પીઢ અભિનેતા જોની લીવર તેમના ઉત્તમ અભિનય અને કોમેડી માટે જાણીતા છે. તાજેતરમાં તેમની દીકરી જેમી લીવરે શરૂઆતના દિવસોમાં તેના પર થયેલી ટીકા વિશે વાત કરી. તેણીએ કહ્યું કે, તેના દેખાવને કારણે તેને ઘણી નકારાત્મકતાનો સામનો કરવો પડ્યો, જેના કારણે તે તૂટી ગઈ હતી. ટીવી એક્ટ્રેસ છવી મિત્તલના પોડકાસ્ટમાં જેમી લીવરને પૂછવામાં આવ્યું હતું કે, તેમણે છેલ્લા એક વર્ષમાં લોકોના જજમેન્ટ અને ટીકાનો કેવી રીતે સામનો કર્યો અને તેની કેવી અસર પડી. તેનો જવાબ આપતા જેમીએ કહ્યું, ‘મેં ઘણી વખત ટીકાનો સામનો કર્યો છે. ઘણી વખત મને મારા નાક માટે ટ્રોલ કરવામાં આવી છે. એક દિવસ, જ્યારે હું ફોટોશૂટ કરાવી રહી હતી, ત્યારે એક મેકઅપ આર્ટિસ્ટે મારા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. મેકઅપ આર્ટિસ્ટે કહ્યું કે, નાક ખૂબ મોટું હોવાથી તેનું કટિંગ કરવું પડશે. આવું સાંભળીને હું અંદરથી તૂટી જાઉં છું. એવું લાગે છે કે તમે ક્યારેય સારા નહીં બની શકો. આમ પણ હું બાળપણમાં મેદસ્વિતા સામે સંઘર્ષ કરતી હતી. વજન ઘટાડવું સરળ નહોતું કારણ કે મને PCOS હતું. જેમીએ આગળ કહ્યું, ‘મને હંમેશા કહેવામાં આવતું હતું કે, મોટા હિપ્સ શરમજનક હોય છે.’ એટલા માટે હું હંમેશા તેને ઢાંકીને રાખતી. ક્યારેક લાંબા ટી-શર્ટ પહેરતી હતી, તો ક્યારેક કુર્તા. મારી પાસે હંમેશા એક સરખા જ કપડાં હતા. આ સુંદરતા છે તે સમજવામાં મને ઘણા વર્ષો લાગ્યા. તમે જાણો છો, મારા કર્વ્સ સુંદર છે અને લોકો આવું શરીર મેળવવાની ઈચ્છા રાખે છે અને હું કાર્દાશિયનોને પણ થોડો શ્રેય આપીશ, જેમણે મારા હિપ્સને ખરેખર પ્રખ્યાત બનાવ્યા. ત્યાર પછી લોકો કહે છે વાહ, કર્વ્સ ખરેખર સુંદર લાગે છે. મને મારા શરીરને સ્વીકારવામાં ઘણો સમય લાગ્યો.