back to top
Homeગુજરાતઆ તે જૂનાગઢનો ટાઉનહોલ છે કે ગોડાઉન?:પાણીની માફક 4 કરોડ ખર્ચી નાખ્યા...

આ તે જૂનાગઢનો ટાઉનહોલ છે કે ગોડાઉન?:પાણીની માફક 4 કરોડ ખર્ચી નાખ્યા તોય રિનોવેશન બાદ જર્જરિત હાલતમાં, ડસ્ટબીનનો વખાર બનાવ્યો

જૂનાગઢમાં નવાબીકાળથી શરૂ ટાઉનહોલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. ચાર વર્ષ પહેલા 4 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું. જોકે, પાણીની માફક પૈસા ખર્ચી નાખ્યા હોવા છતાં આ ટાઉનહોલ જર્જરીત હાલતમાં છે. હાલ અહિં ડસ્ટબીન રાખવામાં આવ્યાં છે. જેથી તમામના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે, આ તે જૂનાગઢનો ટાઉન હોલ છે કે ગોડાઉન? જૂનાગઢમાં શામળદાસ ટાઉન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ અલગ-અલગ સંસ્થાઓ તેમજ ઘણા સરકારી કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હતા. પરંતુ હાલ શામળદાસ ગાંધી ટાઉનહોલમાં કચરા ટોપલીઓ ભરી દેવામાં આવી છે જેના કારણે આ ટાઉનહોલ ઓછો અને ગોડાઉન વધારે દેખાય છે. આ મામલે વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યાં છે. ડસ્ટબિન મામલે જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે, શહેરનો શામળદાસ ગાંધી ટાઉન હોલ જ્યાં વર્ષોથી ઘણા કાર્યક્રમો થતા હતા તે હાલ બંધ હાલતમાં એટલા માટે છે કે આ મિલકત વર્ષો જૂની તેમજ આ મિલકત હાલ જર્જરીત થઈ ગઈ છે. ચાર વર્ષ પહેલા આ ટાઉનહોલનું 4 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું પરંતુ જર્જરીત મિલકત થઈ જવાના કારણે એ મિલકતમાં મેન્ટેનન્સનો વધુ ખર્ચ થાય છે. હાલમાં આ ટાઉનહોલમાં છત પરથી પોપડા ખરે છે અને અન્ય ક્ષતિઓ પણ છે. વધુમાં જણાવ્યું કે, આ ટાઉનહોલમાં કોઈ કાર્યક્રમ થાય તો જાનહાનીનો ભય છે. આ હોલનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ મંગાવવામાં આવ્યો છે. જે રિપોર્ટ આવ્યાં બાદ આ ટાઉનહોલનું શું કરવું તે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ડસ્ટબિનના એક લાખ સેટ મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 82 હજાર ડસ્ટબિનના સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જૂનાગઢના દરેક વોર્ડમાં જો મિલકતનો હાઉસ ટેક્સ ભર્યાની પહોંચ આપે તો તે લોકોને ડસ્ટબિન વિતરણ કરવામાં આવતું હતું. મહાનગરપાલિકા દ્વારા દરેક ઘર સુધી ડસ્ટબિન પહોંચાડવાના તમામ પ્રયત્નો કર્યા છે. કારણ કે સ્વચ્છતાને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુકો અને ભીનો કચરો અલગ આપવા માટે કામ કરી રહી છે. ડસ્ટબિનના 82 હજારથી વધુ સેટની વહેચણી કરવામાં આવી છે અને બાકીના જે સેટ વહેંચવાના બાકી હશે તે આ ટાઉનહોલમાં મૂકવામાં આવ્યા હશે. કચરા ટોપલિયો ટાઉનહોલમાં મૂકવામાં આવી છે તે બાબતે આજે જુનાગઢ મહાનગરપાલિકાના સત્તાધિશો દ્વારા પણ ટાઉનહોલની મુલાકાત લેવામાં આવી હતી. જુનાગઢ મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે, જુનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલમાં વર્ષ 21- 22 માં 4.50 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો હતો. થોડો સમય જતા જ આ ટાઉન હોલમાં પાણી પડવા માંડ્યું હતું. હાલ આ ટાઉનહોલનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નથી. તેમજ ફાયર એનઓસી પણ નથી. થોડો સમય પહેલા જ એક કરોડ રૂપિયાના ખર્ચે એ.સી ફીટ કરવામાં આવ્યાં હતા અને અન્ય રીનોવેશનનું કામ કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે, ગત ફેબ્રુઆરીમાં એક વર્ષ ટાઉનહોલનું પૂર્ણ થયું છે. હજુ સુધી એક પણ કાર્યક્રમ આ હોલમાં કરવામાં આવ્યો નથી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ ઘણો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે હજુ પણ આ બજેટમાં મજેવડી ખાતે ટાઉનહોલ બનાવવા માટેનું સૂચવી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારે પૈસાનો વેડફાટ કરી જનતાના પૈસાનું જૂનાગઢ મહાનગરપાલિકા પાણી કરી રહી છે. કારણ કે જે જુના ટાઉનહોલ છે તેને વ્યવસ્થિત શરૂ કરી નથી શકતા અને 12 કરોડના ખર્ચે નવા ટાઉન હોલ બનાવવાની જોગવાઈઓ કરવામાં આવી છે. અત્યારે ટાઉનહોલમાં કચરા ટોપલીઓ રાખવામાં આવી છે અને ગોડાઉન તરીકે આ ટાઉનહોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિરોધ પક્ષના નેતા તરીકે ટાઉનહોલની તમામ બાબતે તપાસ કરાવીશુ. તેમજ કચરા ટોપલીની જો વાત કરવામાં આવે તો 40 ટકા કચરા ટોપલીઓ જૂનાગઢની જનતાને હજુ પણ વિતરણ કરવાનું બાકી છે. એક તરફ જુનાગઢ મહાનગરપાલિકા સુકો અને ભીનો કચરો અલગ રાખવાની વાત કરે છે. પરંતુ લોકોને કચરા ટોપલી ન મળતા સુકો અને ભીનો કચરો પણ અલગ રાખવામાં મુશ્કેલી પડી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં પણ સુકો-ભીનો કચરો રાખવાની યોગ્ય વ્યવસ્થા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments