back to top
Homeગુજરાતસરકાર સામે પડેલા 2100 આરોગ્યકર્મીને નોકરીમાંથી હાંકી કાઢ્યા:આરોગ્યમંત્રીએ કહ્યું- 'હડતાળ સમેટાય તો...

સરકાર સામે પડેલા 2100 આરોગ્યકર્મીને નોકરીમાંથી હાંકી કાઢ્યા:આરોગ્યમંત્રીએ કહ્યું- ‘હડતાળ સમેટાય તો જ ચર્ચા શક્ય, બાકી નહીં’, માગણીઓને લઈ હડતાળનો 11મો દિવસ

ગાંધીનગરમાં આરોગ્યકર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ 11મા દિવસે પણ યથાવત્ રહી છે. સરકારે કડક વલણ અપનાવતાં આઠ જિલ્લામાંથી 2100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. આ ઉપરાંત પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યા છે. વિભાગના અલ્ટિમેટમ બાદ કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હડતાળ સમેટાય તો જ ચર્ચા શક્ય, બાકી નહીં: આરોગ્યમંત્રી
આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યકર્મચારીઓએ જે માગણીઓ આપી હતી એમાંથી એક માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડક જ છે. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી. ‘આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી’
આ રીતે હડતાળ પર ઊતરી જવું ગેરવાજબી છે. તેમને હું અપીલ કરું છું કે એક કે બે દિવસમાં ફરજ પર પરત ફરો, લોકોનાં આરોગ્ય સાથે ચેડાં સરકાર સાંખી લે એમ નથી. વર્ષ 2021માં પણ કર્મચારીઓએ હડતાળ કરી હતી ત્યારે પણ તેમની સાથે ચર્ચા કરીને તેમના કેટલાક મુદ્દાઓનું નિવારણ લાવ્યું હતું, એટલે ચર્ચાના અંતે કોઇપણ વસ્તુનું નિવારણ આવતું હોય છે. આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો
મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરીની આગેવાનીમાં બુધવારે મધ્યરાત્રિએ આરોગ્યકર્મીઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કર્મચારીઓને આશ્વાસન આપ્યું છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સજા રદ કરાવવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં સરકાર વાટાઘાટો માટે આમંત્રણ નહીં આપે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહાસંઘે તમામ કર્મચારીઓને હડતાળને સમર્થન આપવા ગાંધીનગર આવવા અપીલ કરી છે. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓએ મક્કમ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા ‘એસ્મા’ એક્ટ લાગુ કરાયો
આરોગ્યકર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ‘એસ્મા’ (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગત ગુરુવારે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યકર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે. આરોગ્યકર્મચારીઓની માગણીઓ
મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), FHW (ફીમેલ હેલ્થવર્કર), MPHS (મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આરોગ્યકર્મીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર
આરોગ્યકર્મીઓ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, પણ કોઇ નિકાલ ન આવતાં સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. એ બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્યકર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. એ બાદ કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઊતર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments