દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને દ્વારકાધીશના દર્શન કરવા ગયેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પણ નિવેદન આપ્યું છે. પબુભાએ કહ્યું કે દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા, તો પરિમલ નથવાણીએ કહ્યું કે દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી. દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો ભરાઈ ગયા : પબુભા માણેક
પબુભા માણેકે કહ્યું કે દ્વારકાધીશ એ સંઘર્ષ અવતાર છે. દ્વારકાધીશ વિરુદ્ધ બોલનારના દિવસો પુરા થઇ ગયા છે. સનાતન ધર્મ ચારેય યુગમાં સનાતન છે. અત્યારે નવા-નવા કોઈ ઊપડ્યાં હોય તો અમે વિરોધ નથી કરતા, હીન્દુઓ કે કોઈએ વિરોધ નથી કાર્યો, પણ તમે તમારી જગ્યાએ રહો. તમે જો બીજાને નીચા ઉતારી આવું બોલતા હો તો હું એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઇ, રાવણે તપ કર્યું અને રાવણને અતિશય અભિમાન આવ્યું. પછી કંસને અભિમાન આવ્યું, બધાને અભિમાન આવ્યાં છે. મને લાગે છે આ સંસ્થામાં પૈસા ખુબ વધી ગયા લાગે છે અને તાકાત આવી ગઈ છે, નહીં તો આવી કબુદ્ધિ સૂઝે નહીં. તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો?
પબુભાએ આગળ કહ્યું કે સ્વામિનારાયણમાં બધા આવા ન હોય, જે જે મને સાંભળતા હો એ આવાને સમજાવો, જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી એમને સમજાવો કે આ બધું રહેવા દો. આપણા સનાતન ધર્મમાં ચોખ્ખું લખ્યું છે કે સનાતન ધર્મ વિશેષ છે. ઇસ્લામને કે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી, તમે તો હિન્દૂ પર નભો છો અને આ રીતની વાતો કરો છો? તમે જે પણ ધર્મને માનતા હો એને માણો પણ સનાતન ધર્મને સારું ન લાગે એવો એક પણ શબ્દ બોલો નહીં. દ્વારકાધીશ હાજરાહજૂર, તેમના જેટલું કોઈનું સ્થાન નથી : પરિમલ નથવાણી
રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે સ્વામિનારાયણ મંદિરના કોઈ સંતે ટિપ્પણી કરી છે તેને હું વખોડી નાખું છું. દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશ રહેશે. એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. બીજા કોઈ લોકો બોલે, સંત બોલે એનો કોઈ અર્થ નથી. દ્વારકાધીશ હાજરાહજૂર છે અને તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુઃખની વાત છે.