સુરત દુષ્કર્મ કેસમાં 6 મહિના માટે હંગામી જામીનની દાદ માંગતી આસારામની જામીન અરજી પર(25 માર્ચ,2025) હાઇકોર્ટ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. તમામ પક્ષોની રજૂઆતના અંતે હાઇકોર્ટે જામીન અરજીમાં ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યાર બાદ આજે(28 માર્ચ, 2025) ફરી સુનાવણી થઈ હતી. ડબલ જજની બેંચમાં બે જજના મંતવ્ય અલગ અલગ રહ્યા હતા. એક જજે 3 મહિનાના જામીન આપવા મંતવ્ય આપ્યું હતું. જ્યારે બીજા જજનો અભિપ્રાય અલગ હતો. જેથી ખંડિત ચુકાદો આવ્યો હતો. હવે ચીફ જજ નક્કી કરશે કે કયા જજની બેન્ચ સમક્ષ અરજી મુકાશે. આગામી ત્રણ દિવસ હાઇકોર્ટમાં શનિ, રવિ અને સોમવારે ઇદની રજા છે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં 2023માં સેશન્સ કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષે જાન્યુઆરીમાં આસારામને તબીબી કારણોસર 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમે ઑર્ડરમાં કહ્યું હતું કે તેને લંબાવવા સંલગ્ન હાઇકોર્ટમાં અરજી કરી શકાશે, એટલે આસારામે હાઇકોર્ટ સમક્ષ વધુ 06 મહિનાના જામીન માંગ્યા છે. 86 વર્ષના આસારામને 85 ટકાથી વધુના ત્રણ બ્લોકેજ
આસારામના વકીલે જામીન અરજીમાં કહ્યું હતું કે આસારામ 86 વર્ષનો છે અને 85 ટકાથી વધુના ત્રણ બ્લોકેજ(હ્રદય સંબંધિત બીમારી) છે. તેની કથળેલી તબિયતને જોતાં જ સુપ્રીમે તેને હંગામી જામીન આપ્યા હતા. તેનું AIMS જોધપુરમાં ચેકઅપ થયું હતું, 29 જાન્યુઆરી, 2025ના રોજ અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાર બાદ બાદમાં તેને આયુર્વેદિક તબીબોને બતાવ્યું હતું. ઉજ્જૈનમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ થવાની છે. 15 માર્ચે ઉજ્જૈન ગયો હતો અને હવે 14 દિવસ પછી તેને પાછું બતાવવા જવાનું છે. જેલમાં મેડિકલ સુવિધાઓ લિમિટેડ હોય છે. પસંદગીની હોસ્પિટલમાં સારવારનો હક્ક આપી શકાય નહીં: સરકારી વકીલ
તો બીજી તરફ સરકારી વકીલે આસારામની જામીન અરજીના વિરોધમાં કહ્યું હતું કે, અરજદારની અરજીમાં જણાવેલી બીમારીઓ મેડિકલ ડોક્યુમેન્ટ્સ દ્વારા ફલિત થતા નથી. જો કેદીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડે તો તે જેલ ઓથોરિટી નિર્ણય લઈ શકે છે. પસંદગીની હોસ્પિટલમાં સારવારનો હક્ક અરજદારને આપી શકાય નહીં. અરજદારનું બ્લડ પ્રેશર નોર્મલ છે, કોઈ વિશિષ્ટ સારવારની ડોકટરોએ જરૂરિયાત દર્શાવી નથી. 30 જૂન સુધી જામીન આપી શકાય: હાઇકોર્ટ
હાઇકોર્ટે નોંધ્યું હતું કે મેડિકલ રિપોર્ટ ક્રોસ ચેક કરાયા છે. તબીબી સારવારનો દરેકને હક્ક છે. ત્રણ મહિના એટલે કે 30 જૂન સુધી જામીન આપી શકાય. જેમાં તે સાધકોને મળે નહીં અને 03 પોલીસ કર્મચારી સાથે રહે. આસારામે ડોક્ટરનો સંપર્ક કર્યો પણ ફોલોઅપ ના લીધું
