પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડીમાંથી બે દિવસ પહેલાં કુડલા ગામના રંજન પટેલનો મૃતદેહ મળ્યો હતો. આજે (28 માર્ચે) પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આ હત્યા માતરીયા ગામના ભુવા દિલીપ ડામોરે કરી હતી. 32 વર્ષીય પરિણીતાએ પોતાના પતિને છોડી પ્રેમી સાથે રહેવા જીદ પકડી હતી. જેથી સાથે રહેવા ન માંગતા પ્રેમીએ બાધાના બહાને જંગલમાં બોલાવી, ગળું દબાવી પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. મહિનાથી રંજનબેનનો પતિ સાથે અણબનાવ હતો
મળતી માહિતી મુજબ, એક વર્ષ પહેલા રામાપીરના પાટ દરમિયાન રંજનબેન અને તેમના પતિ કેવળભાઈ મહાસુખભાઈ આરોપી દિલીપના ઘરે આવતા-જતા હતા. આ દરમિયાન રંજનબેન અને ભુવા દિલીપ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને ફોન પર વાતચીત કરતા અને રાત્રે કુડલા અને ડુમેલાવ ગામના જંગલમાં મળતા હતા. છેલ્લા એક મહિનાથી રંજનબેનનો તેમના પતિ સાથે અણબનાવ હતો. જેથી તેઓ પ્રેમી દિલીપ સાથે રહેવા માંગતા હતા. પરંતુ, દિલીપને આ મંજૂર ન હતું. આથી તેણે રંજનબેનને બાધા પૂરી કરવાના બહાને ડુમેલાવ ગામે બોલાવ્યા. ત્યાં તેણે પોતાના ઘરેથી લાવેલા સાયકલના બ્રેક વાયરનો ગાળિયો બનાવી તેમની હત્યા કરી નાખી હતી. ભુવાએ રાત્રે મળવાના બહાને બોલાવી હત્યા કરી
ડી.વાય.એસ.પી એન. વી. પટેલે જણાવ્યું હતું કે, આરોપીને મૃતક મહિલા સાથે પ્રેમસબંધ હતો. જો કે, તે પરણીત હોવાથી મહિલા સાથે રહેવા માંગતો ન હતો. પરંતુ, મહિલા તેના પતિને છોડીને આરોપી સાથે રહેવા વારંવાર જીત કરતી હતા. જેથી તેનાથી કંટાળીને આરોપી ભુવાએ તેને રાત્રે મળવાના બહાને બોલાવી ગળું દબાવી તેની હત્યા કરી દીધી હતી. આરોપી વ્યવસાયે ભુવો હોય, વિધિ માટે શ્રીફળ અને ફૂલનો હાર વગેરે વસ્તુઓ પોતાની સાથે લઇને ફરતો હતો. જો કે, કોઇ વિધિ કરીને હત્યા કરવામાં આવી હોય તેવું તપાસમાં બહાર આવ્યું નથી. અવારનવાર રાત્રિના જંગલમાં મળવા જતાં હતા
આરોપી દિલીપ ગલાભાઈ ડામોર (રહે.માતરીયા)ની પૂછપરછમાં તે ભાગી પડ્યો હતો અને તેણે ગુનો કબૂલ કરતાં જણાવ્યું હતું કે, આજથી એક વર્ષ પહેલાની વાત છે. આ રંજનબેન તથા તેમના પતિ રામાપીરના પાટ માટે મારા ઘરે આવતાં જતાં હતા. તે દરમિયાન મારી રંજનબેન સાથે આંખો મળી હતી. હું રંજનબેનને આર્થિક સહાય પણ કરતો હતો. અમારો પ્રેમસબંધ બંધાયો તે પછી અમે એકબીજા સાથે ફોનથી વાતો કરતા હતા. ખાનગીમાં રાત્રિના સમયે કુડલા અને ડુમેલાવ ગામે જંગલમાં રાજીખુશીથી મળવા જતાં હતા. ‘તમે મને લઇ જાઓ, તમે મને લઇ જાઓ’ એક જ રટણ
રંજનબેન તેમના પતિ સાથે રહેવાની ના પાડતાં હતા. તે બસ એક જ વાત કહેતા હતા કે, તમે મને લઇ જાઓ, તમે મને લઇ જાઓ. પણ, મારે તેને લઇ ના જવી હોય, મેં મારા ઘરેથી મારા છોકરાની તુટેલી સાયકલના બ્રેકનો વાયર લઇ રાત્રિના સમયે બાધા પુરી કરવાના બહાને તેને ડુમેલાવ ગામે જ્યાં અમે દર વખતે મળતા હતા, ત્યાં બોલાવી હતી. જ્યાં મેં તેના ગળામાં સાયકલની બ્રેકના વાયરનો ગાળીયો બનાવી તેને મારી નાખી હતી. શું હતો સમગ્ર મામલો?
બે દિવસ પહેલાં ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડી પાસેથી 32 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાની ઓળખ રંજનબેન કેવળભાઈ પટેલ તરીકે થઈ હતી. રાત્રે આઠ વાગ્યે રંજનબેને તેના ભાઈ સંજયકુમાર પટેલ સાથે છેલ્લી વાત કરી હતી. સવારે તેના પતિ કેવળભાઈ મહાસુખભાઈ બે બાળક સાહિલ અને રયાંસને લઈને મહિલાના પિયર સંજયકુમારના ઘરે આવ્યા હતા. પરિવારજનોએ શોધખોળ શરૂ કરી અને સવારે અગિયાર વાગ્યાની આસપાસ રંજનબેનનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની પાસે શ્રીફળ અને ફૂલના હારનો ટુકડો મળી આવ્યો હતો. મૃતદેહના મોઢા અને ગરદનમાંથી લોહી નીકળેલું જોવા મળ્યું હતું.