સુરતના વરાછા વિસ્તારમાં 20 વર્ષીય યુવાન રત્નકલાકારે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે, જોકે યુવાને ક્યાં કારણસર આત્મહત્યા કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. વરાછા અશ્વનિકુમાર બાલુ મહારાજના ટેકરા ખાતે રહેતા રાજ દીલીપભાઈ સહાની (ઉ.વ. 20) હીરાના કારખાનામાં કામ કરતો હતો અને મિત્ર સાથે રહેતો હતો. બુધવારે સાંજે તેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેના મિત્રએ આ દૃશ્ય જોયું તો તરત જ પોલીસને જાણ કરી હતી. વરાછા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી રહી છે. સચિનમાં તળાવમાંથી મળી આવેલ યુવકનો મૃતદેહ
સુરતના સચિન વિસ્તારમાં ત્રણ દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ગુરુવારે હોજીવાલા તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. 38 વર્ષીય મનોજ નગીના ભર જે સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલી ગુજપેક્સ એન્જિનિયરિંગ કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતા હતા. તેઓ 24 માર્ચે ઘરે નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કર્યા છતાં તેમનો કોઈ પત્તો લાગ્યો નહતો. ગુરુવારે હોજીવાલા તળાવમાં એક અજાણ્યા શખસનો મૃતદેહ જોવા મળતાં પોલીસે ઘટનાસ્થળે દોડી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ મનોજ ભર તરીકે થઈ હતી. હજુ સુધી આ સ્પષ્ટ થયું નથી કે મનોજભાઈએ આપઘાત કર્યો કે પછી અકસ્માતે તળાવમાં પડી જતાં તેમનું મોત થયું. પોલીસ મૃતકનો પીએમ રિપોર્ટ મેળવવા તજવીજ કરી રહી છે અને આગળની તપાસ હાથ ધરી છે. 15 વર્ષની કિશોરી પર 45 વર્ષીય શખસે બળાત્કાર ગુજાર્યો
સુરતના પાલ વિસ્તારમાં એક 45 વર્ષીય શખ્સે 15 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યાનો ચકચારભર્યો બનાવ સામે આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને જેલમાં ધકેલી દીધો છે. પાલનપુર પાટિયા નજીક સંત તુકારામ સોસાયટીમાં રહેતો રામકેશ પ્રજાપતિ પાલ સુડા આવાસ પાસે પાનનો ગલ્લો ચલાવે છે. તેની દુકાનમાં પાન-મસાલા ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ પણ વેચવામાં આવતી હતી. આશરે એક મહિના પહેલા 15 વર્ષીય કિશોરી પાનના ગલ્લા પર ચીજવસ્તુ લેવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે આસપાસ કોઈ ન હોવાનો લાભ ઉઠાવી, રામકેશે કિશોરીને પાનના ગલ્લામાં ખેંચી જઈ તેની સાથે અડપલાં કર્યા અને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી કિશોરી ભારે ગભરાઈ ગઈ હતી અને ઘરમાં શાંત રહેવા લાગી હતી. માતાએ શંકા જતા કિશોરીને પૂછપરછ કરી તો આ આખી હકીકત બહાર આવી હતી. પાલ પોલીસમાં ફરિયાદ નોંધાતા, પોલીસે તરત જ પોસ્કો અને બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધ્યો અને રામકેશ પ્રજાપતિની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.