સાબરકાંઠા જિલ્લાના તલોદમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત નવું સરકારી તાલુકા પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ રિબન કાપીને પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યું. નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે સરકાર ‘વાંચે ગુજરાત’ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પુસ્તકાલય આસપાસના ગામના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં મદદરૂપ થશે. ગ્રંથાલય નિયામક પંકજપુરી ગોસ્વામીએ માહિતી આપી કે પુસ્તકાલયમાં પ્રાચીનથી આધુનિક કાવ્ય, સાહિત્ય, વિજ્ઞાન અને સાંસ્કૃતિક વિષયો પરના પુસ્તકો ઉપલબ્ધ છે. આ ડિજિટલ યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્વ વધે તે માટે આવા ગ્રંથાલયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ, મદદનીશ ગ્રંથાલય નિયામક, નગરપાલિકાના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં વાચકો હાજર રહ્યા હતા.