ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામમાં પોલીસે ગૌવંશ કતલના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુરેશી મહોલ્લામાં દરોડો પાડી 150 કિલો ગૌમાંસ અને અવશેષો કબજે કર્યા છે. સાથે જ એક વાછરડું અને આખલાને જીવતા બચાવી લેવામાં આવ્યાં છે. બાતમીના આધારે પોલીસે જીલાની ઉર્ફે કાણીયો કાસમભાઇ કુરેશી અને તેના ભાઈ જાકીર ઉર્ફે બાપુ કાસમભાઇ કુરેશીના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને બંને આરોપીઓ મકાનના ધાબા પરથી ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુહાડી, વજન કાંટો, દોરડા, લાકડાની ખોરકી અને એક્ટિવા મોપેડ સહિત કુલ રૂપિયા 57,530નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ વિસ્તારમાં આ પ્રકારનું ગૌવંશ કતલનું રેકેટ પકડાયું હોવાની આ પ્રથમ ઘટના નથી. પોલીસે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે.