તાજેતરમાં રાજકોટ શહેર પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારી ઉપર હુમલો કરનાર કુખ્યાત આરોપી માજીદ ઉર્ફે માજલો રફીક ભાણું (ઉ.વ.24)ના ગુજસીટોક કેસના જામીન કોર્ટે રદ કર્યા છે. પોલીસને માર મારી બાઇકમાં તોડફોડ પણ કરી હતી
રાજકોટ શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં એક મહિલાના મકાન ઉપર માજીદ ભાણું અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે અંગે જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકના બે પોલીસ કર્મચારી તેને પકડવા જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટર પાસેના હુડકો કવાર્ટરમાં ગયા હતા. ત્યારે માજીદ ભાણું અને તેના સાગરીતોએ આ બંને પોલીસ કર્મચારી ઉપર હુમલો કરી તેમને ભગાડી દીધા હતા. એટલું જ નહીં તેમના સરકારી બાઈકમાં તોડફોડ પણ કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. આ ગુના બાદ ભાગી ગયેલા માજીદને સવા મહિના પછી રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીના ગુજસીટોક કેસમાં જામીન રદ
તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશો બાદ પોલીસે મનપાની મદદથી હુડકો કવાર્ટર નજીક માજીદની ગેરકાયદે ઓરડી ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. હાલ માજીદ ગુજસીટોકના કેસમાં જામીન પર હોવાથી પ્રદ્યુમનનગર પોલીસે તેના જામીન રદ કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેના પગલે ગુજસીટોકના સરકારી વકીલ તુષાર ગોકાણીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ગુજસીટોકના ગુનામાં જામીન પર મુક્ત થયા બાદ આરોપીએ ફરીથી સુલેહ શાંતિનો ભંગ કરી સમાજમાં ભય ફેલાવ્યો છે. જેની સામાજિક જીવન ઉપર અસર પડતી હોવાથી અને આરોપીએ કોર્ટની શરતોનો ભંગ કર્યો હોવાથી ગુજસીટોક કેસમાં તેના જામીન રદ કરવા જોઈએ. મારામારી અને ગુજસીટોક સહિતના 10થી વધુ ગુના
સરકારી વકીલની રજુઆત ધ્યાને રાખી કોર્ટે આરોપી માજીદના ગુજસીટોક કેસના જામીન રદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી માજીદ ભાણું લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂદ્ગ મુખ્યત્વે હુમલા, મારામારી અને ગુજસીટોક સહિતના 10થી વધુ ગુના રાજકોટ અને વડોદરામાં નોંધાઈ ચુક્યા છે અને હાલમાં તે જેલ હવાલે છે.