વલસાડ જિલ્લાના પારડી ખાતે સનાતન ધર્મની મહત્વપૂર્ણ સભા યોજાઈ હતી. સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ કરવામાં આવી રહેલા પ્રચાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત સંતો અને ધર્મગુરુઓએ આરોપ મૂક્યો કે, સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સનાતન ધર્મના પંચદેવ અને 33 કોટિ દેવતાઓને નબળા પાડી રહ્યા છે. તેઓ વીડિયો કેસેટ અને અન્ય માધ્યમો દ્વારા સનાતન સાહિત્ય અને શાસ્ત્રોને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. ધાર્મિક અગ્રણીઓએ આ પ્રવૃત્તિઓને એક ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે ચેતવણી આપી કે, જો આ પ્રવૃત્તિઓ નહીં અટકે તો કાયદાકીય માર્ગે પ્રતિકાર કરવામાં આવશે. સભામાં વલસાડ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મના અનુયાયીઓએ સરકાર પાસે આવા સાધુઓના વિવાદાસ્પદ નિવેદનો અને સામગ્રી પર પ્રતિબંધની માગણી કરી છે. સભાના અંતે નિર્ણય લેવાયો કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો કાયદાકીય માર્ગે આગળ વધવામાં આવશે. સાથે જ સનાતન ધર્મની ધાર્મિક પરંપરાઓને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.