અમદાવાદના બોપલમાં 27 માર્ચની રાતે મારામારીની ઘટના સામે આવી હતી. ઘરઘાટીનું કામ કરતા યુવક પાસે તેની જ કોલોનીમાં રહેતાં યુવકે ઉછીના રૂપિયા માગ્યા હતાં. જેમાં યુવકે પૈસા આપવાની ના પાડતા 11 જેટલા યુવકે મળીને યુવકને લાકડાના દંડા અને પાટુંથી ઢોરમાર મારી લોહીલુહાણ કર્યો હતો. આ સમગ્ર મારામારીનો વીડિયો પણ સામે આવ્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે રાયોટિગનો ગુનો નોંધી 11 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી કુટુંબી સાળા સાથે કામ પર જઈ રહ્યો હતો
આ મામલે ભોગ બનનાર અર્જુનલાલ સોમાજી નનોમા (ઉં.વ.30)એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, બોપલમાં સિકોતેર માના મંદિરની બાજુમાં પતરાની રૂમોમાં એપલવુડની સામે શાંતિપુરામાં રહું છું. સ્કાયસીટી સોસાયટીના મકાનમાં તથા બીજા અલગ-અલગ મકાનોમા ઘરઘાટીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવું છે. 27 માર્ચે આશરે આઠેક વાગ્યાના સમયે રૂમેથી હું તથા મારા કુટુંબી સાળા ગણેશભાઈ કાળુભાઈ મીણા શેલા સ્કાયસિટી ઘરઘાટીનું કામ કરવા જતા હતા. ગાળો બોલવાની ના પાડતા બે લાફા ઝીંકી દીધા
આ દરમિયાન રસ્તામાં અમારી કોલોનીમાં રહેતો યોગેશ મીણા તથા રાહુલ સરપોટા બંન્ને જણા અમારી પાસે આવ્યાં હતાં અને ઉછીના પૈસાની માગણી કરી હતી. મારી પાસે રૂપિયા ન હોવાથી મેં ના પાડી હતી, જેથી તેઓ મારા પર ઉશ્કેરાઈ ગયા હતાં. તે વખતે મારા કુટુંબી સાળા ગણેશભાઈ તેમણે ગાળો નહીં બોલવાનુ કહ્યુ હતું. જેથી રાહુલ રાજુભાઈ સરપોટાએ તેમને બે લાફા માર્યા હતાં. બાદમાં વધારે ઝઘડો ન થાય તે માટે હું તથા મારો સાળો અમારા કામ ઉપર સ્કાયસિટી જતા રહ્યાં હતાં. 11 જેટલા લોકોએ મળીને ફરિયાદીના માર્યો
અડધા કલાક પછી અમારી કોલોનીમાં રહેતા યોગેશ નગજી મીણા તથા રાહુલ રાજુભાઈ સરપોટા તેના મળતીયા વિકાસ પ્રકાશ મીણા, મદેશભાઇ સોમાલાલ બરંડા ટુવ્હીલર લઇને હાથમાં ધોકા લઈને સ્કાયસિટી સોસાયટીમાં રીવેરા ઇલાયટ આગળ આવી મને જેમફાવે તેમ ગંદી ગાળો બોલી આડેધડ માર મારવા લાગયા હતા. જેમાં પ્રતાપે તેના હાથમાં રહેલો લાકડાનો ધોકો મારા માથાના ભાગે મારતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ વખતે યોગેશ નગજી મીણા તેના હાથમાં રહેલો એલ્યુમિનિયમનો આટીવાળો વાયરથી મારવા લાગ્યો હતો. આ બબાલ ચાલતી ત્યારે બીજા લોકો આવી જતા મારો જીવ બચી ગયો હતો. મને લોહી નીકળતું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે રાયોટિગનો ગુનો નોંધી 11ને ઝડપી પાડ્યાં
હાલ આ મામલે પોલીસે વીડિયો અને ફરિયાદના આધારે 11 લોકોની ધરપકડ કરી છે. તમામ સામે રાયોટિગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.