‘બાહુબલી’ એક્ટર પ્રભાસ અને તેલુગુ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની ડેટિંગની અટકળો વચ્ચે અચાનક ન્યૂઝ-18 તેલુગુના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક્ટરના પરિવારે હૈદરાબાદ સ્થિતિ એક ઉદ્યોગપતિની દીકરી સાથે તેના લગ્ન નક્કી કરી નાખ્યા છે. વધુમાં ઉમેર્યું કે, પ્રભાસના સ્વર્ગસ્થ કાકા અને એક્ટર- રાજકારણી કૃષ્ણમ રાજુના પત્ની શ્યામલા દેવીએ તેના લગ્નની તૈયારીઓ હાથ ધરી છે. અનુષ્કા શેટ્ટી સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચા 45 વર્ષીય પ્રભાસ હજુ સુધી સિંગલ છે. ફિલ્મો ઉપરાંત તે અવારનવાર કો-એક્ટર અનુષ્કા શેટ્ટી સાથે ડેટિંગની અટકળોને લઈને ચર્ચામાં રહે છે. જોકે, બંને કલાકારો સતત આ દાવાઓને નકારી કાઢે છે. તેવામાં અનુષ્કાના બદલે હૈદરાબાદની યુવતી સાથે લગ્નની વાત બહાર આવતા બંનેના ફેન્સમાં નિરાશા જોવા મળી હતી. સાથે જ હૈદરાબાદના કયા ઉદ્યોગપતિની દીકરી સાથે લગ્ન થવાના છે તે અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તેવામાં હિન્દુસ્તાન ટાઈમ્સે પ્રભાસની ટીમનો સંપર્ક કર્યો ત્યારે, ટીમે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિની દીકરી સાથે એક્ટરના લગ્નના સમાચારને નકારી કાઢ્યા અને તેને અફવા ગણાવી. મુંબઈ સ્થિત એક્ટરના પ્રવક્તાએ પણ આ સમાચારને ખોટા ગણાવ્યા છે. અગાઉ ‘આદિપુરુષ’ના શૂટિંગ દરમિયાન કૃતિ સેનન સાથે તેના સંબંધો હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી. જોકે, તે સમયે એક્ટરે જણાવ્યું હતું કે, તે હજુ સુધી સિંગલ જ છે. આગામી સમયમાં પ્રભાસની આ ફિલ્મો આવી રહી છે દરમિયાન પ્રભાસે તેના ફિલ્મ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હાલમાં તે ‘ધ રાજા સાબ’ અને ડિરેક્ટર હનુ રાઘવપુડીની ફિલ્મ ‘ફૌજી’ પર કામ કરી રહ્યો છે. ઉપરાંત તે સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’, નાગ અશ્વિનની ‘કલ્કી-2’ અને પ્રશાંત નીલની ‘સલાર-2: શૌર્યંગા પર્વમ’ ફિલ્મ કરી રહ્યો છે.