વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ચીન ફરીથી પોતાના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તણાવપૂર્ણ સંબંધ કોઈના માટે પણ ફાયદાકારક નથી. 2020માં ગલવાન ઘાટીમાં જે બન્યું તે સમસ્યાઓ ઉકેલવાનો માર્ગ નહોતો. જયશંકરે બુધવારે થિંક ટેન્ક એશિયા સોસાયટીના એક ઇન્ટરેક્ટિવ સત્રમાં હાજરી આપી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે ભવિષ્યમાં પણ ભારત અને ચીન વચ્ચે મતભેદો હોઈ શકે છે, પરંતુ તેમને સંઘર્ષમાં પડ્યા વિના અન્ય રીતે ઉકેલી શકાય છે. જયશંકરે કહ્યું- હજુ પણ મુદ્દો સંપૂર્ણપણે ખતમ થયો નથી ગાલવાન ઘાટીમાં થયેલી અથડામણનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે 2020માં જે બન્યું તે ખરેખર ખૂબ જ પીડાદાયક હતું. તે માત્ર સંઘર્ષ નહોતો, પરંતુ લેખિત કરારોની અવગણના કરવામાં આવી હતી. એવું નથી કે મુદ્દો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, અમે હજુ પણ ઘટના સાથે સંબંધિત કેટલીક બાબતો પર કામ કરી રહ્યા છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે ઘણા મુદ્દાઓ પર હરિફાઈ કરીએ છીએ, પરંતુ આપણે આ માટે લડવું જોઈએ નહીં. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો કોઈપણ પક્ષના હિતમાં નથી કારણ કે જો સરહદ પર શાંતિ ડહોંળાય છે, ત્યારે બીજા સંબંધો પણ બગડે છે. ઓક્ટોબર 2024થી ભારત-ચીન સંબંધોમાં સુધારો થયો ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે અમને લાગે છે કે ઓક્ટોબર 2024 થી સંબંધોમાં થોડો સુધારો થયો છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. હું ચીનના વિદેશ મંત્રીને ઘણી વખત મળ્યો છું અને મારા સાથીદારો પણ મળ્યા છે. અમે 2020 માં થયેલા નુકસાનની ભરપાઈ કરી શકીએ છીએ કે કેમ તે જોવા માટે તબક્કાવાર પ્રયાસ કરી રહ્યા છીએ. પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે ચાર વર્ષથી તણાવ ચાલી રહ્યો હતો. બે વર્ષની લાંબી વાટાઘાટો પછી, આ વર્ષે ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે એક કરાર થયો હતો, ત્યારબાદ 21 ઓક્ટોબરે બંને દેશોની સેનાઓ દેપસાંગ અને ડેમચોકથી પીછેહઠ કરી હતી. આ પછી, 25 ઓક્ટોબરે, બંને દેશોની સેનાઓ પૂર્વી લદ્દાખથી પાછળ હટી ગઈ. કરાર મુજબ, બંને સેનાઓ એપ્રિલ 2020થી તેમની પહેલાની સ્થિતિ પર પાછી ફરી છે. સેના હવે એ જ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે જ્યાં તે એપ્રિલ 2020 પહેલા કરતી હતી. આ ઉપરાંત, કમાન્ડર સ્તરની બેઠક હજુ પણ ચાલુ છે. કરારને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કાઝાનમાં મળ્યા અને સંબંધો સુધારવા માટે અનેક નિર્ણયો લીધા હતા. 15 જૂન 2020ના રોજ ગલવાનમાં થયેલી અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા 15 જૂન 2020ના રોજ, ચીને કવાયતના બહાને પૂર્વી લદ્દાખના સરહદી વિસ્તારોમાં સૈનિકો તહેનાત કર્યા હતા. આ પછી ઘણી જગ્યાએ ઘૂસણખોરીની ઘટનાઓ બની. ભારત સરકારે પણ આ વિસ્તારમાં ચીન જેટલા જ સૈનિકો તહેનાત કર્યા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ગોળીબાર શરૂ થયો. દરમિયાન, 15 જૂને, ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. બાદમાં ભારતે પણ આનો યોગ્ય જવાબ આપ્યો. આમાં 40 ચીની સૈનિકો માર્યા ગયા.