સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કડક CCTV મોનિટરિંગ સાથે સ્નાતક અને અનુસ્નાતકના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં 180 એક્ઝામ સેન્ટર પરથી 32 કોર્સના 44,254 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ કહી રહ્યાં છે કે, જે રીતે પરીક્ષા વહેલી લેવામાં આવી રહી છે તે રીતે પરિણામો પણ વહેલા આવે તે જરૂરી છે. છેલ્લા સેમેસ્ટરના રીઝલ્ટ મોડા આવતા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે એડમિશન લેવામાં મુશ્કેલી પડે છે. 1 માસ સુધીનુ CCTV કેમેરાનું રેકોર્ડીંગ ફરજિયાત
જે કોલેજો પરથી પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યાં CCTV ફરજિયાત હોવા જોઈએ અને તે ભાડે લીધેલા નહીં પરંતુ પોતાની માલિકીના હોવા જરૂરી છે. આ સાથે જ CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVRની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની રહેશે. ઉપરાંત પરીક્ષા શરૂ થાય ત્યારથી 1 માસ સુધીનુ CCTV કેમેરાનું રેકોર્ડીંગ ફરજિયાત છે. પરીક્ષાની જેમ પરિણામો પણ વહેલા આવે તેવી આશાઃ આશ્વી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીબીએ સેમેસ્ટર 6ની પરીક્ષા આપતી વિદ્યાર્થિની આશ્વી વીઠલાણીએ જણાવ્યું હતુ કે, ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષા હોવાથી ખૂબ જ સારી રીતે પરીક્ષાની તૈયારી કરવામાં આવેલી છે. કોલેજ દ્વારા પણ અભ્યાસક્રમ પૂર્ણ કરાવ્યા બાદ ઇન્ટર્નલ એક્ઝામ લેવામાં આવેલી છે અને તેથી હાલ છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારનુ ટેન્શન નથી. બીબીએ બાદ એમબીએ કરવાં માંગુ છું. બાદમાં મલ્ટી નેશનલ કંપનીમાં જોબ કરવાની ઈચ્છા છે. પીએચ. ડી. કરી અધ્યાપિકા બનવાનું સ્વપ્નઃ મેધા પરમાર
એમ. કોમ. સેમેસ્ટર 4ની પરીક્ષા આપતી મેઘા પરમારે જણાવ્યું હતુ કે, આજે ઓર્ગેનાઈઝેશન બિહેવિયર વિષયની પરીક્ષા છે. પરીક્ષા સમયસર આવી છે તેની ખુશી છે, પરંતુ પરિણામો પણ સમયસર આવે તેવી આશા છે. કારણ કે, જે વિદ્યાર્થીઓને અમુક વિષયમાં એટીકેટી આવતી હોય છે તો ફાઈનલ રિઝલ્ટ ન આવતા આગળ શું કરવું તે નક્કી કરી શકતા નથી. MBA બાદ હું મારું નવું સ્ટાર્ટઅપ શરૂ કરીશઃ ધ્રુવી
જ્યારે અન્ય વિદ્યાર્થિની બીકોમ સેમેસ્ટર 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ધ્રુવીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા અગાઉ કોલેજ દ્વારા પણ એક્ઝામ લેવામાં આવી હતી અને તેમાં ખૂબ સારૂ પરફોમર્સ આપ્યું હતું. આજે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા આવી છું. 80 ટકાથી વધુ માર્કસ આવે તેવી ધારણા છે. પરિણામો જો વહેલા આવે તો માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ માટેની પ્રક્રિયા વહેલી શરૂ કરી શકીએ. દરેક પરીક્ષા કેન્દ્રમાં CCTV ફરજિયાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનિષ શાહ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં તમામ ભવનોનાં અધ્યક્ષો તથા સંલગ્ન તમામ કોલેજો/સંસ્થાનના આચાર્ય/ટ્રસ્ટીઓ જોગ જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાઓમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા રાખવા ફરજીયાત છે. CCTV કેમેરાનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે લાઇવ મોનિટરિંગ થઇ શકે તે માટે કોલેજમાં જે વર્ગખંડોમાં પરીક્ષા લેવાતી હોય તેમના CCTV કેમેરાને જે DVR સાથે જોડેલા છે તે DVRની ઇન્ટરનેટ કનેક્ટિવિટી 10 MBPS અથવા તેથી વધુ ક્ષમતાવાળી બેન્ડ વિથ રાખવાની છે. જેથી પરીક્ષાના સમય દરમ્યાન CCTV ચાલુ રહે તે અંગેની કાળજી લેવાની જવાબદારી કોલેજ આચાર્યની રહેશે. 1 માસ સુધીનું વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાનું રહેશે
કોલેજે આગામી પરીક્ષા માટે CCTV કેમેરા ભાડે લાવી કામગીરી ચલાવી લેવાની નથી. હજુ પણ જે પરીક્ષા કેન્દ્રોમાં CCTV કેમેરા સિસ્ટમ વિકસાવાઈ ન હોય તેઓને વિકસાવવાની રહેશે. કોઈપણ તકનીકી કારણોસર જો CCTV કેમેરા ચાલુ ન હોય અથવા પાવર સપ્લાય ન હોય અને તેવા સંજોગોમાં PGVCLની સાથે પત્ર વ્યવહાર કરેલ હોય તો તેની નકલ આપના કારણ દર્શાવતા પત્ર સાથે મોકલવાની રહેશે. પરીક્ષા દરમિયાન તમામ વર્ગખંડોના CCTV કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ બે DVD નકલમાં 3 દિવસમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. કોઈપણ પ્રકારની કાનૂની પ્રક્રિયા દરમિયાન અત્રેથી જ્યારે પણ તમામ CCTV કેમેરાનું વીડિયો રેકોર્ડિંગ માગવામાં આવે ત્યારે છેલ્લા 1 માસ સુધીનું વીડિયો રેકોર્ડિંગ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત IP એડ્રેસ બદલવાના રહેશે નહીં. એમ.એ.અંગ્રેજી, એમ.એસસી. ફિઝિકસ-ઇલેક્ટ્રોનિક્સ સેમ. 4ની પરીક્ષા સ્પેશિયાલ કેસમાં લેવાશે!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 27મીથી શરૂ થઇ રહેલી પરીક્ષામાં એમ.એ.અંગ્રેજી, એમ.એસસી. ફિઝિકસ-ઇલેક્ટ્રોનિક્સ સેમ. 4ની પરીક્ષા સ્પેશિયલ કેસમાં લેવાશે. જેમાં એમ.એ.અંગ્રેજી સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓએ કોર્સ પૂર્ણ ન થયાની કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા મોડી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આ પરીક્ષા 15 એપ્રિલ આસપાસ લેવામા આવશે, તેમ પરીક્ષા નિયામક દ્વારા જણાવવામા આવ્યું હતુ.
બીએ સેમ. 6માં સૌથી વધુ 13,269 વિદ્યાર્થીની પરીક્ષા