ઉત્તર ભારતના વિસ્તારોમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેના ઠંડા પવનનો ગુજરાત તરફ આવતાં ગરમીમાં થોડી રાહત મળી છે. આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી બાજુ ધોમધખતા તડકા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 10 એપ્રિલ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની પડવાની સંભાવના વ્યક્ત કરી છે. દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશેઃ અંબાલાલ
આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે પવનોના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો સાથે સાથે વરસાદ પડી શકે છે. ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્રકિનારે ભારે પવન ફૂંકાવાની શખ્યતા રહેશે. એમાં લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. સામાન્ય પવન 10થી 15 કિમીની ઝડપે, વિન્ડ ગસ્ટ 35 કિમીની ઝડપે અને દરિયાકાંઠા વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. દેશના ઘણા ભાગોમાં આંધી-વંટોળની શક્યતા
આ ઉપરાંત બંગાળની ખાડીમાં સિઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા છે, જે વિશાખાપટનમ આસપાસ આ સાઇક્લોન સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થશે, જેના ભેજ અને અરબસાગરના ભેજને કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે, એમાં દક્ષિણ ગુજરાતના ભાગો નવસારી, સુરત બાજુના ભાગો. દક્ષિણ-સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થશે. આ ઉપરાંત મધ્ય-ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટાની સાથે આંધી-વંટોળ અને પર્વતીય પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. 10 એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે
ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે જેટધારા દક્ષિણવર્તીય રહી છે, જેની અસર અરબસાગરમાં થશે અને એના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી 10 એપ્રિલ સુધીમાં મોટો પલટો આવશે અને કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. ક્યાંક હળવો વરસાદ પડવાની શક્યતા રહેશે. 29 માર્ચ બાદ ફરી તાપમાન વધશેઃ હવામાન
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત પર હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડા પ્રદેશમાંથી ઠંડા પવનો ગુજરાત તરફ લાવી રહ્યા છે, આથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ 29 માર્ચ બાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 25 માર્ચની સરખામણીએ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો
ઉલ્લેખનીય છે કે ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન રાજ્યભરમાં સૌથી વધુ નોંધાયું હતું, પરંતુ 25 માર્ચની સરખામણીએ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 29 બાદ ગરમ ભેજયુક્ત પવનથી બફારાનો અનુભવ થશે
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. હજુ પણ આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, એટલે કે લઘુતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે, જોકે 29 માર્ચ, 2025 બાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થતાં ગરમી અનુભવી પડશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 29 બાદ ગરમ ભેજયુક્ત પવનને કારણે બફારાનો અનુભવ થશે.