કેનેડામાં આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ગ્રેટર ટોરેન્ટો એરિયામાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારની પસંદગીમાં હિન્દુઓ સાથે અન્યાય થયાનો આરોપ લાગ્યો છે. મિલ્ટનના કન્ઝર્વેટિવ ઉમેદવાર પરમ ગિલ અને ઓક્સફર્ડના સાંસદ અર્પણ ખન્નાએ ઉમેદવારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે પોતાનો પ્રભાવ વાપરીને ભારતીય હિન્દુ ઉમેદવારોને સાઇડલાઇન કરીને પંજાબી ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું છે. આ બન્ને નેતાઓ ખાલિસ્તાની આતંકી પન્નુ સાથે કનેક્શન ધરાવે છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે 11 જેટલા હિન્દુ ઉમેદવારોને તક નથી આપવામાં આવી. હિન્દુ સમુદાયને પ્રતિનિધિત્વ ન મળે તે માટે દબાણ કર્યું
ટીકાકારોનો દાવો છે કે પરમ ગિલ અને અર્પણ ખન્નાએ હિન્દુ સમુદાયને પ્રતિનિધિત્વ ન મળે તે માટે ભારે દબાણ કર્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર આ બંને જેમને સપોર્ટ કરતાં હતા એ ઉમેદવારોની પસંદગી થાય એ માટે હિન્દુ ઉમેદવારોને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આક્ષેપ એવો પણ છે કે જેમની પસંદગી થઇ છે એ ઉમેદવારો ઇલેક્શન માટે ફંડ એકઠું કરવાની ક્ષમતા નથી ધરાવતા. જેના પગલે ગ્રેટર ટોરેન્ટો એરિયામાં તેમની જીતની સંભાવના પણ ઓછી છે. બન્ને નેતાઓનું ખાલિસ્તાની આતંકી પન્નુ સાથે કનેક્શન
આ સાથે જ એક PDF પણ વાઇરલ થઇ છે. જેમાં પરમ ગિલ અને ટીમ ઉપ્પલનો વર્ષ 2015ની આસપાસનો એક જૂનો ફોટો છે. એ સમયે બન્ને પાર્લમેન્ટના મેમ્બર હતા. ફોટોમાં આ બન્ને સાથે ગુરપતવંત સિંઘ પન્નુ દેખાઇ રહ્યો છે. આ ફોટોના લખાણ અનુસાર, હાઉસ ઓફ કૉમન્સમાં પ્રવેશ માટે સ્પેશિયલ ઇન્વિટેશનની જરૂર હોય છે. જેથી આ ફોટો આ બન્ને તથા ગુરપતવંત વચ્ચે કોઇ કનેક્શન હોઇ શકે છે તેવું પણ સૂચવે છે. ઉપરાંત આ વાઇરલ PDFમાં ટીમ ઉપ્પલના કેટલાક જુના ટ્વીટ્સના ફોટો પણ મૂકેલા છે.