આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મેં વિધાનસભા માં સવાલ પૂછ્યો હતો પરંતુ આદિજાતિ વિકાસ મંત્રીએ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ગોળ-ગોળ જવાબ આપ્યો હતો. વર્ષ 2024 -25 માં આદિવાસી વિકાસ વિભાગને 4373.96 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. તે મુદ્દે પોતાનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આ રકમમાંથી 2, 879.81 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા છે. તો અમારો સવાલ છે કે બાકીના 1,500 કરોડ શા માટે ફાળવવામાં આવ્યા નથી. આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીઓ નથી, સારી શાળાઓ નથી, શાળાઓમાં ઓરડાઓ નથી, પીવાના પાણીની તંગી છે, આરોગ્ય વિભાગમાં સાધનોની જરૂરત છે, આવી પરિસ્થિતિ હોવા છતાં પણ માર્ચ એન્ડિંગ આવવા સમય સુધી પણ 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા નથી. સરકારી જે 2879.81 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમાંથી 902.40 કરોડ રૂપિયા વણવપરાયેલા પડ્યા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકારને આદિવાસીઓના વિકાસમાં જરાપણ રસ નથી. આદિજાતિ વિકાસ વિભાગમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ વિકાસ યોજના હોય, ગુજરાત પેટર્ન હોય કે, મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના હોય, આવી અનેક યોજનાઓને પ્રભારી મંત્રી દ્વારા સાઈડમાં રાખવામાં આવે છે અને એનજીઓ અને એજન્સીઓના બિનજરૂરી કામ અને બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે. આ બાબત પર મેં સવાલ કર્યો. નર્મદા જિલ્લામાં 68 કરોડ રૂપિયા આવ્યા હતા. તેમાંથી 50 કરોડ રૂપિયાનું આયોજન પ્રભારી મંત્રી અને એનજીઓ દ્વારા કરી દેવામાં આવ્યું. ગુજરાત પેટર્નની યોજનામાં 30 કરોડના કામ આવ્યા હતા તેમાંથી અમારા જેવા ધારાસભ્યને ફક્ત 50-60 લાખના કામ આપવામાં આવ્યા અને 20 કરોડથી વધુના કામો પ્રભારી મંત્રીના ઈશારે થયા. તમામ આદિવાસી જિલ્લાઓમાં જે એજન્સીઓ અને એનજીઓ છે, તેઓ એક કંપની દ્વારા અનેક બોગસકામો કરવામાં આવે છે અને ગ્રાન્ટને હજમ કરી જાય છે. જો આ તમામ એનજીઓ અને એજન્સીઓની છેલ્લા પાંચ વર્ષની તપાસ કરવામાં આવે તો 2200 – 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે. માટે અમારી માંગ છે કે પ્રભારી મંત્રીઓ જેઓ બારોબાર કામ કરે છે. તેમને અટકાવવામાં આવે અને અમે માંગ કરી છે કે જે પણ યોજનાના પૈસા બાકી છે તેને તાત્કાલિક ફાળવવામાં આવે.