કારેલીબાગ મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટના નિરીક્ષણ સમયે થયેલા વિવાદ બાદ મેયરે મ્યુનિ. કમિશનર સામે અવગણનાનો ઉભરો ઠાલવ્યો હતો. જોકે 3 દિવસમાં જ આ ઉભરો શાંત પાડી દેવાયો છે. એક તબક્કે બંને વચ્ચેના મનભેદને મતભેદમાં ખપાવવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા હાજર નેતાઓમાં ફેલાઈ હતી.
કારેલીબાગ મંગલ પાંડે રોડ પર વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર પિન્કીબેન સોનીએ આપેલા સમય પહેલાં મ્યુનિ. કમિશનર દિલીપ રાણા અને સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સ્થળ પર પહોંચી જતાં મેયરની અવગણના કરાતી હોવાનું સપાટી પર આવ્યું હતું.
આ વિવાદ બાદ મેયરે મ્યુનિસિપલ કમિશનર સામે ગંભીર આક્ષેપો કરી તેઓ પોતાની સાથે વાત કરવામાં નાનપ અનુભવે છે, તેવો ઉભરો ઠાલવતાં રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો. મેયરે મીડિયામાં ઉભરો ઠાલવતાં શહેર ભાજપ પ્રમુખે તેઓને નમો કમલમમાં બોલાવી કડક સૂચના આપી હતી.
આ વિવાદના 3 દિવસ બાદ શનિવારે કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવાનું આયોજન હાથ ધર્યું હતું, જેમાં જાણે કંઈ જ ન થયું હોય તેમ મ્યુ. કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન સાથે જોવા મળ્યાં હતાં.
પોતાની અવગણના થતી હોવા મુદ્દે નારાજગી જાહેર કરનાર મેયરે પાલિકા તેમનો પરિવાર છે તેમ કહી વિવાદ મુદ્દે ગોળગોળ જવાબ આપ્યો હતો. બીજી તરફ મ્યુનિ. કમિશનરે પણ જવાબ આપવાનું ટાળી મેયરને પૂછો તેમ કહ્યું હતું.
નોંધનિય છે કે, મેયર તથા કમિશનર વચ્ચેના વિવાદની વાત ખુદ મેયરે જાહેરમાં કરી હતી. જો કે તે ઉભરો હવે શમી જવા પામ્યો છે. બધાંએ અંતર રાખ્યું, મેયર સાથે મ્યુનિ. કમિશનરે કામ પૂરતી જ વાત કરી
મેયરે જે રીતે મ્યુનિ. કમિશનર સામે પોતાનો બળાપો ઠાલવ્યો હતો તે જોતાં બંને વચ્ચે હવે કોઈ સમાધાન નહિ થાય તેવી અટકળો વહેતી થઈ હતી. જોકે 3 દિવસ બાદ જ વિવાદ જેવું કંઈ હતું જ નહીં તેવું દર્શાવવાનો ડોળ જોવા મળ્યો હતો. મેયર સાથે મ્યુનિ. કમિશનર ગણતરીથી વાત કરતાં હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે બધાં એકબીજાથી દૂર ભાગતાં હોવાનું પણ ચિત્ર ઊભું થયું હતું.