ડબલ જજની બેન્ચના જજ સંદીપ ભટ્ટે જામીન સામે અસહમતિ વ્યક્ત કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આસારામે અલગ અલગ જગ્યાએ અનેક ડોક્ટરોને સંપર્ક કર્યો, પણ ફોલોઅપ લીધું નથી. આસારામ આયુર્વેદિક હોસ્પિટલ ઉજ્જૈન ખાતે પંચકર્મ કરાવવાની વાત કરે છે. પરંતુ 7 જાન્યુઆરી 2025ના રોજ સુપ્રીમે તેને જામીન આપ્યા અને તેણે 1 માર્ચ, 2025ના રોજ ઉજ્જૈન હોસ્પિટલનો સંપર્ક કર્યો. ‘માત્ર હંગામી જામીન લંબાવવામાં રસ છે’
જજ સંદીપ ભટ્ટે દિલ્હી અને જમ્મુ કાશ્મીર હાઇકોર્ટના ચુકાદા ટાંક્યા અને કહ્યું કે, સુપ્રીમે આપેલા સમયનો ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરવાની જગ્યાએ અરજદારને માત્ર હંગામી જામીન લંબાવવામાં રસ છે. અરજદાર દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં દોષિત ઠર્યો છે. ગુજરાત હાઇકોર્ટના નિયમો અને CRPC મુજબ ડબલ જજની બેંચ દ્વારા વિભક્ત ચુકાદો આપવામાં આવે તો મેટરને ત્રીજા જજને રિફર કરવામાં આવે છે, તેને નિર્ણયને આધારે ચુકાદો આવે છે. બંને જજ વચ્ચે વિભક્ત ચુકાદાનો મુદ્દો આસારામના વકીલે હોસ્પિટલમાં સારવાર અંગેનું લિસ્ટ બતાવ્યું હતું
25 માર્ચે યોજાયેલી સુનાવણીમાં આસારામ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટે દલીલ કરતાં સુપ્રીમ કોર્ટના જાન્યુઆરીના આદેશની જાણ હાઇકોર્ટને કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે તેમની સમક્ષ થયેલી અરજીને ગુણદોષના આધારે મૂલવી નહોતી, પરંતુ તબીબી કારણોસર વચગાળાના જામીન આપવા માટે ફિટ કેસ માન્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ આસારામ નવેમ્બરથી લઇને આ વર્ષે જાન્યુઆરી સુધીમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા તેનું લિસ્ટ દર્શાવ્યું હતું અને AIIMS જોધપુરના એક અહેવાલ તરફ પણ કોર્ટનું ધ્યાન દોર્યું હતું. જેમાં એવું તારણ હતું કે દર્દીને કોરોનરી આર્ટરીની બીમારી હોવાથી તે હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. પંચકર્મની જરૂર હોવાનો ડોક્ટરના અભિપ્રાય તરફ પણ ધ્યાન દોર્યું
ત્યાર બાદ તેમણે ફેબ્રુઆરીના બે મેડિકલ રિપોર્ટ્સ તરફ ધ્યાન દોર્યું અને રજૂ કર્યું કે, આસારામને ખાસ નર્સિંગ કેર, દેખરેખ, નિયમિત ફોલો-અપ માટે એન્ડોક્રિનોલોજિસ્ટ અને નેફ્રોલોજિસ્ટની જરૂર છે. ત્યાર બાદ તેમણે રજૂઆત કરી હતી કે, ડોક્ટરોનો મક્કમ અભિપ્રાય છે કે આસારામને પંચકર્મ ઉપચારની જરૂર છે. જે 90 દિવસનો કોર્સ છે. વધુમાં એવી દલીલ આસારામ તરફથી કરવામાં આવી હતી કે અરજદારને સર્જરી અંગે પણ પૂછવામાં આવે છે. પરંતુ તેઓ 86 વર્ષના છે અને 75-80 વર્ષની ઉંમર પછી આ દુનિયામાં બહુ ઓછા લોકો જટિલ સર્જરીનો સામનો કરતા હોય છે. સ્વાસ્થ્ય બિલકુલ સારું નથી
આસારામ તરફથી એવી રજૂઆત પણ થઇ હતી કે, અરજદારના સ્વાસ્થ્ય અંગે અનેક તપાસ કરવામાં આવી છે અને બધા નિષ્ણાતોની સલાહ અને રિપોર્ટમાં એક સામાન્ય સ્થિતિ એ તો છે કે તેમની જીવલેણ સ્થિતિ છે. સ્વાસ્થ્ય બિલકુલ સારું નથી. રાજ્ય સરકાર તરફથી વકીલે દલીલ કરી હતી કે એવું નથી કે રાજ્ય દોષિતના સ્વાસ્થ્ય પ્રત્યે અસંવેદનશીલ છે. નવેમ્બર-જાન્યુઆરીથી હોસ્પિટલમાં દાખલ થવાનો સમય 141 દિવસ રહ્યો હતો અને લગભગ 15 વખત તેમની ગંભીર સ્થિતિ થતાં પણ તેમને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી હતી. