બ્રિટનમાં અને ભારતમાં બંને તરફથી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘેરાયાં છે. બ્રિટન:
27 માર્ચે બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીનું લેક્ચર હતું. લેક્ચરમાં વચ્ચે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓએ મમતા ગો બેક.. ના નારા લગાવ્યા. મમતા પણ ગાંજ્યા જાય એવાં નથી. એમણે કહ્યું, હું બંગાળી વાઘણ છું, પાછી આવીશ. ભારત:
27 માર્ચે લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ મમતા સરકાર પર ગર્જ્યા હતા. ઈમિગ્રેશન બિલ રજૂ કરતી વખતે અમિત શાહે કહ્યું કે, બાંગ્લાદેશથી જે ઘૂસણખોરો આવે છે તેને પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર આશરો આપે છે અને આધારકાર્ડ પણ નીકળી જાય છે. નમસ્કાર, આવતા વર્ષે 2026માં બંગાળમાં ચૂંટણી આવી રહી છે. બંગાળમાં મમતા છે ત્યાં સુધી કોઈનો ગજ વાગ્યો નથી. ગઈ ચૂંટણી વખતે સંદેશખાલી વિવાદ થયો હતો. એ પછી એમ.જી.કર હોસ્પિટલનો રેપ કેસ ગાજ્યો. હવે આવતા વર્ષે બંગાળ કબજે કરવા ભાજપે મમતા સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. બીજી તરફ બ્રિટનની કોલેજમાં મમતા સામે ઉહાપોહ થતાં મમતાએ શાનમાં જવાબ આપ્યો કે, હું રોયલ બંગાળ ટાઈગર જેવી છું. બ્રિટનમાં શું બન્યું તે વાંચો…
બ્રિટનમાં વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફર્ડ હેઠળની કેલોગ કોલેજમાં મમતા બેનર્જીનું લેક્ચર હતું. વિષય હતો – બંગાળનો વિકાસ અને બહારથી આવતું રોકાણ. મમતા બેનર્જીના લેક્ચર વખતે ઓડિટોરિયમમાં SFI એટલે સ્ટુડન્સ્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ હાજર હતા. તેમાંથી એક સ્ટુડન્ટે વચ્ચે જ પૂછી લીધું કે તમે એક વિશેષ રોકાણની વાત કરો જેનાથી બંગાળને ફાયદો થયો હોય. મમતા આનો કોઈ જવાબ આપે તે પહેલાં જ બીજા સ્ટુન્ટ્સે કહી દીધું કે અહીંયા સવાલ -જવાબ ન થવા જોઈએ. આ કોલેજનો કાર્યક્રમ છે. કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી. એ પછી મમતાને આર.જી.કર હોસ્પિટલના રેપ કેસ મામલે સવાલ કરવામાં આવ્યો. ત્યારે મમતાએ કહ્યું કે, આ મામલો કેન્દ્ર સરકાર પાસે છે. તમે અહીંયા રાજનીતિ ન કરો. તમે આ બધું મારી સાથે મારા રાજ્યમાં કરી શકો છો. અહીંયા નહીં. જો તમે આને રાજનીતિનો મુદ્દો બનાવવા માગો છો તો બંગાળ જઈને તમારી પાર્ટીને કહો કે તે મજબૂત બને. તેમના લેક્ચર દરમિયાન તેમને ત્રણવાર ટોકવામાં આવ્યાં અને મમતા ગો બેક… ના નારા લાગ્યા. ત્યારે તેમણે કહ્યું કે, તમે મારું અપમાન નથી કરતા પણ તમારી ઈન્સ્ટિટ્યૂટનું અપમાન કરો છો. મમતા બેનર્જીએ બ્રિટનની કોલેજમાં બતાવેલું પોસ્ટર ચર્ચામાં…
જ્યારે સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વિદ્યાર્થીઓએ વધારે હોબાળો કર્યો ત્યારે મમતા બેનર્જીએ સ્ટુડન્ટને એક પોસ્ટર બતાવ્યું. જેમાં પોતે ઘાયલ છે અને માથા પર પાટો બાંધેલો છે. તસવીર બતાવીને મમતા કહે છે કે, તેને જાનથી મારી નાખવાની કોશિશ થઈ હતી. જવાબમાં કેટલાક સ્ટુડન્ટ કહે છે કે, તમને કોઈ મારવા માગતું નથી. અમને ખબર છે કે તમે નાટક કરો છો.
