સુરતના બમરોલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. કારચાલક બમરોલી રોડ પર બાઈક પર સવાર પરિવારને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માતની ઘટનામાં પતિ-પત્ની અને બાળકને ઈજા પહોંચી હતી. ત્યારે લોકોના ટોળાએ અડધો કિમી દૂર પીછો ભાગી છૂટેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો અને મેથીપાક આપ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોએ કારચાલક પોલીસ હવાલે કર્યો હતો. બાઈક સવાર દંપતી અને બાળકીને ટક્કર મારી
સુરત શહેરમાં વેગેનઆર (નં. GJ 05 JK 1028)ના ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતી અને તેમની બાળકીને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય લોકો રોડ પર પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. લોકોએ અડધો કિમી પીછો કરી ચાલકને પકડી પાડ્યો
આ અકસ્માત બાદ કારચાલક ત્યાં ઉભો રહેવાની જગ્યાએ ફૂલ સ્પીડમાં કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે, ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ તેનો પીછો કર્યો અને લગભગ અડધો કિલોમીટર સુધી પીછો કરી તેને અલથાણ વીઆઇપી રોડ પરથી પકડી પાડ્યો હતો. લોકોએ કારચાલકને મેથીપાક આપ્યો હતો અને પોલીસને જાણ પણ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
અલથાણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, અકસ્માત પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં થયો હતો તેથી પાંડેસરા પોલીસને આરોપી સોંપી દેવામાં આવ્યો છે. હવે પાંડેસરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે માટે મેડિકલ તપાસની પણ તજવીજ હાથ ધરાઈ છે.