રાજકોટનાં નવા 150 રિંગરોડ પર આવેલા રંગોલી પાર્ક ખાતે ફાયરના અપૂરતા સાધનો હોવાને કારણે 5,000 લોકો ભયના ઓથાર હેઠળ હોવાનો અહેવાલ ગત 16 માર્ચ, 2025ના રોજ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના પડઘા પડ્યા છે અને રાજકોટ મહાપાલિકા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં બીજા જ દિવસે સર્વે કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 દિવસમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની આ આવાસ યોજનામાં 300 જેટલા ફાયર એક્સટિંગ્વિશર બદલવામાં આવ્યા છે. તેમજ અન્ય પ્રશ્નોનાં ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો હતો. સ્થાનિકોએ નિયમ પ્રમાણે કાર્યવાહીની માગ કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ, એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યા બાદ રાજકોટનાં નવા 150 ફૂટ રિંગ રોડ પરની રંગોલી આવાસ યોજનામાં 5,000થી વધુ લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ આવાસ યોજનામાં 1164 ફ્લેટ અને 14-14 માળનાં ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આમ છતાં ફાયરના સાધનો અપૂરતા હતા. એટલું જ નહીં ફાયર ફાઈટર ટર્ન કરવા પૂરતી જગ્યા પણ રાખવામાં આવી નથી. અહીં કંડિશનલ બીયું સર્ટિફિકેટનાં આધારે ફાયર એનઓસી મેળવી લેવાયુ છે. પરંતુ જો આ બિલ્ડિંગનાં ઉપરનાં માળે આગ લાગે તો બુઝાવવી અઘરી પડે તેમ છે. મનપા દ્વારા પણ અગાઉ નોટિસો આપવામાં આવી છે, છતાં કોઈ ચોક્કસ પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિકોએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની માગ દિવ્ય ભાસ્કરનાં માધ્યમ દ્વારા કરી હતી. દિવ્ય ભાસ્કરના અહેવાલના બીજા દિવસે સર્વે થયોઃ ભીખાલાલ
રંગોલી આવાસનાં અગ્રણી ભીખાલાલ ભોગયતાએ જણાવ્યું હતું કે, દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા તરત જ તેના પડઘા પડ્યા છે. બીજા જ દિવસે અહીં ફાયરની ટીમ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમજ છેલ્લા દસેક દિવસમાં એક બિલ્ડીંગનાં 15 મળીને 14 બિલ્ડીંગનાં કુલ 250 કરતા વધુ ફાયરના બાટલા બદલવામાં આવ્યા છે. અહીં તમામ ફાયરના બાટલા નવા નાખવામાં આવતા જોખમ ઘટ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે આ માટે રજૂઆતો કરતા હતા. પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નહોતા જોકે દિવ્યભાસ્કરનાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અને તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ‘પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં દર વર્ષે કોર્પોરેશન દ્વારા ઉનાળામાં સર્વે કરી પાણીના ટેન્કરો ફાળવવામાં આવે છે. આ વખતે પાણીના ટેન્કરો માટેની રજૂઆત ગત તારીખ 20 માર્ચના રોજ કરવામાં આવી હતી, તેમ છતાં આ મામલે અત્યાર સુધી કોઈ સર્વે પણ કરવામાં આવ્યો નથી. ઉનાળામાં પાણીના તળ ઊંડા ઉતરી જતા હોવાથી અહીં 1164 ફ્લેટમાં રહેતા હજારો લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે આ મામલે પણ તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી અમારી માગ છે. પાણી મામલે અમારી સાથે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે. તો આ સમસ્યા પણ તાત્કાલિક ઉકેલવામાં આવે તે જરૂરી છે. 300 જેટલા ફાયર એક્સટિંગ્વિશર બદલી દેવાયાઃ સુરેશભાઈ
સુરેશભાઈ નામના અન્ય એક સ્થાનિકે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં ફાયરના અપૂરતા સાધનો હોવાને કારણે અમે અનેક રજૂઆતો કરી હતી. છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નહોતો. પરંતુ દિવ્ય ભાસ્કરમાં આ અંગે અહેવાલ પ્રકાશિત થતા તરત જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હાલ તમામ 14 બિલ્ડિંગનાં મળી 250-300 જેટલા જુના-પુરાણા ફાયર એક્સટિંગ્વિશર બદલીને નવા મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે હવે અમારી બાકી રહેલી પાણી સહિતની માંગ સંતોષવામાં આવે તે જરૂરી છે. ગણતરીના દિવસોમાં કામ થતાં લોકોએ દિવ્ય ભાસ્કરનો આભાર માન્યો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં થયેલા એટલાન્ટિસ એપા. અગ્નિકાંડ બાદ રંગોલી પાર્કનાં રહેવાસીઓ દ્વારા ફાયર માટેની જરૂરી સુવિધા રંગોલી પાર્કમાં ન હોવાનું તેમજ સાધનો એક્સપયાર થયેલા કે અપૂરતા હોવાનું જણાવ્યું હતું. આ અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક અહીં બાટલા બદલવામાં આવ્યા છે. તેમજ અન્ય કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક રજૂઆતો છતાં નહીં થયેલું કામ ગણતરીના દિવસોમાં થતા અહીં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અને સ્થાનિકોએ પાણીના ટેન્કર શરૂ કરવા માંગ પણ આજે ઉઠાવી છે. ત્યારે આ મામલે તંત્ર ક્યારે પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે.