વડોદરા કોર્પોરેશનમાં ભાજપામાં ચાલેલી ભવાઇ ભાજપા કાર્યાલય “કમલમ”માં પૂરી થયા બાદ આજે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી કલાલી ખાતે ચાલી રહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનુ સાથે નિરીક્ષણ કરવા માટે ગયા હતા. અને “હમ સાથ સાથ હૈ” નો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજથી શહેર ભાજપ પ્રમુખની પનોતી દૂર થઇ છે. અને મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ઉપર પનોતી શરૂ થઇ છે. બે દિવસ પહેલા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન મેયરને મૂકીને વિશ્વામિત્રી નદીનું નિરીક્ષણ કરવા પહોંચી જતા મેયરે નારાજગી વ્યકત કરી હતી અને કમિશનર બેઠકોમાં તેમની સાથે ચર્ચા કરવાનું ટાળતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મેયર પિન્કીબેન સોનીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે સાથે ન રાખી મેયરની ગરીમાનું અપમાન કરી રહ્યા હોવાની ભડાસ મેયરે ઠાલવી હતી. જે બાદ શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ પાંચ પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતા અને દંડકને કમલમ ખાતે બોલાવ્યા હતા. જેમાં પ્રમુખે વિવાદનો અંત લાવી શહેરના વિકાસમાં ધ્યાન આપવા માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ સાથેની બેઠક બાદ આજે મેયર પિન્કીબેન સોનીને સાથે રાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કલાલી વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતું. તેઓ સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનમાં પદાધિકારીઓના બે જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા માટે મેયરની કરવામાં આવેલ બાદબાકીથી મેયરે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રી સામે પોતાની ભડાસ કાઢી હતી. જોકે, આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચાલતી કામગીરી સ્થળે લઇ જવાતા ખૂશ ઉગેલા મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, પાલિકાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને આ કામગીરી નિર્ધારીત 100 દિવસમાં પૂર્ણ થાય તે માટે રાત દિવસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે વડસરથી કોટનાથ મહાદેવ મંદિર સુધીની 3 કિલોમીટરની કામગીરીમાંથી 1.20 કિલોમીટર કામગીરી પૂર્ણતાના આરે છે. ગત રાતથી અકોટા બ્રિજ ઉપર ફ્લડ લાઈટ મૂકી રાત્રે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.