back to top
Homeગુજરાતવડોદરા ભાજપના વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ:શહેર પ્રમુખે મેયર સહિતના પદાધિકારીઓ સાથે...

વડોદરા ભાજપના વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ:શહેર પ્રમુખે મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક કરી, તમામને સૌનો સાથ સૌનો વિકાસ કરવાનું કહીં ‘સમજાવી’ દીધા

વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી ભવાઇ આખરે આજે ભાજપા કાર્યાલય “કમલમ”માં પૂરી થઈ હતી. આજે શહેર ભાજપ પ્રમુખે પાંચ પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતા અને દંડકને કમલમ ખાતે બોલાવ્યા હતા. જેમાં પ્રમુખે વિવાદનો અંત લાવી શહેરના વિકાસમાં ધ્યાન આપવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પ્રમુખ સાથેની બેઠક બાદ એક પણ પદાધિકારીએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, પ્રમુખે મેયરની નારાજગીની યોગ્ય જગ્યાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરા કોર્પોરેશનમાં છેલ્લા ચાર દિવસથી પદાધિકારીઓના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા માટે મેયરની કરવામાં આવેલ બાદબાકીથી મેયરે આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી સામે પોતાની ભડાસ કાઢી હતી. મેયરની નારાજગીનો વિવાદ વધુ વકરે તે પહેલાં આજે બપોરે 3 કલાકે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, પક્ષના નેતા મનોજ પટેલ (મંછો) તેમજ દંડક શૈલેષ પાટીલને કમલમ ખાતે બોલાવ્યા હતા અને તેઓ સાથે બંધબારણે એક કલાક ઉપરાંત બેઠક કરી હતી. આ બેઠકમાં શહેર ભાજપા પ્રમુખે ભાજપાની ભવાઇ બંધ કરવા અને શહેરના વિકાસલક્ષી કામમાં એક સાથે કામ કરવા માટે મીઠો ઠપકો આપવા સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરે સ્થાયી સમિતિના અધ્યક્ષ સામે આક્ષેપો કરતી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પક્ષના નેતા અને દંડકે “નરોવા કુંજોરવા ” ની ભૂમિકા ભજવી હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી મેયર પિન્કીબેન સોનીને દરેક કાર્યક્રમમાં સાથે લઇને ફરતા હતા. પરંતુ, બે દિવસ પહેલા મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોષીએ મેયરના કટ્ટર મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સામે મહાનગર નાળાં માટે રોષ ઠાલવતા મેયરે કમિશનરના ધજાગરા ઉડાવનાર આશિષ જોષીને સમર્થન આપી સભા પૂરી થયા બાદ સ્થાયી સમિતિના ચેરમેનને પડતા મૂકીને ડેપ્યુટી મેયરને લઇ મહાનગર નાળાંની વિઝીટ કરવા માટે પહોંચી ગયા હતા. અને બીજાજ દિવસે નાળાની સફાઇનું કામ શરૂ કરાવી મ્યુનિસિપલ કમિશનરને લપડાક મારી હતી. મહાનગર નાળાંની આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા મેયરની બાદબાકી કરી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીને સાથે રાખી વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામનું નિરીક્ષણ કરવા મંગલ પાંડે બ્રિજ પહોંચી જઇ મેયરને લપડાક મારી બદલો લીધો હતો. એતો ઠીક પાછળથી સ્થળ ઉપર પહોંચેલા મેયર સાથે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ વાત પણ કરી ન હતી. અને સ્થાયી સમિતિના અધ્યક્ષને લઇ વિશ્વામિત્રી નદીના બીજા સ્થળે ચાલતા કામ સ્થળે પહોંચી ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના વર્તનથી નારાજ થયેલા મેયર પિન્કીબેન સોનીએ આજે મિડીયા સમક્ષ તેઓની નહીં પરંતુ મેયરની ગરીમાનુ અપમાન કરાઇ રહ્યું હોવાનું જણાવી પોતાની ભડાસ કાઢી હતી. મેયરે આજે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરતાં શહેર ભાજપામાં ચકચાર મચી ગઇ હતી. વડોદરા કોર્પોરેશનમાં ચાલુ થયેલી ભવાઇ વધુ દિવસ ચાલે તે પહેલાં શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ આજે મેયર સહિત તમામ પાંચ પદાધિકારીઓને કમલમ ખાતે બોલાવી ઠપકો આપવા સાથે માર્ગદર્શન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, ભાજપાની ભવાઈનો ભલે પહેલા ભાગ ઉપર પડદો પડી ગયો હોય. પરંતુ, આગામી દિવસોમાં ભવાઇના બીજા ભાગની સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments