ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન પુરાતન વિભાગને એક રહસ્યમય માનવ કંકાલ મળ્યું હતું. જે તે સમયે આ કંકાલ કોઈ બૌદ્ધ સાધુનું અથવા સંન્યાસી કે યોગ સાધકનું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે, આ રહસ્યને ઉજાગર કરવા માટે હાંડકાનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો લખનઉથી રિપોર્ટ આવ્યો છે. જેમાં આ વ્યક્તિએ જીવતા જ સમાધી લીધી હોવાનો ખુલાસો થયો છે.
કંકાલના દાંત અને કાનના હાડકાંનો DNA ટેસ્ટ કરાયો
વડનગરમાં ધરબાયેલા ઇતિહાસને ઉજાગર કરવા ચાલી રહેલી ઉત્ખનન દરમિયાન વર્ષ 2019માં એક રહસ્યમય માનવ કંકાલ મળ્યું હતું. આ કંકાલ યોગ મુદ્રાની સ્થિતિમાં મળ્યું હતું, જે લગભગ 1000 વર્ષ જૂનું હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં એવું માનવામાં આવતું હતું કે, આ કંકાલ કોઈ સાધુ, સંન્યાસી કે યોગ સાધકનું હોઈ શકે છે. વધુ સચોટ માહિતી મેળવવા માટે કંકાલના દાંત અને કાનના હાડકાંનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કંકાલને હજુ સુધી મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી
લખનઉથી આવેલા DNA રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આ વ્યક્તિએ સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાની શક્યતા છે. યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વાતને સમર્થન આપે છે. હાલમાં આ ઐતિહાસિક મહત્વ ધરાવતા કંકાલને હજુ સુધી મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી. આ શોધ વડનગરના પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરા પર નવો પ્રકાશ પાડે છે. વર્ષ 2017માં ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યાં હતા
ઉલ્લેખનીય છે કે, વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક વર્ષ 2017માં ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યાં હતા જે પૈકી સાત કંકાલના ડીએનએ પરથી જાણવા મળ્યું હતું કે, એક કંકાલ કઝાકિસ્તાની નાગરિકનું છે. ભારતના ડીએનએ ગ્રૂપ સાથે આ કંકાલ મેચ થતું ન હતું. આ કંકાલ U2e ગ્રૂપનું એટલે કે યુરોપ અને મધ્ય એશિયાના દેશો સાથે મેચ થાય છે તેવું સંશોધન પરથી સાબિત થયું છે. ભારતના ડીએનએ ગ્રૂપની વાત કરીએ તો એમ18, એમ30 અને એમ 37 ડીએનએ ગ્રૂપ છે. જે આ કંકાલને મળતાં આવતાં નથી. આના પરથી કહી શકાય કે વડનગરમાં 16મીથી 17મી સદી દરમિયાન વિવિધ ધર્મના લોકો રહેતા હતા. વ્યાપાર કે ધાર્મિક કારણોસર અહીં લોકો વસવાટ કરતા હોવા જોઈએ. બહારના દેશોમાંથી લોકો ભારતના જુદાં જુદાં રાજ્યોમાં રહેતા હોવાનું પણ વડનગરમાંથી મળેલા કંકાલ પરથી નક્કી કરી શકાય તેમ એએસઆઇના અભ્યાસમાં બહાર આવ્યું હતું. વડનગરનો મુખ્ય વિસ્તાર ઈંટથી બનેલી કિલ્લેબંધીથી ઘેરાયેલો
વડનગર 2700 વર્ષથી માનવ વસવાટનો લાંબો અને સતત ઇતિહાસ દર્શાવે છે. આ નગર તેની પ્રાચીનતાના સંદર્ભમાં વારાણસી શહેર (કાશી) અને ઈન્દ્રપ્રસ્થ જેવી સાંસ્કૃતિક વિવિધતાના મોટા અંતરની વાર્તા કહે છે. હાલના વડનગરનો મુખ્ય વિસ્તાર ઈંટથી બનેલી કિલ્લેબંધી (અંશતઃ પથ્થરનો બનેલો)થી ઘેરાયેલો છે. જે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણમાં 700 મીટરના વિસ્તારને આવરી લે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા 2014થી 2022 સુધી સતત આઠ ક્ષેત્રીય ઋતુઓ સુધી ફેલાયેલ વડનગરમાં ખોદકામ પ્રી-રેમ્પાર્ટ સમયગાળા (2જી સદી પૂર્વે)થી અત્યાર સુધીની સાત સંસ્કૃતિઓનો અતૂટ ક્રમ પ્રકાશમાં લાવે છે. દરેક સાંસ્કૃતિક સમયગાળો વિવિધ સમયગાળા દરમિયાન વડનગરમાં જટિલ અને સમૃદ્ધ વસાહતનું વર્ણન પ્રદાન કરે છે. ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો હતો
અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો હતો. દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે 1000 થી 1200 વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. નોંધનીય છે કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ ધરબાયેલા છે. બુર્જ પરથી સૈનિકો દુશ્મન પર નજર રાખતા. તેમજ શહેરની સુરક્ષા માટે કોટ પણ બનાવાયા હતા.