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર આસારામના વચગાળાના જામીન આપ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે તેમને વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી. તેથી તેમણે તબીબી કારણોસર વચગાળાના જામીન લંબાવવાની સ્પષ્ટ જરૂરિયાત દર્શાવવી પડશે. તેને કોર્ટ સમક્ષ આ જરૂરિયાત દર્શાવવી ખૂબ જ જરૂરી છે. રેકોર્ડ પર મુકવામાં આવેલું AIIMS જોધપુર પ્રમાણપત્ર સહી વગરનું હતું અને એવું લાગે છે કે આસારામ ફક્ત એક જ દિવસ OPDમાં ગયા હતા. સુરત મહિલાએ આસારામ સામે નોંધાવી હતી ફરિયાદ
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ‘જીતના જલ્દ સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’
પીડિતા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુરુપૂર્ણિમા આવતી હતી ત્યારે આસારામે તેમને વક્તા તરીકે પસંદ કરવાનું કહ્યું હતું અને બાદમાં વક્તા તરીકે પસંદ કરી હતી. ત્યારબાદ આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા પર બોલાવવામાં આવી હતી. આશ્રમના અન્ય વ્યક્તિ તેને આસારામના ફાર્મ હાઉસ પર લઈ ગયા હતા. જ્યાં આસારામે હાથ-પગ ધોઈને રૂમની અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું. માલિશ કરતા સમયે આસારામે અડપલાં શરૂ કરતા ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા આસારામે ‘જીતના જલ્દ સમર્પણ કરગો ઉતનાહી આગે બઢોગી’ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ અકુદરતી રીતે સેક્સ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી ત્યાંથી રવાના કરી હતી. આસારામ અને તેના પુત્ર સામે નોંધાવી હતી ફરિયાદ સુરતની બે બહેનોએ નારાયણ સાંઈ અને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં બે બહેનો પૈકીની નાની બહેને આસારામના પુત્ર નારાયણ સાંઈ અને મોટી બહેને આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મોટી બહેનની ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં કોર્ટ દ્વારા આજે ચુકાદો આપતા આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આસારામનો પરિવાર અને વિવાદ
આસારામ અને તેમના પરિવારનાં ‘કાળાં કરતૂતો’ 2013માં સામે આવ્યાં હતાં. એ સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. બાળકીનાં માતા-પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની પર ભૂતપ્રેતનો ઓછાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. બાળકીનાં માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયાં. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. બે બહેનોએ પિતા-પુત્ર સામે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો
સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજીએ નારાયણ સાઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદે કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો.