશ્વાસમાં લઈ, રૂપિયા 32,200ની રકમ મેળવી લીધી હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે. જીલના ઘરમાંથી કેન્દ્ર સરકારમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો ધરાવતા નકલી આઈ-કાર્ડ મળી આવ્યાં
રિમાન્ડ દરમિયાન તેના ઘરમાં રાખવામાં આવેલા બે આઈ-કાર્ડ મળી આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં તેનો સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો હોદ્દો આ આઈ-કાર્ડમાં દર્શાવ્યો હતો. અન્ય એક આઈ-કાર્ડમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તથા મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર સાથે ઈ-મેલ આઈડી સાથેના કાર્ડમાં તેનું નામ અને હોદો દર્શાવ્યો હતો. જોકે આ બંને આઈ-કાર્ડ બનાવટી હોવાનું જાહેર થયું છે. જીલના ઘરમાંથી કેન્દ્ર સરકારના બે ઓથોરિટી લેટર મળી આવ્યા
આ ઉપરાંત તપાસ દરમિયાન તેના ઘરેથી બે ઓથોરિટી લેટર મળી આવ્યા હતા. જેમાં પ્રથમમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇમર્જન્સી ડિવિઝન હેલ્થ એન્ડ મેડિસિન ડિપાર્ટમેન્ટનો હતો. જેમાં તેની કિયા કાર નંબર જી.જે. 37 એમ. 2816 નો ઉપયોગ તે ઉપરોક્ત લેટરના આધારે કટોકટીના સમયમાં કરી શકે તે મતલબનું લખાણ હતું. આ પત્રમાં અશોક સ્તંભવાળો સિક્કો પણ લગાવવામાં આવ્યું હતું. એમાં નીચે તેણે પોતે સહી કરી હતી. આ રીતના આરોપી જીલ તેની કિયા કાર ખોટી નેમ પ્લેટ અને ઉપર લાલ લાઈટ લગાવી, આ લેટરનો ઉપયોગ કરતો હતો. આરોપી જીલ પાસે સર્ટીફીકેટ ઓફ પ્રોટોકોલનો લેટર મળી આવ્યો
અન્ય એક ફરિયાદમાં આરોપી શખ્સની તપાસમાં અંગ્રેજીમાં લખેલો “સર્ટીફીકેટ ઓફ પ્રોટોકોલ” નો લેટર મળી આવ્યો હતો. જે ઓફિસ ટુ એડિશનલ ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ એન્ડ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર – રાજકોટનો હતો. જેનો ઉપયોગ તે તેની કિયા કારના સરકારી ઉપયોગ માટે કરતો હતો આ લેટર પણ તેણે બોગસ બનાવ્યો હતો. એક ફરિયાદમાં જણાવાયું છે કે ગત તારીખ 22 માર્ચના રોજ આરોપી જીલ પંચમતીયા રાજકોટ ખાતે રહેતા કેતનભાઈ રમેશચંદ્ર દેસાઈના ઘરે ગયો હતો. ત્યાં તેની કારમાં “કમિશનર (રેવન્યુ સર્વિસ)” લખેલી ગાંધીનગરના સરકારી નંબરની પાસિંગની કારમાં તે આવ્યો હતો. અહીં આવીને તેણે તે નંબર પ્લેટ બદલાવીને GJ-37-M-2816 લગાવી દીધી હતી. ત્યાર બાદ અગાઉની બે નંબર પ્લેટ કારમાં મૂકીને તે કેબ બુક કરાવીને ખંભાળિયા નીકળી ગયો હતો. પોલીસ તપાસમાં ઉપરોક્ત ગાડીમાં પોલીસના વાહનમાં વાગે તેવું સાયરન પણ કાર્યરત હતું અને આ કારમાંથી અન્ય રજીસ્ટ્રેશન નંબર વાળી બે નંબર પ્લેટ, નેમ પ્લેટ તેમજ આવા બોગસ દસ્તાવેજો પોલીસને હાથ લાગ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ
રિમાન્ડ દરમિયાન પોલીસને તેના મકાનમાંથી મેગેઝીન સાથેની પિસ્તોલ અને સાત નંગ છરા મળી આવ્યા હતા. તેની કિંમત રૂ. 20,000 દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળેથી અધિક પોલીસ મહાન નિર્દેશકની કચેરી સીઆઈડી (ક્રાઈમ અને રેલ્વે) ગાંધીનગરનો વર્ષ 2020 નો પત્ર પણ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે જીલ પંચમતીયા સામે આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કર્યો છે. અધિકારીઓ, નેતાઓ સાથે ફોટા પડાવી પોતાનું સન્માન દર્શાવતો
આ સમગ્ર પ્રકરણમાં તબક્કાવાર મળેલી માહિતી આપતા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે આરોપી જીલએ સ્માર્ટનેસ વાપરીને અલગ અલગ જગ્યાએ પોતાની એડિશનલ કલેક્ટર, હોસ્પિટલના ડીન, એડિશનલ કલેક્ટર – રાજકોટ વિગેરેની ઓળખ આપી અને તે મીટીંગ કરતો હતો. આટલું જ નહીં, ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટા નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાતના નામે તે ફોટા પડાવી લેતો અને આ ફોટાની પ્રિન્ટ કરાવી તેનું કલેક્શન બનાવી, અને તેના ઘરે તેમજ ઓફિસે રાખી અને તેનો ઉપયોગ મીટીંગ તેમજ તેના થયેલા સન્માન માટે થયું હોવાનું જણાવવા માટે કરતો હતો. આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ અહીંના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બારડ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments