ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો નોંધાયો છે. ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધુ હોય છે તેવા સમયે જ લીંબુની અછત સામે ભાવ 100 રૂપિયાથી વધીને 150-200 રૂપિયે કિલો પહોંચી ગયો છે. જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે. ગુજરાતમાં શાકભાજીથી માંડીને શરબત, શેરડીના રસમાં વપરાતા લીંબુમાં 90 ટકાના તોતિંગ વધારાથી લીંબુ શિકંજી, શરબત લોકોના ખિસ્સા ખાલી કરાવશે. અમદાવાદ
અમદાવાદમાં 180-200 રૂપિયે કિલો ભાવ
ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા હોય છે, જ્યારે તબીબો દ્વારા પણ ઉનાળાની ગરમીથી બચવા માટે અને શરીરને ઠંડક તથા એનર્જી માટે લીંબુ શરબત પીવાનું જણાવાતું હોય છે. તેવામાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રિટેલ બજારમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ લીંબુના ભાવ 180થી 200 રૂપિયા કિલો અને કેટલાક દિવસ તો તેનાથી પણ વધુ ભાવમાં વેચાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે તેમાં પણ લીંબુનું સેવન વધતું હોય છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં મંદી ચાલી રહી છે તેમ અમદાવાદ APMC માર્કેટમાં લીંબુના હોલસેલ વેપારીએ જણાવ્યું હતું. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુનો ભાવ ઓછો
અમદાવાદના જમાલપુર ખાતે આવેલા APMC માર્કેટમાં લીંબુના હોલસેલ વેપારી ધવલભાઇ પ્રજાપતિ એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત 2 માર્ચ 2025થી આજ દિન સુધી લીંબુના ભાવમાં મંદી ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં માર્ચ મહિનામાં હોલસેલ બજારમાં લીંબુનો ભાવ 140થી 150 રહેતો હતો, પરંતુ આ વર્ષે સ્ટોરેજ વધી જતા લીંબુનો ભાવ છેલ્લા 25 દિવસથી 80થી 110 રૂપિયા ચાલી રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુનો ભાવ ઓછો છે, પરંતુ ગરમીને કારણે અને ટ્રાન્સપોર્ટેશનમાં બેથી ત્રણ દિવસ થઈ જતા હોય છે જેને કારણે હોલસેલ બજારમાં જે ભાવે લીંબુ વેચાય છે તેના કરતાં રિટેલ બજારમાં તેનાથી વધુ ભાવ રહેતો હોય છે. બગડી જવાને કારણે 20 કિલોએ ત્રણથી ચાર કિલો લીંબુ ખરાબ થઈ જતા હોય છે જેને કારણે રિટેલ બજારમાં લીંબુનો ભાવ વધુ રહે છે. આગામી દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતા નહિવત્
મહત્ત્વનું છે કે સામાન્ય દિવસો કરતાં ઉનાળાની ઋતુમાં લીંબુની માગ ખૂબ જ વધી જતી હોય છે. ઉનાળાની ઋતુમાં ગુજરાતીઓ લીંબુનું સેવન વધુ પ્રમાણમાં કરે છે તેવામાં અમદાવાદ APMC માર્કેટમાં સામાન્ય દિવસોમાં એટલે કે શિયાળા અને ચોમાસાની ઋતુમાં દરરોજ 40થી 50 ટન માલની આવક જાવક હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં 120થી 140 ટન લીંબુની માગ રહેતી હોય છે. તેથી આવક પણ વધી જતી હોય છે. તેવામાં આ વર્ષે લીંબુનો માલ અગાઉથી સ્ટોરેજ કરેલો હોવાથી વધુ માત્રામાં આવી રહ્યો છે. જેને કારણે હોલસેલ બજારમાં પ્રતિ કિલો 80થી 110 રૂપિયા લીંબુનો ભાવ ચાલી રહ્યો છે. હજુ પણ આગામી સાતથી આઠ દિવસોમાં લીંબુના ભાવમાં વધારાની શક્યતાઓ નહિવત્ છે. વડોદરા
લીંબુમાં ભાવવધારાએ ગૃહિણીઓનું બજેટ બગાડ્યું
ઉનાળાની સિઝનમાં લીંબુની ડિમાન્ડ વધતા વડોદરા શહેરમાં લીંબુના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. જેની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પડી રહી છે. વડોદરામાં અત્યારે 160થી લઈને 200 રૂપિયે કિલોના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. ભાવ વધે પણ લીંબુની ખરીદી બંધ નથી થતી
શાકભાજીના વેપારી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ લીંબુના પાકની સિઝન પૂરી થઈ ગઈ છે, જેથી અત્યારે મદ્રાસથી લીંબુની આયાત થઇ રહી છે. ટ્રાન્સપોર્ટેશનના કારણે પણ લીંબુનો ભાવ વધારે ચૂકવવો પડે છે. આ ઉપરાંત ઉનાળામાં લીંબુની ડિમાન્ડ પણ વધી જાય છે, તેને કારણે પણ લીંબુના ભાવમાં વધારો થાય છે. આગામી દિવસોમાં લીંબુના ભાવ વધશે કે ઘટશે તે અંગે કંઈ કહી શકાય નહીં. લીંબુની આવક વધારે થાય તો ભાવ ઘટે અને આવક ઓછી થાય તો ભાવ વધી શકે છે. અન્ય શાકભાજીના વેપારી રોહિતભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે માર્કેટમાં ક્વોલિટી પ્રમાણે 160 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીના લીંબુ મળે છે. ભાવમાં વધારો થતા લોકો 500 ગ્રામ લીંબુની જગ્યાએ 250 ગ્રામ લીંબુ ખરીદે છે. લીંબુમાં ભાવવધારાને કારણે લોકોની ખરીદ શક્તિ ઘટે છે. ઓછા તો ઓછા પણ લોકો લીંબુની ખરીદી જરૂરથી કરે છે. લીંબુના ભાવમાં ઘટાડો થાય તો અમને રાહત થાય-ગૃહિણી
ગૃહિણી ભાવનિકા ચૌહાણે જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો થઈ જતા અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. લીંબુના ભાવમાં ઘટાડો થાય તો અમને રાહત થઈ શકે છે. ઉનાળાના સમયમાં અત્યારે લીંબુ શરબત અને ઠંડા પીણાં બનાવવામાં લીંબુની જરૂર પડે છે. જોકે લીંબુના ભાવમાં ખૂબ વધારો થતાં અમે લીંબુ ખરીદવાનું ટાળીએ છીએ. લીંબુના ભાવ વધતા અમારું બજેટ ખોરવાઈ ગયું છે. રાજકોટ
એક જ મહિનામાં આશરે 90 %નો તોતિંગ વધારો
સમગ્ર દેશમાં લીંબુના ઉત્પાદનમાં ગુજરાત આંધ્રપ્રદેશ પછી બીજા ક્રમે છે છતાં રાજ્યમાં શાકભાજીથી માંડીને શરબત, શેરડીના રસમાં વપરાતા લીંબુની માગ ઉનાળામાં વધતી હોય છે. લીંબુના ભાવમાં છેલ્લા એક જ મહિનામાં આશરે 90 %નો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આજે પ્રતિ 20 કિલોના 1200થી 2700 સુધી પહોંચી ગયા છે. જે એક મહિના પૂર્વે 200થી લઇ 800 રૂપિયા ભાવથી હોલસેલ બજારમાં મળી રહ્યા હતા. આજે છૂટક બજારમાં લીંબુ 150થી 200 રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુની આવકમાં કોઈ મોટો ઘટાડો જોવા નથી મળ્યો અને દૈનિક 300 ક્વિન્ટલ જેટલી આવક થઇ રહી છે. જે આ વર્ષે શિયાળાની ઋતુમાં લગભગ 350 ક્વિન્ટલ જેટલી આવક રોજિંદા થતી હતી. રાજકોટમાં લીંબુનો ભાવ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