એ પછી SFIના સ્ટુડન્સ્ટે બંગાળમાં હિન્દુઓની સ્થિતિને લઈને સવાલ કર્યો. તેના જવાબમાં મમતાએ કહ્યું, હું બધા માટે છું. હું હિન્દુ, મુસ્લિમ, સીખ, ઈસાઈ બધા માટે છું. હું એકતા માટે છું. કોઈ એક જાતિનું નામ ન લો. બધી જાતિઓનું એકસાથે નામ લો. મમતાએ કહ્યું કે, તમે લોકો જે કરી રહ્યા છો, ભવિષ્યમાં આ વસ્તુઓ રિપિટ થઈ શકે છે. જ્યારે તમારા નેતા અહીંયા આવશે. મારી વાત યાદ રાખજો. તેણે એમ કહ્યું, દીદી પાછી આવશે. દીદીને કોઈ ફર્ક નથી પડતો. દીદીને કોઈની ચિંતા નથી. દીદી રોયલ બંગાળ ટાઈગર જેવી છે. ઈફ યુ કેન કેચ મી… પણ મારી સાથે ઝઘડો ન કરો.
ભાષણ વચ્ચે જે પણ બબાલ થઈ તેની જવાબદારી વામપંથી વિદ્યાર્થી સંગઠને લીધી છે. તેણે એક ફેસબુક પોસ્ટ શેર કરીને લખ્યું કે, પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ અને જનતાના સમર્થનમાં SFI-UKએ મમતા બેનર્જી અને TMCના ભ્રષ્ટ, અલોકતાંત્રિક શાસન સામે અવાજ ઉઠાવ્યો. મમતાએ લંડનમાં આ વાત પણ કરી
મમતા બેનર્જીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની કેલોગ કોલેજમાં લેક્ચર આપતી વખતે કહ્યું કે, એકતા જાળવવી એ એક અઘરું કામ છે, પણ લોકોના ભાગલા કરવામાં એક મિનિટ લાગે છે. જ્યારે હું ખુરશી પર હોઉં છું ત્યારે હું સમાજને વિભાજીત કરી શકતી નથી. મારે નબળા વર્ગો અને ગરીબોનું ધ્યાન રાખવાનું. અમારે તેમના માટે સખત મહેનત કરવી પડશે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં લગભગ 11 કરોડ લોકો છે. એક નાના દેશ જેટલી વસ્તી. અમારી સુંદરતા એ હકીકતમાં રહેલી છે કે અમારા 33% થી વધુ લોકો લઘુમતી સમુદાયો – મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ, નેપાળી અને ગોરખા છે. બંગાળમાં લગભગ 6% આદિવાસી અને 23% અનુસૂચિત જાતિના લોકો રહે છે. દરેક જાતિ, સંપ્રદાય અને ધર્મના લોકો એકબીજાને પ્રેમ કરે છે. નિવેદન લંડનમાં આપ્યું ને ભાજપે બંગાળમાં ભડકો કર્યો
ઓક્સફર્ડ તરફથી ઓફિસર મમતા સાથે મંચ પર ચર્ચા કરતા હતા. તેમણે મમતાને પૂછ્યું કે, ઈકોનોમિમાં ભારત હવે યુકેને ઓવરટેક કરૂ ચૂક્યું છે. ભારત વર્તમાનમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને જલ્દી ત્રીજા નંબરે હશે. 2060માં ભારત ઈકોનોમિમાં નંબર વન પર હશે. તેના જવાબમાં મમતાએ કહ્યું કે, આઈ વીલ ડિફર ધેટ… મારો મત અલગ હોઈ શકે છે.
મમતા બેનર્જીનો આ જવાબ આપતો વીડિયો ભાજપે વાયરલ કર્યો. આ વીડિયોને શેર કરીને પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ શુકાંત મજુમદારે લખ્યું કે, ભારત યુકેથી આગળ નીકળીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. છતાં મમતા બેનર્જી બેશરમ બનીને વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યાં છે. તેમનું ભારત વિરોધી નિવેદન ન માત્ર અપમાનજનક છે પણ તેના સંવૈધાનિક પદનું પણ અપમાન છે. લોકસભામાં અમિત શાહે મમતાને આ રીતે ઘેર્યાં…
લોકસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગુરૂવારે અમિત શાહે લોકસભામાં ‘ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ-2025’ રજૂ કર્યું હતું અને તે પાસ થઈ ગયું હતું. આ બિલ પર ચર્ચા કરતી વખતે અમિત શાહે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાની ઘૂસણખોરીના મુદ્દે મમતા સરકારની ઝાટકણી કાઢી હતી. અમિત શાહે કહ્યું કે, આ દેશ ધરમશાળા નથી. કોઈપણ લોકો કોઈપણ ઉદ્દેશ સાથે અહીંયા આવીને રહી જશે. કોઈપણ વિદેશી નાગરિકને ભારતમાં આવવું છે તો ક્યા રસ્તે આવવું છે તે તો નક્કી કરવું પડશે. આટલી મોટી લાંબી સમુદ્રી અને ભૂ-સીમામાંથી કોઈ ગમે ત્યાંથી આવી જશે તો રોકવાનું કોઈ પ્રાવધાન નથી. કારણ, કેટલાક લોકો માને છે કે રોકવાની જરૂર જ નથી. બાંગ્લાદેશી ઘૂસણખોરો હોય કે રોહિંગ્યા હોય. પહેલાં આસામથી પણ ઘૂસતા હતા જ્યારે કોંગ્રેસની સરકાર હતી. હવે બંગાળથી આવે છે કારણ કે TMCની સરકાર છે. બાંગ્લાદેશીઓ ઘૂસીને આવી જાય છે. આવા લોકોને આધારકાર્ડ કોણ આપે છે? ક્યાંના નાગરિકો બની ગયા છે? આ બધું લાંબો સમય નહીં ચાલે, 2026ની ચૂંટણીમાં બંગાળમાં કમળ ખીલશે. 450 કિલોમીટરની ફેન્સિંગ બાંધવાની બાકી
અમિત શાહે પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે, લોકસભામાં બંગાળના સાંસદ સુખદેવ ભગતે બંગાળની વાત કરી છે. તેણે કહ્યું છે કે, બંગાળમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકવામાં BSF સક્ષમ નથી. હું વાસ્તવિકતા બતાવવા માગું છું. હું આશા રાખું છું કે તૃણમૂલ કોંગ્રેસના લોકો સદન છોડીને નહીં જાય અને મારી વાત ધ્યાનથી સાંભળશે. આપણી બાંગ્લાદેશ સાથેની સરહદ 2216 કિલોમીટર છે. તેમાંથી 1653 કિલોમીટર વાડ બાંધવામાં આવી છે. વાડ પાસે રોડ પણ બની ગયો છે. ચોકીઓ પણ બની ગઈ છે. બાકી જે ફેન્સિંગ બાંધવાની બાકી છે તેની લંબાઈ છે 563 કિલોમીટર. આ સરહદ આજે પણ ખુલી છે. આ 563 કિલોમીટર ફેન્સિંગ બાકી છે તેમાંથી 112 કિલોમીટરની ફેન્સિંગ એવી છે જે સમથળ નથી. ટેકરીઓ છે, નદીઓ છે, ઊંચા-નીચા રસ્તાઓ છે. આ 112 કિલોમીટરમાં ફેન્સિંગ બની શકે તેમ જ નથી. 450 કિલોમીટર જ્યાં ફેન્સિંગ બની શકે તેમ છે તે બાકી છે. મમતા દીદી ફેન્સિંગ માટે જમીન નથી આપતાં : અમિત શાહ
અમિત શાહે ઉદ્દબોધનમાં આગળ કહ્યું કે, બાકી રહેલી 450 કિલોમીટર માટે મેં ડી.ઓ. લેટર લખીને દસ રિમાઈન્ડર કર્યા છે. બંગાળની સરકાર જમીન આપતી નથી. આ 450 કિલોમીટર માટે ગૃહ સચિવે બંગાળના સચિવ સાથે સાત-સાત મિટિંગો કરી. જ્યારે ફેન્સિંગ લગાવવા જઈએ છીએ તો સત્તાધારી પાર્ટીના માણસો આવીને ધમાલ કરે છે. ધાર્મિક નારા લગાવે છે. 450 કિલોમીટર વાડ બાંધવાની રોકાઈ છે તો તે માત્ર ને માત્ર બંગાળ સરકારની ઘૂસણખોરો પર જ દયા છે, તેના કારણે જ રોકાઈ છે. કદાચ આ ભાષણ સાંભળીને મમતાજી જમીન આપી પણ દે તો અમે કામ પૂરું કરી દેશું. છતાં 112 કિલોમીટર સરહદ ખુલી રહે છે. આપણે 2000 કિલોમીટર વાડ બનાવીએ અને 112 કિલોમીટર ન બનાવીએ તો તેનો અર્થ નથી. માણસને ઘૂસવા માટે કેટલી જગ્યા જોઈએ? આવી સ્થિતિમાં આ લોકો અમને સવાલ કરે છે કે રોહિંગ્યા તમારા નાક નીચે દિલ્હી સુધી ઘૂસી ગયા. એમને (બંગાળના સાંસદોને) પૂછો કે આધાર કાર્ડ કોણ આપે છે? જેટલા બાંગ્લાદેશી પકડાઈ ગયા તેમની પાસે 24-પરગણા જિલ્લાના આધારકાર્ડ મળ્યા છે. આ લોકો આધાર કાર્ડ જ ન આપે તો માણસ તો શું, ચકલી પણ ન ઘૂસી શકે. છેલ્લે,
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશ પણ આર્થિક કંગાળ છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ આર્થિક મદદ માગવા ચીન પહોંચ્યા છે. બાંગ્લાદેશ અને ચીન સાથે સારા સંબંધો રહ્યા છે જે ભારત માટે જોખમ છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના હતાં ત્યારે તેમણે છેલ્લો પ્રવાસ ચીનનો કર્યો હતો. હવે મોહમ્મદ યુનુસે અંતરિમ વડાપ્રઘાન બન્યાના આઠ મહિના પછી પહેલો પ્રવાસ ચીનનો કર્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતાં રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીએ. નમસ્કાર (રિસર્ચઃ યશપાલ બક્ષી)