સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે. ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવી જ ઘટના હવે ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા સાથે બની છે. તેમના નામનું ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બન્યું હોવાથી તેમણે ફેસબુક પોસ્ટ મૂકીને ફેક આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે. ફેક એકાઉન્ટથી ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ: પ્રફુલ્લ પાનશેરિયા
પ્રફુલ્લ પાનશેરિયાએ ફેસબુકમાં પોસ્ટ મૂકી લખ્યું છે કે, મારા નામથી ગતરાત્રે (27 માર્ચ, 2025) 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. કોઈ અજાણ વ્યક્તિએ મારા ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મેં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે. આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈ પણ સંદેશા અથવા માગણીઓ પર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઈલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહિ. ‘પ્રોફાઇલને ક્લિક કરીને રિપોર્ટ કરવા અપીલ’
હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો, તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો. તેમજ નીચે ફેક ફેસબુક લિંક આપેલ છે, જેના પર આપ સૌ આ પ્રોફાઇલને ક્લિક કરીને રિપોર્ટ-સ્પામ કરશો. ઠગો દ્વારા ફેક ફેસબુક ID બનાવી મદદના નામે લૂંટ
મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રીએટ કરીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે. આ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક એકાઉન્ટ બાન્યું હતું.