સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી સામે ગુજરાત પોલીસે દાખલ કરેલી FIR રદ કરી દીધી છે. આ FIR ‘એ ખૂન કે પ્યાસે બાત સુનો’ કવિતા સંબંધિત તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અંગે દાખલ કરવામાં આવી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ભાર મૂકતા પોલીસ અને નીચલી અદાલતોની સંવેદનશીલતા પર સવાલો ઉઠાવ્યા હતા. ન્યાયાધીશ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે કહ્યું, ‘કોઈ ગુનો થયો નથી. જ્યારે આરોપો લેખિતમાં હોય, ત્યારે પોલીસ અધિકારીએ તેને ધ્યાનથી વાંચવું જોઈએ. બોલાયેલા શબ્દોનો સાચો અર્થ સમજવો મહત્વપૂર્ણ છે. આ કવિતા હિંસાનો કોઈ સંદેશ આપતી નથી, પરંતુ તે અહિંસાને પ્રોત્સાહન આપે છે.’ જસ્ટિસ ઓકાએ પોલીસની કાર્યશૈલી પર કહ્યું, ‘બંધારણના 75 વર્ષ પછી પણ પોલીસે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્વ સમજવું જોઈએ. મોટી સંખ્યામાં લોકો નાપસંદ કરે તો પણ આ અધિકારનું રક્ષણ થવું જોઈએ.’ કવિતામાં કંઈ વિવાદાસ્પદ નથી- સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ અભય ઓકાએ કહ્યું કે, જો ન્યાયાધીશોને કોઈ વાત પસંદ ન હોય તો પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાને બંધારણીય રક્ષણ આપવું જરૂરી છે. વાણી સ્વાતંત્ર્ય એ સૌથી મૂલ્યવાન અધિકારોમાંનો એક છે. જ્યારે પોલીસ તેનો આદર નથી કરતી, ત્યારે અદાલતોએ દખલ કરવી જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. કોર્ટે કહ્યું કે, ઘણા લોકો બીજાના વિચારોને નાપસંદ કરે છે, પરંતુ વ્યક્તિના પોતાના વિચારો વ્યક્ત કરવાના અધિકારનું સન્માન અને રક્ષણ થવું જોઈએ. કવિતા, નાટક, ફિલ્મ, વ્યંગ અને કલા સહિતનું સાહિત્ય માનવ જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. 46 સેકન્ડના વીડિયો પર FIR દાખલ કરવામાં આવી હતી
એફઆઈઆરમાં આરોપ છે કે ઈમરાન પ્રતાપગઢીએ 29 ડિસેમ્બરે પોતાના એક્સ-હેન્ડલ પર કવિતાનો 46 સેકન્ડનો વીડિયો ક્લિપ પોસ્ટ કર્યો હતો. બેકગ્રાઉન્ડમાં ‘એ ખૂન કે પ્યાસે બાત સુનો’ ગીત વાગી રહ્યું હતું. જામનગરમાં આયોજિત સમૂહ સગાઈ સમારોહમાં હાજરી આપ્યા બાદ ઈમરાન પ્રતાપગઢીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી હતી. હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નહીં
પ્રતાપગઢી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 196 (ધર્મ અથવા જાતિના આધારે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું) અને 197 (રાષ્ટ્રીય એકતાને પ્રતિકૂળ નિવેદનો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રતાપગઢીએ અગાઉ FIR રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ 17 જાન્યુઆરીએ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, તપાસ શરૂઆતના તબક્કામાં છે અને પ્રતાપગઢીએ તપાસમાં સહકાર આપ્યો નથી. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પ્રતાપગઢીએ કહ્યું- કવિતા પ્રેમ અને અહિંસાનો સંદેશ આપે છે
પ્રતાપગઢીની આ વીડિયો ક્લિપમાં તેમના પર ફૂલોની પાંખડીઓનો વરસાદ થતો જોવા મળે છે, જ્યારે તેઓ હાથ હલાવતા ચાલે છે અને પૃષ્ઠભૂમિમાં એક ગીત વાગી રહ્યું છે. પ્રતાપગઢીએ એફઆઈઆર રદ કરવાની અરજીમાં દાવો કર્યો હતો કે પૃષ્ઠભૂમિમાં વાંચવામાં આવતી કવિતા પ્રેમ અને અહિંસાનો સંદેશ આપે છે.