અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ હાલના સમયમાં વાલીઓ દ્વારા બાળકોને અભ્યાસ બાબતે કરાતા પ્રેશરને લઈ ચોંકાવનારું નિવેદન કર્યું છે. પાનશેરિયાએ કહ્યું હતું કે બાળકને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યાં છે. બાળકને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં, પણ એ સહકારી, વિવેકી અને વ્યસનમુક્ત બને એ જરૂરી છે. આ ઉપરાંત મારફાડવાળી વીડિયો ગેમની બાળકોના માનસ પર પડતી નેગેટિવ અસરને લઈ ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે બાળકો દ્વારા થતા મોબાઈલના અને સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતે સરકાર બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહી છે, એને લઈ SOP તૈયાર કરવામાં આવશે. ‘મોબાઇલ અને સો. મીડિયાના ઉપયોગ બાબતે સરકાર SOP બનાવશે’
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું હતું કે મોબાઈલનું દૂષણ અમરેલીમાં બનેલી ઘટના એકમાત્ર સેમ્પલ છે. બાળકો મોબાઇલને કારણે ડેન્જર વસ્તુઓના પ્રયોગ કરે છે. બ્લેડથી શરીર પર ઘા મારે છે. વીડિયો ગેમમાં જેમ મારફાડ કરવામાં આવે છે એ જોઈને બાળકો પણ હિંસાત્મક પ્રવૃત્તિ કરે છે. બાળકોને રોકવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સીએમ નિષ્ણાતો સાથે સંવાદ કરી રહ્યા છે. આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે, જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે. પ્રેશર કરીને વાલીઓ બાળકોના દુશ્મન બની રહ્યા છે- પાનશેરિયા
આજકાલનાં માતાપિતા બાળકને ડોક્ટર, એન્જિનિયર કે અન્ય ફિલ્ડમાં મોકલવા ઈચ્છે છે, પરંતુ આવનારાં 10 વર્ષ બાદ માતા-પિતાની ચિંતા હશે કે તેમનું બાળક શિક્ષિત અને વિવેકી બને, કારણ કે અત્યારે યુવાનો ડિપ્રેશન અને ડ્રગ્સનો શિકાર બની રહ્યા છે, જેના કારણે યુવાધનને યોગ્ય માર્ગે લઈ જવાં જોઈએ. યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ અને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. અત્યારે માતાપિતા બાળકને પ્રેશર કરે છે. અત્યારથી જ બાળકને 90% લાવવાનો ટાર્ગેટ આપે છે, જેના કારણે માતાપિતા બાળકના દુશ્મનો બને છે. બાળક જાત મહેનત કરે અને આગળ આવે એ વધુ મહત્ત્વનું છે. બાળક પાસેથી વધુ અપેક્ષા ના રાખવી જોઈએ. બાળકને પ્રેમ અને સદભાવનાનું વાતાવરણ મળી રહે એવું કરવું જોઈએ. હવે બીએડના કોર્સનો સમયગાળો એક વર્ષનો રહેશેઃ પંકજ અરોરા
NCTEના ચેરમેને પંકજ અરોરાએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ મુજબ શિક્ષકો માટેના પાંચ અલગ અલગ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યા છે. યોગા, ફિઝિકલ, સંસ્કૃત અને આર્ટ.આ તમામ પ્રોગ્રામ ધોરણ 12 પછી ચાર વર્ષના રહેશે, જેમાં 160 ક્રેડિટ સિસ્ટમ રહેશે. આ ઉપરાંત બે વર્ષનું બીએડ ચાલતું હતું એમાં નવી શિક્ષણનીતિ મુજબ બદલાવવામાં આવ્યું છે. હવેથી ચાર વર્ષનું ગ્રેજ્યુએશન કે પીજીનો અભ્યાસ કર્યો હશે તે વિદ્યાર્થીઓ એક વર્ષ બીએડ કરી શકશે. જે વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન કર્યું હશે તેમને બે વર્ષનું બેડ કરવાનું રહેશે. એટલું જ નહીં, એમ.એડ.માં પણ ફુલ ટાઈમ એમએડ કરવું હોય એ એક વર્ષનું એડ કરી શકશે, પરંતુ કોઈ પ્રવૃત્તિની સાથે પાર્ટટાઈમ એમએડ કરવું હોય તો તેને બે વર્ષનું કરવું પડશે. 2900 કોલેજમાં ચાલતી લાલિયાવાડી NCTEના ધ્યાનમાં આવી- ચેરમેન
બીએડ, એમએડની ડમી ઇન્સ્ટિટયૂટને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. NCTEને 2900 કોલેજમાં ચાલતી લાલિયાવાડી ધ્યાનમાં આવી છે. કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી અને નિયમપાલનમાં બેદરકારી સામે આવતાં NCTE સખત કાર્યવાહી કરશે. 31 માર્ચ સુધીમાં 2900 કોલેજ સામે કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા વિભાગે NCTEને લાલિયાવાડી ધરાવતી કોલેજો સામે કાર્યવાહી કરવા છૂટો દોર આપ્યો છે, જેમાં પ્રથમ નોટિસ આપવામાં આવશે. ત્યાર બાદ જે ખુલાસો આવે એને ધ્યાને રાખીને કાર્યવાહી કરવામાં આવશે.