દિલ્હીમાં લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનોના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. સાંસદે ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલી, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ અને ડુંગરી જેવા રેલવે સ્ટેશનોના વિકાસ અંગે રજૂઆત કરી હતી. તેમણે અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા કામદારો અને રેલ યાત્રીઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગ કરી હતી. બેઠક દરમિયાન વલસાડ-બાંદ્રા ઈન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ધવલભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. જેથી તેઓ વિવિધ સ્ટેશનો પર ઉપલબ્ધ સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી શકે અને ચાલી રહેલા વિકાસ કાર્યોનું મૂલ્યાંકન કરી શકે.