આજે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેની અસર થાઇલેન્ડમાં પણ અનુભવાઈ હતી. થાઈલેન્ડની રાજધાની બેંગકોક ખાતે મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. જ્યાં ઇમારતો પણ તૂટી પડી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. ભૂકંપમાં બચેલા ગુજરાતીઓએ ભયાનક માહોલ વર્ણવ્યું હતું. ભૂકંપના પગલે હોસ્પિટલમાંથી બેડ અને વ્હીલચેર સાથે દર્દીઓ રસ્તાઓ પર આવી ગયા હતા. બિલ્ડીંગોમાં તિરાડો જ તિરાડો દેખાઈ રહી હતી અને સીલીંગ પણ તૂટી પડી હતી. 300 ગુજરાતી પરિવાર બેંગકોકમાં રહે છે
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. એક અંદાજ પ્રમાણે 300 જેટલા ગુજરાતી પરિવાર બેંગકોકમાં રહે છે. 100 જેટલા પરિવાર સુરતના છે. આ તમામ લોકો અલગ-અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મોટેલ, મોલ સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બેંગકોકની ડાયમંડ સ્ટ્રીટ ખાતે મોટી સંખ્યામાં સુરતીઓ રહે છે. આજરોજ આવેલા ભૂકંપમાં હજુ સુધીમાં કોઈ ગુજરાતીઓ સાથે કોઈ મોટી ઘટના બની હોય એવા સમાચાર હજુ સામે આવ્યા નથી. ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા
કેતનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભૂકંપ આવ્યો ત્યારે માહોલ ખૂબ જ ખરાબ હતો. આટલો તીવ્રતાનો ભૂકંપ મેં પહેલી વાર જોયો છે. મોટી-મોટી બિલ્ડિંગોમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ હતી. તમામ લોકો બચવા માટે બિલ્ડીંગો પરથી નીચે ઉતરીને રસ્તાઓ પર આવી રહ્યા હતા. હું જે ઊંચી બિલ્ડીંગમાં 14માં માળ પર રહું છું ત્યાં પણ મોટી-મોટી તિરાડો પડી ગઈ હતી. ભૂકંપના કારણે ખૂબ જ ડરી ગયા હતા અને તાત્કાલિક ભાગીને નીચે ઉતરી ગયા હતા. સ્વિમિંગ પૂલથી પાણી પણ ધોધની જેમ વહેતું જોયું
હું જે બિલ્ડીંગમાં રહું છું તે બિલ્ડીંગના મોટાભાગના ફ્લોર પર સીલીંગમાંથી મોટા-મોટા પોપડાઓ નીચે પડી ગયા હતા. ભૂકંપ બાદ સ્થિતિ સામાન્ય થયા બાદ અમે ઉપર ગયા હતા. તમામ માળોમાં તિરાડો પડી ગઈ હતી. ઘણા લોકોએ તો પોતાની નજરોની સામે બિલ્ડીંગ પર આવેલા સ્વિમિંગ પૂલથી પાણી પણ ધોધની જેમ વહેતું જોયું હતું. હાલ તો સ્થિતિ થોડી સામાન્ય થઈ છે અને પરિવારને લઈને ગાર્ડનમાં આવ્યા છીએ. હોસ્પિટલોમાંથી દર્દીઓ બેડ-વ્હીલચેર સાથે રસ્તા પર આવ્યા
બિલ્ડીંગ પરથી પરિવારની સાથે નીચે ઉતરતાની સાથે જ રસ્તાઓ પર લોકો જ નજરે પડી રહ્યા હતા. તમામના ચહેરા ઉપર ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. દૂર-દૂરથી ધડાકાઓના અવાજો પણ આવી રહ્યા હતા. કઈ મોટી વસ્તુઓ પડતી હોય તે પ્રકારનો અવાજ હતો. ડાયમંડ સ્ટ્રીટ ખાતે આવેલી મોટાભાગની હોસ્પિટલોમાંથી દર્દીઓને બેડ અને વ્હીલચેર સાથે નીચે ઉતારીને રસ્તાઓ પર લઈ આવવામાં આવ્યા હતા. આ તમામ લોકો ખૂબ જ ડરી ગયા હતા.