મહેસાણાથી શામળાજી વચ્ચે 141 કિલોમીટર લાંબો નેશનલ હાઇવે (168G) બનશે. 4 લેન નેશનલ હાઇવેનું નિર્માણ ત્રણ તબક્કામાં કરાશે. જેમાં ઇડર-બડોલી વચ્ચે 14.2 કિલોમીટરના બાયપાસ માટે રૂ.705.09 કરોડ ફાળવ્યા છે. આ બાયપાસ ઇડરના મણિયોરથી શરૂ થઈ સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલથી આગળ વધીને બડોલી સુધી પહોંચશે. આ બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 માઇનર બ્રિજ, 1 રેલવે ઓવરબ્રિજ અને 4 વ્હિકલ અંડરપાસ (વીયુપી) નિર્માણ કરવામાં આવશે. બાયપાસનો આ રૂટ ઇડર-અંબાજી, મહેસાણા અને શામળાજી જતા વાહનો માટે મુખ્ય ટ્રાન્ઝિટ નોડ તરીકે કામ કરશે. તેમજ ઇડર શહેરમાંથી પસાર થતા હાલના સાંકળા રોડના કારણે થતી ભારે ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. આ માહિતી માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ વિભાગના મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે સોશીયલ મિડિયામાં આપી હતી. વડનગર સહિત 13 ગામની જમીન સંપાદન કરાશે
મહેસાણાથી શામળાજીને નેશનલ હાઇવે પ્રોજેક્ટમાં વિસનગર તાલુકાના ગુંજા, સવાલા અને કંસારાકુઇ, ખેરાલુ તાલુકાનું લીમડી, વડનગર તાલુકાના સુલીપુર, કેસીમ્પા, સદીકપુર, વલાસણા, રસુલપુર અને વડનગર સહિતના 13 ગામના અંદાજે 386 સર્વે નંબરોની માપણી કરવાની થાય છે. જે પ્રક્રિયા હેઠળ છે.