ભારતમાં ફિલ્મ ‘સંતોષ ‘ ની રિલીઝ પર પ્રતિબંધ મૂકાયા બાદ , તેના પર સતત ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ સુનિતા રાજવારે આ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. નોંધનીય છે કે, સુનિતા આ ફિલ્મમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહી છે. ‘ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે, એ જ મોટી વાત છે ‘ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સુનિતા રાજવારે કહ્યું , ‘ મેં આ ફિલ્મમાં કામ કર્યું હતું અને મને તેમાં ખૂબ જ સારું પાત્ર ભજવવાની તક મળી. એવું લાગ્યું નહીં કે અમે કંઈ ખોટું બતાવી રહ્યા છીએ. દરેક પ્રોજેક્ટનું પોતાનું ભાગ્ય હોય છે , ક્યારેક સમય આપણને સાથ આપતો નથી. પણ હું એ વાતને હકારાત્મક રીતે લઉં છું કે ઓછામાં ઓછું મારી ફિલ્મની ચર્ચા તો થઈ રહી છે. ઘણી સારી ફિલ્મો બને છે , પણ કોઈ તેના વિશે વાત કરતું નથી. લોકો મારી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે,આ મારા માટે ખૂબ મોટી વાત છે.’ ‘તમારે નિયમોનું પાલન કરવું પડશે’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં ફિલ્મ રિલીઝ અંગે નિયમો થોડા હળવા હોવા જોઈએ? ત્યારે તેમણે કહ્યું , ‘ મને ખબર નથી કે આ અંગે શું કહેવું યોગ્ય રહેશે અને શું ખોટું.’ હું એક એવી કલાકાર છું જે ફક્ત પોતાનું કામ કેવી રીતે કરવું તે જાણે છે. મને પ્રોડક્શન અને માર્કેટિંગ જેવી બાબતો વિશે બહુ જ્ઞાન નથી. એક કલાકાર તરીકે, હું ફક્ત મારું કામ કરું છું અને આગળ વધું છું. આ ફિલ્મ વિદેશમાં પ્રશંસા પામી રહી છે , તે ઓસ્કર નોમિનેશન યાદીમાં પહોંચી ગઈ, આ પોતે જ એક મોટી વાત છે.’ ‘ફિલ્મ હેડલાઇન્સમાં છે, એ જ સૌથી મોટો ‘સંતોષ’ છે ‘ સુનિતાએ આગળ કહ્યું, ‘મને સંતોષ છે કે મારી ફિલ્મ ચર્ચામાં રહે છે.’ ભારતમાં પણ , જે લોકોએ તે જોઈ તેમણે ફિલ્મ, કલાકારો અને ડિરેક્શનની પ્રશંસા કરી છે . અમારી મહેનત સફળ થઈ છે. બીજા જે પણ નિયમો અને નિયમનો હશે, તેનું પાલન કરવું પડશે. સૌથી અગત્યનું, અમારી ફિલ્મ ગાયબ થઈ નથી પણ હેડલાઇન્સમાં રહે છે.’ ‘સંતોષ ‘ ની રિલીઝ કેમ રોકી દેવામાં આવી? ‘સંતોષ ‘ ફિલ્મ એક કાલ્પનિક ઉત્તર ભારતીય શહેરની વાર્તા પર આધારિત છે , જ્યાં એક યુવાન વિધવા (શહાના ગોસ્વામી) પોલીસ દળમાં જોડાય છે અને એક દલિત છોકરીની હત્યાની તપાસ કરે છે. ફિલ્મ પોલીસ નીચલી જાતિની મહિલાઓ સામે જાતીય હિંસા અને ઇસ્લામોફોબિયા જેવા સિસ્ટમ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. આ ગંભીર થીમ્સને કારણે ફિલ્મને કાન્સ ફિલ્મને ફેસ્ટિવલમાં પ્રશંસા મળી અને યુકે દ્વારા 2025 ઓસ્કર માટે ઇન્ટરનેશનલ ફીચર કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી. પરંતુ આ જ મુદ્દાઓ CBFC માટે વિવાદનું કારણ બન્યા અહેવાલો અનુસાર, CBFC એ ફિલ્મમાં પોલીસને નકારાત્મક રીતે દર્શાવતી હોવાનો ઉલ્લેખ કરીને ઘણા મોટા કાપની માગ કરી હતી. ડિરેક્ટર સંધ્યા સૂરીએ CBFC વિશે શું કહ્યું ? ધ ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં સંધ્યા સૂરીએ કહ્યું, ‘મારા માટે આ ફિલ્મ ભારતમાં રિલીઝ થાય તે ખૂબ જ મહત્ત્વનું હતું , તેથી મેં આમાંથી રસ્તો શોધવાનો પ્રયાસ કર્યો.’ પણ અંતે, આ શક્ય ન બન્યું. આટલા બધા કાપ મૂક્યા પછી ફિલ્મ સમજાતી નથી અને તેનો મૂળ વિચાર પણ બદલાઈ જાય છે. મને નથી લાગતું કે મારી ફિલ્મ હિંસાનો મહિમામંડન કરે છે, જેમ કે ઘણી અન્ય પોલીસ પર બનેલી ફિલ્મોમાં હોય છે. આમાં કંઈ સનસનાટીભર્યું નથી.’ આ ફિલ્મને વિદેશમાં ખૂબ પ્રશંસા મળી છે. પરંતુ તેની વાર્તા અને કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને કારણે, તેને ભારતમાં રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી ન હતી. તાજેતરમાં જ આ ફિલ્મ ઓસ્કર નોમિનેશન યાદીમાં પહોંચી છે.