કોઇ દિવસ એવું અનુભવ્યું છે કે કંઇ જોયા બાદ સખત મૂંઝારો થાય, મગજ સુન્ન થઇ જાય, ગળામાં ડૂમો ભરાઇ જાય જે બહાર ન નીકળી શકે અને તમને તમારા પોતાના અસ્તિત્વ વિશે શંકા પેદા થવા મંડે? આવો અનુભવ હમણાં થયો નેટફ્લિક્સ પરના બ્રિટિશ શો ‘એડોલસન્સ’ જોયા પછી. એ શોએ અસ્તિત્વ પર એવો મૂઢ માર માર્યો કે એ જોયો ગયા અઠવાડિયે પણ એની કળ છેક હવે વળી. 13 માર્ચ, 2025ના દિવસે ટેલિકાસ્ટ થયેલી આ મિની સિરીઝ પહેલા દિવસે જ લાખો લોકો એ જોઇ, એના પર હજારો રીવ્યૂ લખાયા, OTT પર આવેલો એક શ્રેષ્ઠતમ શો છે એમ કહીને વખાણ થયા. એના ટેકનિકલ પાસાંઓની ખૂબ ચર્ચા થઇ, એ બધું હવે ઘણા બધા જાણતાં હશે. પણ 18 વર્ષના ટીનએજ દીકરાની મા તરીકે આ સિરીઝ જોતા જે અનુભવ્યું એ વિશે વાત કરવી છે. અમેરિકા જેવા દેશમાં બાળકને ઉછેરવાની ચેલેન્જ
મને મારો દીકરો નાનો હતો, ત્યારે પણ એક વર્કિંગ પેરન્ટ અને ન્યૂક્લિઅર ફેમિલી તરીકે અમેરિકા જેવા દેશમાં બાળકને ઉછેરવાનું ચેલેન્જીંગ લાગેલું કે લાગે છે અને આ વાત મેં મારા મિત્રો અને કુટુંબીજનોને વારંવાર કહી પણ છે પરંતુ ‘એડોલસન્સ’ સિરીઝ એ ચેલેન્જ અને ડરને શબ્દો આપે છે અને જાણે ડિફાઇન કરી આપે છે! સોશિયલ નેટવર્કિંગ સાઇટના કારણે ગુનો કર્યો
એડોલસન્સમાં 13 વર્ષનો છોકરો સોશિયલ નેટવર્ક સાઇટની અસરને કારણે એક ક્રાઇમ કરી બેસે છે. જુવેનાઇલ હોમમાં જાય છે. એની અને એના પેરેન્ટ્સની આ સ્થિતિ સાથેના ઇમોશનલ સંઘર્ષની વાત છે. આ વાત આપણે ઘણી ફિલ્મ્સ કે સિરીઝમાં આગળ જોઇ ચૂક્યા છીએ પણ આ શો ઘણા બધા વેધક સવાલ ઊભા કરે છે. ટેકનોલોજીના અતિરેકની, સોશિયલ નેટવર્કિંગના ઉપયોગ અને દુરુપયોગની, એના દ્વારા ઠલવાતી સાચી ખોટી માહિતીના પરિણામોની અને એ બધાની પેરેન્ટિંગ અને બાળક પર થતી અસરની. સવાલ ઊભો કરે છે કે જે શાળા અને મિત્રો સાથે બાળક દિવસના વધારેમાં વધારે કલાકો વિતાવે છે એ જગ્યા સલામત છે? એના બધા મિત્રો સારા અને સલામત જ છે? આપણું બાળક ત્યાં બુલી તો નથી થતું ને અને એની તેના પર શું અસર થાય છે? આજના યુગમાં લાઇક્સ-કોમેન્ટ્સ મેળવવાનું પ્રેશર
13 વર્ષનું બાળક કે જે પ્યુબર્ટીમાં પગ મૂકે છે અને જેના પર હવે ફક્ત ભણતરનું પ્રેશર નથી પણ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે સ્નેપ ચેટ જેવી એપ્સ પરથી ઠલવાતી માહિતી, એના પર મળતી લાઇક્સ અને કોમેન્ટ્સ અને એના દ્વારા વેલિડેશન મેળવવાનું પણ પ્રેશર છે આજના યુગમાં. સોશિયલ નેટવર્ક સાઇટના પરિણામો ખૂબ ઘાતક આવી શકે
આ ઉંમરે એક તો શરીરમાં હોર્મોન્સને કારણે ઘણા બધા બદલાવ આવી રહ્યાં હોય, પ્રબળ વિજાતીય આકર્ષણને કારણે દિલ અને દિમાગ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા પર હોય, એવા સમયે બાળક એમને મૂંઝવતા સવાલો ના જવાબ માટે મા-બાપ, શિક્ષક કે કોઇ વડીલના બદલે સોશિયલ નેટવર્કનો આધાર લે ત્યારે એના પરિણામો ખૂબ ઘાતક આવવાની શક્યતા છે. કારણ કે એ આ બધી એપ્સ વાપરતા તો શીખી જાય છે પણ એને એના પર ઠલવાતી માહિતીના મહાસાગરમાંથી સાચી ખોટી માહિતી તારવવાનું શીખવાડવામાં આવ્યું નથી હોતું. એને એ શીખવાડવામાં નથી આવતું હોતું કે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં ફોટો નીચે મળતી લાઇક્સ કે કોમેન્ટ્સ દ્વારા મળતું ક્ષણિક વેલિડેશન કરતાં પોતાની જાત પર નો કોન્ફિડન્સ વધારે અગત્યની વાત છે. એ શીખવાનું ચૂકી જાય છે કે આ વર્ચ્યુઅલ દુનિયા, આ બધી એપ્સ અને સોશિઅલ નેટવર્ક એ એક ટૂલ છે, સાધન છે. જેનો વ્યાજબી ઉપયોગ કેરિઅર કે શિક્ષણ કે કોન્ટેક્ટ્સ બનાવવા માટે કરવાનો છે એ આપણો ઉપયોગ કરી જાય એવું નથી થવા દેવાનું! ટેકનોલોજીના યુગમાં બાળક પોતાના રૂમમાં પણ સલામત નથી!
એડોલસન્સ સિરીઝમાં બતાવવામાં આવ્યું છે એમ વર્કિંગ પેરેન્ટ્સ, એમના બાળક ને વ્યસ્ત રાખવા કે એની માંગણી પૂરી કરવા એને કોમ્પ્યુટર અપાવે, બધી ગેઝેટ્સ અપાવે પણ પછી એ લોકો એ ચેક કરવાનું ભૂલી જાય છે કે, આ બધામાં વ્યસ્ત બાળક, દુનિયા આખી સાથે કનેક્ટ થઇ જાય છે પણ પોતાની જાતથી, રિયલ મિત્રો, ફેમિલી અને સોસાયટીથી ડિસ્કનેક્ટ થતું જાય છે! આપણે વડીલ તરીકે માનીએ છીએ કે બાળક ઘરમાં જ છે ને પણ એ ખ્યાલ ઝટ નથી આવતો કે ટેકનોલોજીના આ યુગમાં બાળક પોતાના રૂમમાં પણ સલામત નથી! એડોલસન્સ સિરીઝમાં બાળક ગુનો આચર્યા પછી જેલમાં જાય છે ત્યારે મા-બાપ પોતાની જાતને સવાલ પૂછે છે કે આપણે પેરેન્ટ્સ તરીકે ક્યાં ચૂક્યા? પણ એક બાળક કે જે ઘર કે મા-બાપ કરતાં શાળા, અલગ અલગ ક્લાસિસ, મિત્રો અને ગેઝેટ્સ સાથે વધારે કલાકો ગાળે છે ત્યારે શું ફક્ત મા-બાપ જ કંઇ ખોટું કરી રહ્યા છે? એક સમાજ તરીકે આપણે સૌ પણ ક્યાંક જવાબદારી ચૂકી નથી જતા?