ગીર સોમનાથ જિલ્લામાં નાગરિકોની સુખાકારી વધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 28 માર્ચ 2025ના રોજ રૂ.196.55 લાખના 62 જનઉપયોગી કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ કામો વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના, કોડિનાર અને ગીરગઢડા તાલુકાઓમાં હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે ગામના સરપંચો અને તલાટીઓ સાથે નિયમિત બેઠકો યોજી કામોને ઝડપથી પૂર્ણ કરવાનો અભિગમ અપનાવ્યો છે. વર્ષ 2022-23થી 2024-25 સુધીના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આમાં 15% વિવેકાધીન, 5% પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય તહેવાર, એ.ટી.વી.ટી. અને સાંસદ ફંડનો સમાવેશ થાય છે. લોકોપયોગી કામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ગટર, કમ્પાઉન્ડવોલ, મધ્યાહન ભોજન શેડ, કોઝવે, બોર-મોટર, મજૂર કલ્યાણ કેન્દ્ર અને પીવાના પાણીની પાઈપલાઈનનો સમાવેશ થાય છે. આ તમામ કામો જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે હાથ ધરવામાં આવ્યા છે.